કલંકિતો અંગે સવાલ:ન્યાયતંત્ર રાજકારણમાં ગુનેગારોને રોકી નથી શકી રહ્યું: સુપ્રીમકોર્ટકલંકિતો અંગે સવાલ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમકોર્ટના આદેશના અનાદર વિરુદ્ધ અરજી
  • અરજીમાં ચૂંટણીપંચ, રાજકીય પક્ષો સામે ફરિયાદ

સુપ્રીમકોર્ટે રાજકારણમાં ગુનેગારો મામલે મંગળવારે ચિંતા વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે ગુનેગારોને રાજકારણમાં આવતા અને ચૂંટણી લડતા રોકવા ન્યાયતંત્ર કંઇ કરી શકતું નથી. જસ્ટિસ આર. એફ. નરિમન અને જસ્ટિસ બી. આર. ગવઇની બેન્ચે ચૂંટણીપંચ તથા રાજકીય પક્ષો વિરુદ્ધ દાખલ કોર્ટના અનાદરની અરજી મામલે સુનાવણી કરી રહી હતી. આરોપ છે કે પંચે તથા પક્ષોએ સુપ્રીમકોર્ટના 13 ફેબ્રુઆરી, 2020ના આદેશનું ઉલ્લંઘન કર્યું છે.

ગત વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ ઉલ્લંઘન કરાયું. સુપ્રીમકોર્ટના આદેશમાં જણાવાયું હતું કે રાજકીય પક્ષો તેમની વેબસાઇટ પર ઉમેદવારો સામેના પડતર ગુનાઇત કેસોની વિગતો ફરજિયાત ધોરણે અપલોડ કરે પરંતુ ઘણા પક્ષોએ આ આદેશનું પાલન નથી કર્યું. ચૂંટણીપંચે પણ કાર્યવાહી ન કરી.

કોંગ્રેસ, એનસીપી, બસપા અને સીપીએમે તેમના કલંકિત ઉમેદવારો સંદર્ભે કોર્ટની બિનશરતી માફી માગી. આ પક્ષો કલંકિત ઉમેદવારો મુદ્દે કોર્ટમાં વિસ્તૃત એફિડેવિટ દાખલ કરવામાં અને તેમનો ગુનાઇત ઇતિહાસ જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા.

ભાજપના 39%, કોંગ્રેસના 57% સાંસદ કલંકિત
એડીઆરના રિપોર્ટ મુજબ, ભાજપના 301 સાંસદનું વિશ્લેષણ કરાયું. તેમાંથી 116 (39%) સાંસદે એફિડેવિટમાં પોતાની સામે ગુનાઇત કેસ થયેલા હોવાની માહિતી આપી. કોંગ્રેસના 51માંથી 29 (અંદાજે 57%), ડીએમકેના 23માંથી 10 (અંદાજે 43%), તૃણમૂલ કોંગ્રેસના 22માંથી 9 (41%) અને જેડીયુના 16માંથી 13 (81%) સાંસદે પોતાની સામે ગુનાઇત કેસ થયેલા હોવાનું એફિડેવિટમાં જણાવ્યું હતું.

43% સાંસદ કલંકિત, 2019માં 9% સુધી વધ્યા
એસો. ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વોચે ગત લોકસભા ચૂંટણીમાં જીતેલા 539 ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું છે. તેમાંથી 233 એટલે કે 43% સાંસદોએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની સામે ગુનાઇત કેસ થયેલા છે. આ 2014ની લોકસભાની સરખામણીમાં 9% વધુ છે. ત્યારે 542 સાંસદમાંથી 185 એટલે કે 34%એ તેમની સામે ગુનાઇત કેસ થયેલા હોવાનું કહ્યું હતું.

કલંકિતોની સુનાવણી માટે ફાસ્ટટ્રેક કોર્ટની અછત
સુપ્રીમકોર્ટના દિશાનિર્દેશો મુજબ કલંકિત લોકપ્રતિનિધિઓના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં નિયમિત ધોરણે ચાલવા જોઇએ પણ રાજ્યોમાં ફાસ્ટટ્રેક કોર્ટનો અભાવ છે. રાજ્ય સરકારો કહેતી રહે છે કે ભંડોળની અછતના કારણે ફાસ્ટટ્રેક કોર્ટની રચના નથી થઇ શકતી. એવામાં નીચલી અદાલતોમાં કલંકિત લોકપ્રતિનિધિઓના કેસની સુનાવણી પર ભાર મૂકવાનો વિકલ્પ છે. જોકે, સુપ્રીમકોર્ટના દિશાનિર્દેશ નીચલી અદાલતોને બંધનકર્તા નથી.

બસપા, એનસીપીએ ચૂંટણી પ્રતીક આદેશ, 1968 સામે સવાલ ઉઠાવ્યા
​​​​​​​
બસપાના વકીલ દિનેશ દ્વિવેદીએ ચૂંટણી પ્રતીક (અનામત અને ફાળવણી) આદેશ, 1968ની કલમ 16-એ સામે સવાલ ઉઠાવતાં કોર્ટમાં કહ્યું કે આ કાયદા હેઠળ ચૂંટણી પ્રતીક ફ્રીઝ કરવું ભારે દંડ છે. ગુનાઇત પૃષ્ઠભૂમિનો અર્થ એ નથી કે ઉમેદવાર સામાજિક કાર્ય નથી કરી રહ્યો. એવું પણ નથી કે કલંકિત હોવાથી લોકો તેને નહીં ચૂંટે. એનસીપીના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે, ‘કોર્ટે ચૂંટણી પ્રતીક (અનામત અને ફાળવણી) આદેશ, 1968ની કલમ 324 અને 16-એની મર્યાદાઓ અંગે વિચારવાની જરૂર છે. તેવું નહીં કરાય તો તેની દૂરોગામી અસર પડશે. એક સિસ્ટમ ડેવલપ કરવી જોઇએ, જે પહેલાં રાજકીય પક્ષોની વાત સાંભળવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...