ઉત્તરાખંડના જોશીમઠમાં મંગળવારે સવારથી લોકોમાં આક્રોશ હતો. પ્રથમ તબક્કામાં જે લોકોનાં મકાન તોડવામાં આવનાર હતાં તે પૈકી કેટલાક લોકો પોતાની ચીજવસ્તુઓ અને કીમતી સામાન ગાડીઓમાં લાદી રહ્યા હતા. મહિલાઓ તો પોતાનાં ઘરોને જોઇને રડી રહી હતી. જમીન ધસી પડવાના ખતરા વચ્ચે પ્રથમ તબક્કામાં 75 મકાનોને તોડી પાડવાની યોજના હતી.
કાર્યવાહીના વિરોધમાં લોકો સવારથી વિવિધ જગ્યાએ એકત્રિત થઇ રહ્યા હતા. તેમનું કહેવું હતું કે તોડફોડની કાર્યવાહી કરતા પહેલાં તેમની પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરાયું નથી. વળતર નક્કી કર્યા વગર તેઓ પોતાનાં ઘરોને તોડવા દેશે નહીં. લોકોનું કહેવું હતું કે, તેમણે બેન્કોમાંથી હોમ લોન લીધેલી છે. ઘર તૂટી જશે તો ક્યાં જશે. હોમ લોનની ચુકવણી કઇ રીતે કરશે. તેમનું કહેવું છે કે બેન્કના ઇએમઆઇની ચુકવણી કરો અથવા તો નવા મકાનનાં ભાડાની ચુકવણી કરો. બેન્કોની તરફથી પીડિત પરિવારોને લોન મોરેટોરિયમ જેવી સુવિધા મળવી જોઇએ. અહીં દિવસ દરમિયાન વહીવટીતંત્રના લોકો અને સ્થાનિક લોકો આમને-સામને રહ્યા હતા.
સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ પણ જોશીમઠ પહોંચ્યા હતા. ભટ્ટે આઇટીબીપી હેડ ક્વાર્ટર જઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. સ્થાનિક લોકોના આક્રોશને જોતા મોડી સાંજે મકાનોને તોડી પાડવાની કાર્યવાહી પર બ્રેક મૂકી દેવામાં આવી હતી. સૂત્રોના કહેવા મુજબ આગળની કાર્યવાહી માટે બુધવારે જ નિર્ણય કરાશે. જોશીમઠમાં કુલ 678 મકાનોને તોડી પાડવામાં આવનાર છે. જેમાં બે મોટી હોટલ સામેલ છે.
પીડા : પીઠ પર રેતી લાદીને લાવ્યા, પોતે એક એક ઇંટ મૂકી
ગભરાટ: પોતાના ઘરની અંદર રહેવાનો ડર: અંજુ ઉનિયાલ જણાવે છે કે તેણે પોતાનું ઘર બનાવ્યું છે. તે પોતે નદીઓમાંથી રેતી પીઠ પર લઈને લાવ્યો હતો. ઘરની દરેક ઇંટ પોતાના હાથથી નાખવામાં આવી હતી. બેંકમાંથી લોન પણ લીધી હતી. પણ આજે મને એ જ ઘરની અંદર રહેવાથી ડર લાગે છે.
સવાલ | વહીવટીતંત્રએ તોડવાની નોટિસ કેમ આપી નથી?
હોટલના સંચાલક કમલેશ રાણાનું કહેવું છે કે તેમના સમગ્ર પરિવારના સભ્યોએ સાથે મળીને મહેનત કરી હતી ત્યારે હોટલ બનાવી શક્યા હતા. વહીવટીતંત્ર તરફથી હજુ કોઇ પણ પ્રકારના વળતરનું મૂલ્યાંકન કરાયું નથી. જિલ્લા કલેક્ટર તરફથી કોઇ નોટિસ પણ અપાઇ નથી.
નિરાશા | જીવનભરની કમાણી લગાવી, હવે ક્યાં જઇએ?
નાની દુકાન ચલાવનાર જોતસિંહ રાવતનું કહેવું છે કે જીવનભરની કમાણી એકત્રિત કરીને અને ઓળખીતા લોકો પાસેથી ઉછીને લઇને ઘર બનાવ્યું હતું. હવે વળતર વગર જ તેમનાં ઘરને તોડવાની વાત કરાઇ રહી છે. પુત્ર હજુ બેરોજગાર છે. સમજાતું નથી શું કરીએ.
ફેબ્રિકેટેડ આવાસ 20 કિલોમીટર દૂર બનાવાયા છે, લોકો ત્યાં જઇ રહ્યા નથી
જોશીમઠથી શિફ્ટ 81 પરિવારોને આશરે 20 કિલોમીટરના અંતરે પીપલકોટીમાં 300 ફેબ્રિકેટેડ આવાસ ( પ્લાસ્ટિકશીટ અને ફ્રેમ) માં મોકલવાની યોજના હતી પરંતુ પરિવારો જઇ રહ્યા નથી. હવે વહીવટીતંત્રના લોકો કહી રહ્યા છે કે લોકો પોતાની પસંદગીથી કોઇ પણ જગ્યા રહી શકે છે. સરકાર તરફથી છ મહિના સુધી ચાર હજાર રૂપિયા મહિને મદદ કરાશે.
હજુ સ્કૂલ એક મહિના બાદ જ ખૂલશે તો...
જોશીમઠમાં હાલમાં સ્કૂલોમાં રજા ચાલી રહી છે. વાલીઓનું કહેવું છે કે એક મહિના બાદ સ્કૂલ ખૂલી ગયા બાળકો કઇ રીતે જશે. તોડી પાડવા માટે પસંદગી કરાયેલાં ભવનોમાં કોઇ હોસ્પિટલ નથી.
વધુ એક ખતરો |કર્ણપ્રયાગમાં રેલવે સુરંગમાં તિરાડ
કર્ણપ્રયાગ રેલવે લાઇનની સુરંગની રિટર્નિંગ વોલમાં તિરાડ પડી હોવાની માહિતી સપાટી પર આવી છે. ભૂસ્ખલનથી કર્ણપ્રયાગમાં બહુગુણા નગરના 50 ઘરમાં તિરાડ પડી ગઇ છે. લોકો આ ઘરોને છોડી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.