ઝુંઝુનુના કિઠાના ગામમાં રહેતા NDAના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જગદીપ ધનખડ આજે પણ તેમનાં મૂળિયાં સાથે જોડાયેલા છે. ગામમાં એન્ટ્રી લેતા જ જગદીપ ધનખડનું ફાર્મ હાઉસ છે. ભાસ્કરની ટીમ ત્યાં પહોંચી તો ફાર્મ હાઉસ પર લાઈનમાં બનેલા 5 રૂમમાં મહિલાઓની ભીડ હતી. અહીં રહેતા મહિપાલે જણાવ્યું હતું કે ભાઈ સાહેબ (જગદીપ ધનખડ) અને ભાભાજી (સુદેશ ધનખડ)એ વર્ષ 2008માં મહિલાઓ માટે ફ્રી સીવણ ક્લાસ ખોલ્યા હતા.
નોંધનીય છે કે આજે ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન થવાનું છે. ધનખડ સત્તાધારી NDA ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસે તેમના સિનિયર લીડર અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ માર્ગરેટ અલ્વાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઘણા અન્ય વિપક્ષી દળો પણ અલ્વાને સમર્થન કરી રહ્યા છે. પરંતુ ધનખડની જીત નક્કી માનવામાં આવે છે.
મહિપાલે જણાવ્યું હતું કે ભાઈસાહેબે અહીં બાળકો માટે સ્પોકન ઈંગ્લિશ ક્લાસ અને કોમ્પ્યુટર ક્લાસ પણ શરૂ કરાવ્યા છે. એક લાઈબ્રેરી પણ બનાવી છે. આ બધું કામ હવે ભાભીજી સંભાળે છે. તેઓ દર આંતરે દિવસે ફોન કરીને સ્ટાફ પાસેથી બધી માહિતી લે છે.
સીવણ ક્લાસમાં અંદર પહોંચતાં જ ઈન્સ્ટ્રક્ટર સવિતા સાથે મુલાકાત થઈ. સવિતાએ જણાવ્યું હતું કે 15 વર્ષમાં અત્યારસુધીમાં 2500થી વધારે મહિલાઓને અહીં ટ્રેનિંગ આપવામાં આવી છે. તે મહિલાઓ હવે પોતાનું કામ કરીને પૈસા કમાય છે. જરૂરિયાતવાળી મહિલાઓને અહીં ફ્રીમાં સીવણ મશીન પણ આપવામાં આવે છે. ટ્રેનિંગ દરમિયાન કપડાં અને દોરા સાથેનો કોઈપણ ખર્ચ મહિલાઓએ કરવાની જરૂર નથી.
ગામમાં કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર, લાઈબ્રેરી
ટ્રેનિંગ સેન્ટરમાંથી બહાર નીકળ્યા તો ત્યાં અમુક રૂમ બનેલા હતા. મહિપાલે જણાવ્યું હતું કે ભાઈસાહેબ ગામમાં અંગ્રેજીમાં વાત કરનારી પહેલી વ્યક્તિ હતા. હવે તેમની ઈચ્છા છે કે ગામનો દરેક છોકરો કડકડાટ અંગ્રેજી બોલે. આ જ વિચારે અમુક વર્ષો પહેલાં અહીં એક રૂમમાં સ્પોકન ઈંગ્લિશ ક્લાસ અને બીજા રૂમમાં કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાવ્યું છે. ભાઈસાહેબે અહીં એક લાઈબ્રેરી પણ શરૂ કરી છે, જેમાં દરેક પ્રકારની બુક્સનું કલેક્શન છે.
