તમિલનાડુની સ્કૂલોમાં જાતીય સંઘર્ષ ઝડપી ગતિએ પગપેસારો કરી રહ્યો છે. આ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય કે વિદ્યાર્થીઓ ગર્વથી પોતાની જાતિ પ્રદર્શિત કરવા માટે સ્કૂલમાં રિસ્ટ બેન્ડ પહેરીને પ્રવેશ કરી રહ્યા છે. તમિલનાડુમાં પોતાની જાતિ પ્રદર્શિત કરવી આમ તો સામાન્ય બાબત છે, પરંતુ હવે આ બાબત ઉગ્ર રૂપ ધારણ કરી રહી છે.
આ રિસ્ટ બેન્ડ લાલ, પીળા, લીલા અને કેસરી રંગના છે, જેના પરથી વિદ્યાર્થીની જાતિ અંગે ખબર પડે છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી જાતીય સંઘર્ષના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ડિંડીગુલ જિલ્લાની એક સરકારી સ્કