ક્વીન એલિઝાબેથની જયપુર મુલાકાત પર થયો હતો વિવાદ:જવાહરલાલ નેહરુએ દરબાર યોજવા અને વાઘના શિકાર સામે વાંધો ઉઠાવ્યો હતો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે. એલિઝાબેથ ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યાં હતાં. ભારતની પહેલી યાત્રા દરમિયાન તેમણે જયપુર અને ઉદયપુરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રવાસ ઘણા વિવાદમાં રહ્યો હતો. તેમની રાજસ્થાન મુલાકાત દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ વિશે ઇતિહાસમાં એક નજર કરીએ.

કાળઝાળ ગરમીના દિવસો હતા. બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય ભારતની મુલાકાતે આવશે એવી જાહેરાત કરાઈ હતી. ભૂતપૂર્વ જયપુર રાજવી પરિવારના વડા સવાઈ માનસિંહ બ્રિટનના રોયલ વિન્ડસર પેલેસમાં પોલો મેચ દરમિયાન રાણીને મળ્યા હતાં.

માનસિંહે કહ્યું હતું કે ભારત યાત્રા દરમિયાન જયપુર તમારું સ્વાગત કરવા ઈચ્છે છે. રાણી એલિઝાબેથ તરત જ સંમત થયાં. રાણીના પર્સનલ સેક્રેટરી સર માઇકલ એડન અને લંડનમાં ભારતના હાઇ કમિશનર વિજય લક્ષ્મી પંડિતનો સંપર્ક કર્યા પછી તરત જ એલિઝાબેથની ભારત મુલાકાત દરમિયાન જયપુરનું નામ ઉમેરવામાં આવ્યું હતું. રાણી દ્વારા આ મુલાકાતને બની શકે એટલી અનૌપચારિક રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

રાણી એલિઝાબેથ અને એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપ જયપુરની મુલાકાત દરમિયાન રામબાગ પેલેસ ખાતે જયપુરના ભૂતપૂર્વ રાજવી સવાઈ માનસિંહ અને ગાયત્રી દેવી સાથે.
રાણી એલિઝાબેથ અને એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપ જયપુરની મુલાકાત દરમિયાન રામબાગ પેલેસ ખાતે જયપુરના ભૂતપૂર્વ રાજવી સવાઈ માનસિંહ અને ગાયત્રી દેવી સાથે.

મહારાણી એલિઝાબેથ 23 જાન્યુઆરી 1961ના રોજ જયપુરની મુલાકાતે આવવાનાં હતાં. એ સમયે રાણી માટે રોયલ બકિંગહામ પેલેસ, યુકેના વિદેશ મંત્રાલય અને દિલ્હી પ્રોટોકોલ વિભાગ તમામ તૈયારીઓ પૂર્ણ કરવા માટે કામે લાગી ગયાં. રાણી એલિઝાબેથની જયપુરની પ્રથમ મુલાકાત દરમિયાન તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે દરેક યોજના સાથે પ્લાન B તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ થોડાં અઠવાડિયાં પછી એવો મુદ્દો ઊભો થયો કે ભારતથી બ્રિટન સુધી હંગામો મચી ગયો.

જયપુરની ભૂતપૂર્વ મહારાણી ગાયત્રી દેવી પોતાના પુસ્તક 'A- પ્રિન્સેસ રિમેમ્બર્સ - મેમોઇર્સ ઓફ ધ ક્વીન ઓફ જયપુર'માં લખે છે, એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાણી એલિઝાબેથની જયપુર મુલાકાત દરમિયાન વાઘના શૂટિંગ માટે સવાઈ માધોપુરમાં જયપુરના શાહી મહેલની મુલાકાત લેશે. આ બાબતે ઈંગ્લેન્ડમાં રાણી વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થયાં અને થોડા સમય પછી એ મુદ્દો ભારતમાં પણ ચર્ચિત મુદ્દો બન્યો. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ આ અંગે ચિંતિત બન્યા હતા. તેમણે સવાઈ માનસિંહને પત્ર લખીને કહ્યું હતું કે તમે ખાતરી કરો કે આ શૂટમાં કોઈ જીવંત પ્રાણીનો ઉપયોગ ન થાય.

જયપુરમાં મહારાણી એલિઝાબેથે ભાંકરોટા ગામમાં વોટર સપ્લાય સિસ્ટમનું ઉદઘાટન કર્યું હતું. ભાંકરોટા ગામ હવે જયપુર શહેરમાં જ આવે છે.
જયપુરમાં મહારાણી એલિઝાબેથે ભાંકરોટા ગામમાં વોટર સપ્લાય સિસ્ટમનું ઉદઘાટન કર્યું હતું. ભાંકરોટા ગામ હવે જયપુર શહેરમાં જ આવે છે.

