• Gujarati News
  • National
  • JK Srinagar Hyderpora Terrorists Encounter; Kashmiri Man Reacts On His Son Encounter

કાશ્મીરી પિતાનો સવાલ:આતંકવાદીઓના ડરથી 11 વર્ષ છુપાવીને જિંદગી વિતાવી, બદલામાં શું મળ્યું- દીકરાનું એન્કાઉન્ટર

20 દિવસ પહેલા

શ્રીનગરના હૈદરપોરામાં બે દિવસ પહેલાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા યુવકના પિતાએ સુરક્ષાદળોની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે તેમનો પુત્ર નિર્દોષ હતો, આતંકવાદી નહોતો. અને તે એક દુકાનમાં કામ કરતો હતો. 15 નવેમ્બરના રોજ થયેલા આ એન્કાઉન્ટરમાં કુલ 2 આતંકવાદી અને તેમના 2 સહાયકો માર્યા ગયા હતા.

2005માં ઘરબાર છોડીને ભાગવું પડ્યું
માર્યા ગયેલા આતંકવાદી આમિરના પિતા અબ્દુલ લતીફ માગરેએ જણાવ્યું હતું કે 2005માં મારા ભાઈની આતંકવાદીઓએ હત્યા કરી નાખી હતી. આ પછી મેં જાતે જ એક આતંકવાદીને પથ્થરથી કચડી નાખ્યો અને મારા જ હાથે તેને મારી નાખ્યો. મને સેના તરફથી પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું હતું. 11 વર્ષ સુધી અમારે ઘર છોડીને ઘરે-ઘરે ભટકવું પડ્યું.

આતંક વિરુદ્ધ લડાઈનું ઈનામ મળ્યું
અબ્દુલ લતીફે વધુમાં કહ્યું હતું કે મેં મારાં બાળકોને માંડ માંડ ઉછેર્યા, પરંતુ આ બધાનો અર્થ શું હતો. મારા પુત્રની હત્યા આતંકવાદીના લેબલ સાથે કરવામાં આવી હતી. પુત્રનો મૃતદેહ દફનવિધિ માટે પણ આપવામાં આવ્યો નહતો. આતંક સામેની મારી લડાઈનું આ ઈનામ હતું. પોલીસ હજુ પણ મારા ઘરની સુરક્ષા કરી રહી છે. કાલે સુરક્ષાદળો મને પણ મારીને આતંકવાદી જાહેર કરી શકે છે.

પોલીસે કહ્યું- આમિર હાઈબ્રીડ આતંકવાદી હતો
કાશ્મીર પોલીસનું કહેવું છે કે આમિર લતીફ માગરે હાઇબ્રીડ આતંકવાદી હતો. આવા આતંકવાદી કૃત્યો કર્યા પછી તેઓ રોજબરોજના કામમાં વ્યસ્ત રહે છે. પોલીસને તેમની ઓળખ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોલીસના જણાવ્યા અનુસાર, બનિહાલનો રહેવાસી આમિર આતંકવાદીઓનો સ્થાનિક સહયોગી હતો.

એન્કાઉન્ટરમાં 4 આતંકવાદી માર્યા ગયા હતા
15 નવેમ્બરના રોજ શ્રીનગરના હૈદરપોરા ખાતે એન્કાઉન્ટરમાં બે સ્થાનિક વેપારી સહિત 4 કાશ્મીરી માર્યા ગયા હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા ડો. મુદાસિર ગુલ અને અલ્તાફ ભટ્ટની ત્યાં સ્થિત કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનો હતી. ડેન્ટલ સર્જન મુદસિર ગુલ આ સંકુલમાં કમ્પ્યુટર સેન્ટર ચલાવતા હતા. અલ્તાફ આ કોમર્શિયલ કોમ્પ્લેક્સનો માલિક હતો અને ત્યાં હાર્ડવેર-સિમેન્ટની દુકાન ચલાવતો હતો. અલ્તાફ અહેમદ ભટ્ટ આતંકવાદીઓને મદદ કરતો હતો, જ્યારે ડૉ. મુદાસિર ગુલ આતંકવાદીઓનો ઓવર ગ્રાઉન્ડ વર્કર હતો, જેણે તેમને રહેવા માટે જગ્યા આપી હતી. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે દાવો કર્યો હતો કે માર્યા ગયેલા બે આતંકવાદીમાંથી એક પાકિસ્તાની નાગરિક હૈદર હતો.

પરિવારનો આરોપ- સુરક્ષાદળોએ સામાન્ય નાગરિકોને માર્યા
IGP વિજય કુમારે જણાવ્યું હતું કે ક્રોસ ફાયરિંગમાં બંને માર્યા ગયા હતા. જોકે પોલીસનું એમ પણ કહેવું છે કે ડો.મુદાસિર ગુલ આતંકીઓ માટે કોલ સેન્ટર ચલાવતો હતો. આ કોલ સેન્ટરનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે થતો હતો. કુમારે કહ્યું હતું કે અમે મુદાસિર અને અલ્તાફના પરિવારનો દફનવિધિ માટે સંપર્ક કર્યો હતો કારણ કે અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે પરિવારોને મૃતદેહો સોંપી શક્યા નથી. અમે મૃતદેહોને હંદવાડા લઈ ગયા, જ્યાં તેમને દફનાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...