સબરીમાલા કેસમાં ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના બીજા વરિષ્ઠ જજ જસ્ટિસ રોહિંટન ફલી નરિમાન ગુરુવારે નિવૃત્ત થયા. ચીફ જસ્ટિસ એન. વ. રમનાએ તેમને વિદાય આપી. આ કાર્યક્રમમાં સીજેઆઈ રમનાએ કહ્યું કે, ‘જસ્ટિસ નરિમાનની નિવૃત્તિ સાથે, અમે ન્યાયિક સંસ્થાનું રક્ષણ કરતો સિંહ ગુમાવ્યો છે. તેઓ હાલની ન્યાય વ્યવસ્થાના મજબૂત સ્તંભોમાંથી એક રહ્યા છે.
તેઓ સિદ્ધાંતવાદી વ્યક્તિ છે, જે યોગ્ય છે તે માટે પ્રતિબદ્ધ. મને ખાતરી છે કે હવે તેમના વ્યાવસાયિક જીવનમાં ઘણાં પ્રકરણો લખાશે.’ હવે પરંપરા મુજબ, કાર્યકારી દિવસના અંતિમ દિવસે જસ્ટિસ નરિમાને સીજેઆઈ સાથે બેન્ચ શેર કરી. સીજેઆઈએ કહ્યું કે, ‘જસ્ટિસ નરિમાન કાયદાકીય કુશળતાનો ભંડાર છે. તેમની નિવૃત્તિ આશ્ચર્યજનક છે. તેઓ બારમાંથી સુપ્રીમ કોર્ટની બેન્ચમાં સીધા પ્રમોટ થનારા 5 માં વકીલ હતા. સુપ્રીમકોર્ટના જજ તરીકે તેમણે લગભગ 13,565 કેસોનો નિકાલ કર્યો છે.’
આ મુદ્દે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ‘ન્યાયમૂર્તિ નરિમાને કાયદાની દરેક શાખામાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, પછી ભલે તે ધર્મનો તુલનાત્મક અભ્યાસ હોય કે બંધારણ.’
બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહે જણાવ્યું કે, ‘ન્યાયતંત્ર જસ્ટિસ લોઢાની આભારી હોવી જોઈએ, જેમણે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ નરિમાનની ભલામણ કરી હતી. તેઓ માત્ર 37 વર્ષની ઉંમરે જ 1993 માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત થયા હતા. આ માટે નિયમો બદલવા પડ્યા. અગાઉ વરિષ્ઠ વકીલ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 45 વર્ષ હતી.’
યાદ રહેશે: IT એક્ટની કલમ 66A પર અપાયેલો મહત્ત્વનો ચુકાદો
જસ્ટિસ નરિમાન કેરળના સબરીમાલા મંદિર કેસની સુનાવણી કરનારા જજોમાંના એક હતા. આ બેન્ચે ચુકાદો આપ્યો હતો કે 10 થી 50 વર્ષની મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શકશે. તેમણે 2015ના શ્રેયા સિંઘલ કેસમાં પણ ચુકાદો આપ્યો હતો, જેમાં IT એક્ટની કલમ 66A નાબૂદ કરાઈ હતી. તે અંતર્ગત સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરનારની પોલીસ કોઈ પણ સંજોગોમાં ધરપકડ કરી શકતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.