તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીપલ ભાસ્કર:વસિયતમાં લખાવ્યું હતું- મારા ક્રિયાકર્મ પાછળ 2 હજાર રૂ.થી વધુ ખર્ચ ના કરતા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમશેદજી તાતા, જેઓ નિધનના 117 વર્ષ બાદ પણ વિશ્વના સૌથી મોટા દાનવીર
  • મહાદાની જમશેદજી : દેશની ટોચની સંસ્થા આઇઆઇએસસી તેમની દેણ
  • વિશ્વમાં સદીના સૌથી મોટા દાનવીર જાહેર થયા છે. વર્તમાન સમયના હિસાબે 7.60 લાખ કરોડ રૂ.નું દાન કરીને હુરુન રિસર્ચ-એડેલગિવ ફાઉન્ડેશનની યાદીમાં ટોચ પર છે.

જન્મ- 3 માર્ચ 1839 (નવસારી)
મૃત્યુ- 19 મે 1904
શિક્ષણ- ગ્રીન સ્કોલર, એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિ. (ઇંગ્લેન્ડ)
પિતા- નસરવાનજી તાતા

ઇ.સ. 1896માં બોમ્બે (મુંબઇ)ના તત્કાલીન ગવર્નરને લખેલા એક પત્રમાં જમશેદજી નસરવાનજી તાતા કહે છે- ‘પર્યાપ્ત ધન કમાયા બાદ હવે તેમની ઇચ્છા દેશના જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની છે. ખેતીપ્રધાન દેશ ભારતને ઔદ્યોગિક આધારની જરૂર છે.’ જમશેદજીએ જીવનમાં ચાર સપનાં જોયા હતા. પહેલું વિજ્ઞાન, કલા અને ઉદ્યોગ માટે યુનિવર્સિટી ઑફ એડવાન્સ રિસર્ચની સ્થાપના, જે બાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ બની. તે માટે તેમણે પૂરી કમાણીનો ત્રીજો ભાગ અને 30 લાખ રૂ. પણ દાન કર્યા. જમશેદજીએ જ દેશમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ યુનિવર્સિટી બનાવવા ભલામણ કરી હતી. સ્ટીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવરનું માળખું ઊભું કરવાના તેમના બીજા બે સપનાં હતા. તેના જોરે તેઓ દેશને ઔદ્યોગિક રીતે મજબૂત બનાવવા ઇચ્છતા હતા. તેમનું ચોથું સપનું એશિયાની સૌથી મોટી હોટલ તાજ મહેલ બનાવવાનું હતું. તેમના નિધનના 5 મહિના પૂર્વે જ તેનું ઉદઘાટન થયું હતું.

જમશેદજી નસરવાનજીના એકના એક પુત્ર હતા. પરિવારમાં પેઢીઓથી પારસી પાદરી (પ્રીસ્ટહૂડ) બનવાનું ચલણ હતું પણ નસરવાનજીએ વેપારનો માર્ગ પસંદ કર્યો. જમશેદજી પણ પિતાના માર્ગે ચાલ્યા. ઇંગ્લેન્ડમાં અભ્યાસ પૂરો કર્યા પછી પિતા સાથે કામમાં જોડાઇ ગયા. 1857માં હોંગકોંગ જઇને જમશેદજી એન્ડ આર્દેશિર નામથી કંપની બનાવી. 1868માં 21 હજાર રૂ.ની મૂડી સાથે તાતા ગ્રુપની શરૂઆત થઇ. પછી ઇંગ્લેન્ડ ગયા તો ત્યાં ટેક્ષ્ટાઇલ બિઝનેસનું કામ જોયું અને પછી પોતે શરૂઆત કરી. ચિંચપોકલીમાં બંધ પડેલી મિલોને કોટન મિલમાં ફેરવી નાખી. તેના 2 વર્ષ બાદ નફા સાથે વેચી દીધી. 1874માં દોઢ લાખ રૂ.ની મૂડી સાથે સેન્ટ્રલ ઇન્ડિયા સ્પિનિંગ કંપની બનાવી, જે તેમની સંપત્તિનો આધાર રહી. સ્ત્રોત- પેંગ્વિન દ્વારા પ્રકાશિત આર. એમ. લાલાના પુસ્તક ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ જમશેદજી તાતા’ અને તાતા ગ્રુપની વેબસાઇટ.