આ વિવાદનો અંત આવે એ પહેલાં જ જયપુર યાત્રાને લઈને વધુ એક વિવાદ શરૂ થયો. રાણીનું સન્માન યોજવા માટે રિસેપ્શનના આમંત્રણના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે જયપુરના પૂર્વ શાહી ઘરના વડા દરબાર યોજવાના છે. ગાયત્રી દેવી તેમના પુસ્તકમાં લખે છે, 'આ સમાચાર ભારતીયોની સંવેદનાઓને ઠેસ પહોંચાડવાના હતા, કારણ કે ભારત આઝાદ થઈ ગયું હતું. ફરી એકવાર વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પત્ર લખીને સવાઈ માનસિંહ પાસેથી આ અંગે જાણકારી મેળવી.

માનસિંહે જવાબ આપ્યો- હું આ વાતથી ખૂબ જ નારાજ છું કે વડાપ્રધાન મને આટલો બેજવાબદાર માને છે. રિસેપ્શન માટે આપવામાં આવેલા આમંત્રણપત્રના શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે મહારાણી એલિઝાબેથ અને તેમના પતિ એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપના સન્માનમાં દરબાર યોજવાનો કોઈ ઈરાદો નથી

સિટી પેલેસમાં એલિફન્ટ રાઈડ દરમિયાન સવાઈ માનસિંહ સાથે રાણી એલિઝાબેથે પણ સવારી કરી.
સિટી પેલેસમાં એલિફન્ટ રાઈડ દરમિયાન સવાઈ માનસિંહ સાથે રાણી એલિઝાબેથે પણ સવારી કરી.

જયપુરમાં થયું શાહી સ્વાગત, રાણી હાથી પર સવાર થઈ
રાણી એલિઝાબેથ અને તેમના પતિ 23 જાન્યુઆરી 1961ના રોજ જયપુર પહોંચ્યાં. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગાયત્રી દેવી તેમના પુસ્તકમાં લખે છે, 'રાણી એલિઝાબેથના સ્વાગત માટે જયપુરના લોકો રસ્તા પર ઊમટી પડયા. સિટી પેલેસના દરવાજેથી એલિઝાબેથ હાથી પર સવાર થયાં. એ સમયે સિટી પેલેસને શણગારવામાં આવ્યો હતો. હાથી, ઘોડા, ઊંટ, બળદગાડાનો આખો કાફલો હતો. હાથીઓને સોના અને ચાંદીનાં આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. ગાયત્રી દેવી પુસ્તકમાં લખ્યું કે 'સિટી પેલેસના પ્રેક્ષક પેવેલિયનમાં મેં એલિઝાબેથનું સ્વાગત કર્યું. મેં સિટી પેલેસમાં ઘણા સમારોહમાં ભાગ લીધો, પરંતુ આ સૌથી અદ્ભુત હતું.'

આ ફોટો રોયલ કલેક્શન ટ્રસ્ટની વેબસાઈટ પરથી લેવામાં આવ્યો છે. ગાયત્રી દેવીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આ દરમિયાન હાથીઓને પણ સોના-ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા.
આ ફોટો રોયલ કલેક્શન ટ્રસ્ટની વેબસાઈટ પરથી લેવામાં આવ્યો છે. ગાયત્રી દેવીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આ દરમિયાન હાથીઓને પણ સોના-ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા.

સરકારે શિકાર કરવા માટે લક્ઝરી ટ્રામ આપી
ગાયત્રી દેવીએ તેમના પુસ્તકમાં લખ્યું, 'અમે લક્ઝરી ટ્રામથી અમારા ફેવરિટ શિકાર ગ્રાઉન્ડ ગયા હતા. આ ટ્રામ અમને સરકાર દ્વારા આપવામાં આવી હતી. અમે અમારી સાથે કોઈ ADCને લીધા નહોતા. સવાઈ માનસિંહનાં ચાર બાળકો ઉપરાંત શૂટિંગનાં સાધનોના ઈન્ચાર્જ કેશરી સિંહ અમારી સાથે હતા. એ સમયે ટ્રામના દરેક ડબ્બામાં ટેલિફોન હતો.

રણથંભોરનાં જંગલોમાં સફારી દરમિયાન એલિઝાબેથ અને તેમનો કાફલો.
રણથંભોરનાં જંગલોમાં સફારી દરમિયાન એલિઝાબેથ અને તેમનો કાફલો.

