તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફઘાનિસ્તાન મુદ્દે મહત્વની બેઠક શરૂ:જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે માહિતી આપી, વિપક્ષી દળોએ કહ્યું- સરકાર પણ નિવેદન જાહેર કરે

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • આજે 24 ભારતીય અને 11 નેપાળી કાબુલથી એરફોર્સના વિમાનમાં ભારત આવી પહોંચ્યા

અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકર પ્રસાદે ગૃહના નેતાઓને અફઘાનિસ્તાન વિશે માહિતી આપી છે. આં બેઠકમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે, એનસીપીના નેતા શરદ પવાર, DMKના ટીઆર બાલુ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ અને અનુપ્રિયા પટેલ પણ ઉપસ્થિત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયશંકરને નિર્દેશ આપ્યા હતા કે તેઓ તમામ રાજકીય પાર્ટીઓને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર જાણકારી આપે. વિપક્ષી દળોએ સરકારને એવું પણ કહ્યું છે કે સરકાર અફઘાનિસ્તાન બાબતે એક નિવેદન પણ જાહેર કરે.

આજે એરફોર્સનું વિમાન અફઘાનિસ્તાનથી 35 લોકોને લઈને ભારત આવ્યું
આજે 24 ભારતીય અને 11 નેપાળી કાબુલથી એરફોર્સના વિમાનમાં ભારત આવી પહોંચ્યા છે. અફઘાનિસ્તાનથી લોકોને એરલિફ્ટ કરવાની સાથે સરકાર ત્યાંની પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે. અત્યારસુધી અફઘાનિસ્તાનથી 800 લોકોને ભારત લાવવામાં આવ્યા છે.

મોદીએ કહ્યું હતું- આતંક લાંબા સમય સુધી માનવતાને દબાવી શકતો નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનની સ્થિતિ પર એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તોડવાવાળી શક્તિઓ કાયમી નથી હોતી. તેમણે વધુમાં કહ્યું, "આતંકના આધારે સામ્રાજ્ય બનાવવાનો વિચાર છે, એ અમુક સમય માટે ભલે મજબૂત થઈ જાય, પરંતુ એનું અસ્તિત્વ ક્યારેય કાયમી રહેતું નથી. એ લાંબા સમય સુધી માનવતાને દબાવી શકતો નથી. "

તાલિબાન પર ભારતનું શું વલણ છે?
થોડા દિવસો પહેલાં જયશંકરે કહ્યું હતું કે અમે અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ. અમારું ધ્યાન માત્ર ભારતીયોને બહાર કાઢવા અને તેમની સુરક્ષા પર છે. અફઘાનિસ્તાન સાથે અમારા ઐતિહાસિક સંબંધો છે. અફઘાની લોકો સાથે અમારા સંબંધો ચોક્કસપણે ચાલુ રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ કહ્યું હતું કે તાલિબાન હિંસાનો માર્ગ છોડે અને આતંકવાદી સંગઠનો સાથેના સંબંધો સમાપ્ત કરે.

વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અફઘાનિસ્તાન મુદ્દા પર લગભગ 45 મિનિટ સુધી ફોન પર વાતચીત કરી હતી. ભારતે અફઘાનિસ્તાનમાં પોતાનું દૂતાવાસ ખાલી કર્યું છે, પરંતુ રશિયાએ હમણાં જ તેનું મિશન જાળવી રાખ્યું છે. એવું માનવામાં આવે છે કે તે તાલિબાન સાથે પોતાનો સંપર્ક સ્થાપિત કરવા માગે છે.

ભારત બાબતે તાલિબાનનું વલણ શું છે?
તાલિબાનના પ્રવકતા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે તાલિબાન ભારત સાથે સારા સંબંધો બનાવવા માગે છે. ભારત મહત્ત્વપૂર્ણ છે અને અમે ઇચ્છીએ છીએ કે તે અફઘાન લોકોની ઇચ્છાઓને ધ્યાનમાં લેતાં પોતાનો અભિપ્રાય જણાવે. અમે વચન આપીએ છીએ કે અમે અમારી જમીનનો ઉપયોગ કોઈપણ દેશની વિરુદ્ધ નહીં થવા દઈએ.

અન્ય સમાચારો પણ છે...