ફાર્મ હાઉસમાંથી બહાર આવી અમે ગામ બાજુ ગયા. એક ગૌશાળા તરફ ગયા તો ખબર પડી કે તેનું બાંધકામ પણ ધનખડ જ કરાવી રહ્યા છે. ગૌશાળામાં હાજર બ્રજલાલ યોગીએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં ધનખડ અહીં આવ્યા હતા. ત્યારે તેમણે ગૌશાળામાં એક મોટું ઘાસચારા માટે ગોડાઉન, ફરતે કોટ અને દરવાજો બનાવવાની વાત કરી હતી. ત્યાર પછી તરત કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાતની ઠંડી રોટલી અને દડી-ચટણી તેમનો ફિક્સ બ્રેકફાસ્ટ
તેમણે વધુ જણાવ્યું હતું કે તેઓ ઘણાં વર્ષોથી સાહેબ સાથે છે. ધનખડ ભલે સુપ્રીમ કોર્ટના મોટા વકીલ, મંત્રી અને બંગાળના ગવર્નર બન્યા હોય, પરંતુ આજે પણ તેઓ એટલું જ સાદું જીવન જીવે છે. તેમની દિનચર્યા અને ખાવા-પીવાનું રૂટિન ફિક્સ રહે છે. દરેક સંજોગોમાં તેઓ રોજ સવારે 5 વાગે જાગે છે. ત્યાર પછી યોગ અને કસરત કરે છે અને પછી ન્હાઈને ઠાકુરજીની પૂજા કરે છે.
તેમની ખાણી-પીણીની સ્ટાઈલ પણ વર્ષોથી એકસમાન જ છે. બપોરે જમવામાં રોટલી-શાક ખાય છે. જ્યારે સાંજે ખીચડી અથવા દલિયા ખાવાનું પસંદ કરે છે. ભાભીજીના હાથનું ચૂરમું પણ તેમને ખૂબ પસંદ છે.
હવેલી, જેમાં બનાવી પહેલી ચૂંટણીની રણનીતિ
ગામની વચ્ચે જ ધનખડની પિતૃક હવેલી છે. અહીં તેમનો, બંને ભાઈ કુલદીપ અને રણદીપ અને બહેન ઈન્દ્રાનો જન્મ થયો હતો. વર્ષ 1989માં જ્યારે ધનખડએ ઝુંઝુનુથી પહેલી ચૂંટણી લડી હતી ત્યારે આ જ હવેલીમાં બેસીને તેમણે આખી ચૂંટણીની રણનીતિ બનાવી હતી. ત્યાં એક પ્રકાશ ધનખડ નામનો યુવક મળ્યો, તે અમને હવેલી જોવા લઈ ગયો. હવેલી ખંડેર જેવી બની ગઈ છે. બહાર ચારેય બાજુ નકામું ઘાસ અને ઝાડ ઊગી નીકળ્યાં છે.
પ્રકાશે જણાવ્યું હતું કે જગદીપ ધનખડના કાકા હરિબક્ષ ચૌધરી અહીં ઘણાં વર્ષો સુધી સરપંચ રહ્યા છે. તેમની ઘણાં ગામો સુધી વગ હતી. ધનખડના રિતા ગોકુલરામ ચૌધરી રેલવેમાં મોટા અધિકારી હતા. તેમણે જણાવ્યું હતું કે ધનખડનું બાળપણ અહીં જ પસાર થયું છે. માતા-પિતા કેસરદેવી અને ગોકુલરામ ચૌધરીએ મોટા ભાગનો સમય આ હવેલીમાં જ પસાર કર્યો છે. હવે વર્ષોથી અહીં કોઈ રહેવા નથી આવ્યું.
ગામડે હોય તો મંદિર ચોક્કસ આવે છે
હવેલીમાંથી બહાર નીકળીને અમે ગલીમાં આવેલા ઠાકુરજીના મંદિરે ગયા. ધનખડ તેમની માતા કેસરદેવી સાથે અહીં બાળપણમાં રોજ આવતા હતા. પૂજારી સજ્જનદાસે જણાવ્યું હતું કે આજે પણ જગદીપ ધનખડ ગામમાં હોય તો રોજ મંદિર ચોક્કસ આવે છે. તેઓ અહીં આવીને કલાકો બેસે છે. ગામડેથી શહેર જવા નીકળે તો પણ ઠાકુરજીનાં દર્શન કરીને જ નીકળે છે.
ગામથી અંદાજે 3 કિમી દૂર ધનખડ પરિવારનાં ખેતરો છે. અહીં અંદાજે 60 વીઘામાં ખેતરો આવેલાં છે. મહિપાલે જણાવ્યું હતું કે ધનખડ ખેતી પર પણ પૂરતું ધ્યાન આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.