રાણીના પતિએ પહેલા જ દિવસે વાઘનો શિકાર કર્યો હતો
ગાયત્રી દેવી લખે છે, 'ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપે પહેલા દિવસે જ એક મોટા વાઘનો શિકાર કર્યો. આ પછી અમે શાનદાર લંચ લીધું અને પછી જંગલનું જીવન જોવા માટે નીકળી પડ્યાં. બીજા દિવસે એડિનબર્ગના ડ્યુકના ટ્રેજરર સર ક્રિસ્ટોફર બોનહામ કાર્ટરે વધુ એક વાઘનો શિકાર કર્યો. આ પછી અમે રણથંભોરનો અભેદ્ય કિલ્લો જોવા ગયા અને પહાડીની ટોચ પર એક શાનદાર ડિનર કર્યું.

વાઘના શિકાર પછી રાણી એલિઝાબેથ (વચ્ચે) અને ગાયત્રી દેવી સાથે બ્રિટનનું પ્રતિનિધિમંડળ
વાઘના શિકાર પછી રાણી એલિઝાબેથ (વચ્ચે) અને ગાયત્રી દેવી સાથે બ્રિટનનું પ્રતિનિધિમંડળ

રાણી વિક્ટોરિયાનો પડદાવાળો કોટ બનાવીને પહેર્યો
ગાયત્રી દેવી તેમના પુસ્તકમાં લખે છે, 'ક્વીન એલિઝાબેથ એ જાણીને ચોંકી ગયા હતા કે શૂટિંગનાં સાધનોના ઈન્ચાર્જ કેશરી સિંહે પહેરેલું જેકેટ ભૂતપૂર્વ બ્રિટિશ રાણી વિક્ટોરિયાના પડદામાંથી બનાવવામાં આવ્યું હતું. કેશરી સિંહે આ રેડ વેલવેટનો પડદો હરાજીમાં ખરીદ્યો હતો અને પછી એનું જેકેટ બનાવ્યું હતું.'

એલિઝાબેથ પણ ઉદયપુર ગઈ હતી
રાણી એલિઝાબેથ જયપુરની મુલાકાત પછી 30 જાન્યુઆરી 1961ના રોજ ઉદયપુર ગયા હતા. ત્યાં ઉદયપુરના ભૂતપૂર્વ શાહી પરિવારના વડા ભગવત સિંહ અને અન્ય લોકો દ્વારા પરંપરાગત પોશાકમાં રાણી એલિઝાબેથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાણી એલિઝાબેથે શિવ નિવાસ, લેક પિચોલા, જગ મંદિર સહિત શહેરનાં અનેક અગ્રણી સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે શહેરની સુંદરતાને નજીકથી નિહાળી હતી. મહારાણી મોટર બોટ દ્વારા જગ મંદિર ગયાં. આ ઉપરાંત એ શહેરના શિવ નિવાસ ખાતે સ્થાનિક મહાનુભાવોને પણ મળ્યા હતા.

રાણી જે રૂમમાં રોકાઈ હતી એ આજે લક્ઝરી સ્યૂટ
જયપુરની મુલાકાત દરમિયાન રાણી એલિઝાબેથ અને તેમના પતિ પ્રિન્સ ફિલિપને રાજમહેલ પેલેસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મહેલ થોડા સમય માટે ગાયત્રી દેવીનું નિવાસસ્થાન પણ હતું. આ મહેલ હવે એક લક્ઝરી હોટલછે અને એલિઝાબેથ જે રૂમમાં રોકાઈ હતી એ આજે ક્વીન એલિઝાબેથ સ્યૂટ તરીકે ઓળખાય છે.

જુઓ આ જ લક્ઝરી સ્યુટની કેટલીક તસવીરો...

રાણી એલિઝાબેથ અહીં રાજમહેલ પેલેસમાં રોકાયાં હતાં. હવે એ લક્ઝરી હોટલ બની ગઈ છે.
રાણી એલિઝાબેથ અહીં રાજમહેલ પેલેસમાં રોકાયાં હતાં. હવે એ લક્ઝરી હોટલ બની ગઈ છે.
રાજમહેલ પેલેસ એક સમયે ગાયત્રી દેવીનું નિવાસસ્થાન હતું.
રાજમહેલ પેલેસ એક સમયે ગાયત્રી દેવીનું નિવાસસ્થાન હતું.
આ સ્યૂટ ઘણો મોટો છે, એમાં બાળકો માટે અલગ રૂમ પણ છે.
આ સ્યૂટ ઘણો મોટો છે, એમાં બાળકો માટે અલગ રૂમ પણ છે.
રાણી એલિઝાબેથ જયપુરની મુલાકાત દરમિયાન આ મહેલમાં રોકાયાં હતાં.
રાણી એલિઝાબેથ જયપુરની મુલાકાત દરમિયાન આ મહેલમાં રોકાયાં હતાં.
અન્ય સમાચારો પણ છે...