ક્લીન એનર્જીના હિમાયતી રહ્યા, સ્ટીલમાં તેમને ભવિષ્ય દેખાતું હતું
મુંબઇમાં ચિમનીઓમાંથી નીકળતો ધુમાડો જમશેદજીને ખૂંચતો હતો. ઘણીવાર વીકએન્ડમાં તેઓ તાજી હવા લેવા મુંબઇ બહાર જતા રહેતા. તેઓ ઇચ્છતા હતા કે ઊર્જાના વિકલ્પ શોધાય. પોતાની કાપડ મિલ માટે નવી મશીનરી લેવા ઇંગ્લેન્ડ ગયેલા જમશેદજીએ ત્યાં થોમસ કાર્લાઇલનું ભાષણ સાંભળ્યું, જેમાં કાર્લાઇલે કહ્યું હતું કે, ‘જે દેશ પાસે સ્ટીલ હશે તેની પાસે સોનું હશે.’ પછી તો સ્ટીલ જ જમશેદજીનું ધ્યેય બની ગયું અને તેમણે પુત્રને સલાહ આપી કે ફેક્ટરીઓ શરૂ કરવાની સાથોસાથ તેઓ શહેરને પણ વિકસિત કરે. રસ્તા મોટા હોય, રમવા માટે મેદાન હોય, પ્રાર્થનાઘર હોય. તાતા સ્ટીલ કંપની ઊભી કરવાનું તેમનું આ સપનું તેમના મૃત્યુના 3 વર્ષ બાદ 1907માં સાકાર થયું.

દાનવીરતાના કિસ્સા : જ્યારે વસિયતમાં સંપત્તિનો ત્રીજો ભાગ યુનિવર્સિટીના નામે કરી દીધો, અંગત સહાયકોનું પણ ધ્યાન રાખ્યું
1) ‘પારસી પ્રકાશ’માં પારસી સમુદાયની 1860થી 1950 સુધીની મહત્ત્વની પ્રવૃત્તિઓ સંકલિત છે, જે મુજબ જમશેદજીએ જ્યારે પણ જરૂર પડી ત્યારે મદદ કરી હતી. સ્કૂલ શિક્ષણ, વ્યવસાયી શિક્ષણ, હોસ્પિટલો, સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી. 1883માં ઇટાલીમાં આવેલા ભૂકંપ વખતે લોકોની મદદ કરી. પ્રસૂતિગૃહો ખોલવા પણ દાન કર્યું.

2) લંડનમાં નવી હોસ્પિટલ શરૂ કરવા અને ત્યાં ભારત માટે મહિલા ડૉક્ટર્સને ટ્રેનિંગ આપવા તેમણે 1889માં 100 પાઉન્ડ સ્ટર્લિંગનું દાન કર્યું.

3) 1898માં બ્યૂબોનિક પ્લેગે મુંબઇમાં ઘણાં લોકોનો જીવ લીધો હતો. પ્લેગ ફેલાતાં તેના પર સ્ટડી કરવા પૂરી તાકાત કામે લગાડી. સ્ટડી કરી રહેલા રશિયન ડૉક્ટર વોલ્દેમેર હેફકીનની બનતી તમામ મદદ કરી.

4) 1892માં જે. એન. તાતા દાન યોજના શરૂ કરી, જેના માધ્યમથી ભારતીય વિદ્યાર્થીઓને ઇંગ્લેન્ડમાં ભણવા માટે સ્કોલરશિપ અપાતી હતી.

5) જમશેદજીના નામે નોંધાયેલું છેલ્લું દાન 4 માર્ચ, 1904નું હતું. તેમણે તાતા કંપનીમાંથી 3 હજાર તથા પોતાના ખિસામાંથી 2 હજાર રૂ. રશિયા-જાપાન વચ્ચેના યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની પત્ની અને બાળકો માટે દાન કર્યા હતા.

6) ડિસેમ્બર, 1896માં રજિસ્ટર્ડ થયેલી પોતાની વસિયતના 14મા મુદ્દામાં તેમણે લખાવ્યું કે સંપત્તિની વહેંચણી બાદ વધેલી સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ મોટા દીકરા દોરાબ જમશેદજીને અને એક તૃતીયાંશ ભાગ રતનજીને આપું છું. બાકીનો એક તૃતીયાંશ ભાગ યુનિ.ને મળશે. આ ઉપરાંત યુનિ. માટે બીજા 30 લાખ રૂ.ની જાહેરાત કરી. વસિયતમાં લખ્યું કે મારા મૃત્યુ બાદ ક્રિયાકર્મ પાછળ 2 હજાર રૂ.થી વધુ ખર્ચ ન થવો જોઇએ. સાથે જ અંગત સહાયકોનો પગાર ચાલુ રાખવાનો પણ ઉલ્લેખ કર્યો.

અન્ય સમાચારો પણ છે...