ગ્રેટર નોઈડાના BBAનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ નોલેજ પાર્ક મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવી દીધી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિવારજનોને સોંપી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
લાંબા સમય સુધી પ્લેટફોર્મ પર ફરતો રહ્યો, પછી કૂદી ગયો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિદ્યાર્થી પ્લેટફોર્મ પર સીડી પાસે આમ તેમ ચાલી રહ્યો છે. બીજી જ ક્ષણે તે પ્લેટફોર્મની રેલિંગ પર ચઢીને નીચે કૂદી જાય છે. પ્લેટફોર્મ પર હાજર એક મહિલાએ રેલિંગ પાસે જઈને જોયું તો વિદ્યાર્થી લોહીથી તરબોળ જોવા મળ્યો હતો.
સ્ટેશન પર હાજર લોકોએ મેટ્રો સ્ટેશનના અધિકારીઓને આ ઘટનાની જાણકારી આપી. આ પછી નીતીશને ગંભીર હાલતમાં યથાર્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત થયું હતું.
મૂળ બિહારનો રહેવાસી હતો વિદ્યાર્થી
વિદ્યાર્થીની ઓળખ 21 વર્ષીય નીતિશ કુમાર તરીકે થઈ છે, જે બિહારના ભાગલપુરનો રહેવાસી છે. નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ કુમારે જણાવ્યું કે નીતીશ મંગલમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રેટર નોઈડા નોલેજ પાર્ક-2માંથી BBA કરી રહ્યો હતો. તે ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. તે રોજ મેટ્રો દ્વારા કોલેજ આવતો અને જતો. સોમવારે સવારે 11.30 વાગ્યે મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવી દીધી.
આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે નીતીશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. પોલીસ આપઘાતનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. આ માટે વિદ્યાર્થીઓના મોબાઈલ કોલ ડિટેઈલ અને અન્ય માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.