રાજસ્થાનના અલવરમાં 14 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટના બની છે. પીડિત બાળકી બોલી શકતી નથી. તેને સાંભળવામાં પણ તકલીફ પડી રહી છે. અત્યારે તે જયપુરમાં સારવાર હેઠળ છે. બુધવારે તેના ઓપરેશન બાદ મંત્રી અને અધિકારી મળવા માટે પહોંચ્યા હતા. તે પોતાની વ્યથા અંગે કહેવામાં ફક્ત બે જ શબ્દનો સહારો લેતી હતી. એ શબ્દો હતા-'મા અને પા'. આથી વિશેષ કંઈ જ તે બોલી શકતી નહોતી.
અલવરમાં પોલીસે અનેક CCTV ફૂટેજની તપાસ કરી છે. જોકે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી નથી. હવે એવી રાહ જોવાય છે કે છોકરીની સારવાર બાદ તેમની ઓળખ કરવામાં આવે. પીડિતના માતા-પિતા પણ જયપુરમાં છે. તેના ઈશારાથી તેઓ જ કંઈ જ સમજી શકે એમ છે. તેમની મદદથી જ પોલીસ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશે.
અનેક યુનિટ લોહી ચડાવ્યું
દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં ધારદાર હથિયારથી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે. 5 ડોક્ટરે ઓપરેશન કરી બાળકીનો જીવ બચાવ્યો છે. પહેલાં અલવર અને ત્યાર બાદ જયપુરમાં અનેક યુનિટ લોહી ચડાવવામાં આવ્યું.
માતા-પિતા મજૂરી કરે છે
પીડિતાનાં માતા-પિતા મજૂરીકામ કરે છે. તેમને એક દીકરી અને એક દીકરો છે. ગ્રામીણોએ આપેલી માહિતી પ્રમાણે પીડિતા મંગળવારે બપોરે 12 વાગે કાચા માર્ગે ખેતરેથી આવી રહી હતી ત્યાર બાદ તેને કોઈએ જોઈ ન હતી. ત્યાર બાદ 11 જાન્યુઆરીની રાત્રે ગેંગરેપની માહિતી મળી હતી. પીડિતાને અલવરમાં તિરાજા ફાટક પુલ પાસે ફેંકી દેવામાં આવી હતી. જ્યા તે એક કલાક સુધી તડપતી રહી હતી. તે કંઈપણ જાણકારી આપી શકતી નથી. તેની સ્થિતિ કથળતાં જયપુર રિફર કરવામાં આવી હતી.
આંતરિક ભાગોમાં ગંભીર ઈજા
જેકે લોન હોસ્પિટલના વડા ડો. અરવિંદ શુક્લાએ જણાવ્યું હતું કે બાળકીના આંતરિક ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે. તેનું રેક્ટમ જગ્યાથી ખસી ગયું છે. તેને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે ખૂબ જ પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું. તેના પ્રાઈવેટ પાર્ટમાં વ્યાપક પ્રમાણમાં ઈજા પહોંચી હતી. બાળકીના પેટમાં છેદ પાડી અલગથી માર્ગ બનાવવામાં આવ્યો, જેથી મળનો ત્યાગ કરી શકે.
મધ્યપ્રદેશમાં ગૃહમંત્રીએ કહ્યું- પ્રિયંકા રાજસ્થાન જઈને પણ લડે
અલવર ગેંગરેપકાંડ અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ પ્રિયંકા પર નિશાન સાધ્યું છે. મિશ્રાએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં લડકી હૂં, લડ શકતી હૂં નારા આપનાર પ્રિયંકા ગાંધીને રાજસ્થાનમાં પણ જઈ લડવું જોઈએ. અલવરમાં નિર્ભયાકાંડ ટીકાપાત્ર છે. જો તે રાજસ્થાનમાં જઈ લડશે તો સમજમાં આવી જશે કે ખરેખર તે લડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.