• Gujarati News
  • National
  • Climate Change After Terror Attack On Non Kashmiris, Laborers Say Situation Is Alarming

જમ્મુ-કાશ્મીરથી પલાયણ:બિનકાશ્મીરીઓ પર આતંકી હુમલા પછી બદલાયો માહોલ, મજૂરોએ જણાવ્યું કે આ સ્થિતિ ભયભીત કરનારી

શ્રીનગર2 મહિનો પહેલા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા થોડા દિવસથી બહારના લોકો પર થતા હુમલા વધી ગયા છે. આતંકી ખાસ કરીને બિનકાશ્મીરી મજૂરોને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. રવિવારે જ આતંકીઓએ સાઉથ કાશ્મીરના કુલગામમાં બિહારના 3 લોકોને ગોળી મારી હતી. તેમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે એક ઘાયલ છે. કુલગામના લારન ગંજીપોર એરિયામાં જેમને ગોળી મારવામાં આવી, તે તમામ મજૂર હતા.

આ પહેલા શનિવારે આતંકીઓએ શ્રીનગરના ર્ઈદગાહ વિસ્તારમાં બિહારના એક હોકરને ગોળી મારી હતી. ગંભીર સ્થિતિમાં તેને શ્રીનગરની SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અરવિંદ કુમાર સાહ હતું. તે બિહારના બાંકા જિલ્લાનો રહેનારો હતો અને પાણી પુરી વેચતો હતો. બીજી ઘટનામાં આતંકીઓએ શનિવારે જ પુલવામામાં સગીર અહમદ નામના શખ્સની ગોળી મારીને હત્યા કરી હતી. UPનો રહેવાસી સગીર કારપેન્ટર હતો.

હુમલાના સમાચારોથી ડરેલા કાશ્મીરના પ્રવાસી મજૂર
હાલના માહોલના પગલે જમ્મુ-કાશ્મીરમાં રહેતા પ્રવાસી મજૂરોમાં ડરનો માહોલ છે. મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોએ કાશ્મીર છોડ્યું હોવાના પણ સમાચાર છે. આ લોકોનું કહેવું છે કે મજૂરો પર જીવલેણ હુમલાના સમાચારથી તે ભયભીત છે. તેમને અહીં રહેવાનુ સુરક્ષિત લાગી રહ્યું નથી. ઘણા પ્રવાસી મજૂર દિવાળી પર ઘરે જવાના હતા, જોકે હિંસાના પગલે તહેવાર પહેલા જ તે અહીંથી નીકળી રહ્યાં છે.

ઘાટી છોડીને જઈ રહેલા પ્રવાસી મજૂર પંકજ પાસવાનનો અનુભવ
બિહારના રહેવાસી મજૂર પંકજ પાસવાને ભાસ્કરને ઘાટી છોડવાને લઈને માહિતી આપી. પંકજે જણાવ્યું કે તે પણ કાશ્મીર છોડીને ઘરે જઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે હું ગાડી પર બેઠો છું. શ્રીનગરથી નીકળી ચૂક્યો છું. મારે 25 ઓક્ટોબરે ઘરે જવાનુ હતું, જોકે હું પહેલા જ નીકળી ગયો છું. તેમણે કહ્યું કે ઘણા લોકો તો પહેલા જ નીકળી ચૂક્યા છે. ટીવી પર હુમલાના સામાચારને જોઈને લોકો ડરી ગયા છે અને પોતાના ઘરે જઈ રહ્યાં છે.

સ્પેશિયલ ઓપરેશન માટે ટીમ કાશ્મીર પહોંચી
બિનકાશ્મીરી લોકોમાં ભય છે. રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને જગ્યાએ જગ્યાએ મજૂર ગ્રુપ બનાવીને પોતાના રાજ્યમાં જવા રવાના થઈ રહ્યાં છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના લોકોની ભીડ પલાયણ કરતી દેખાઈ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પેશિયલ ઓપરેશન માટે એક ટીમ કાશ્મીર મોકલી છે. સ્પેશિયલ ટીમ અહીં આતંક ફેલાવી રહેલા આતંકીઓનો ખાત્મો બોલાવશે. આ ટીમ દિલ્હીથી કાશ્મીર પહોંચી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...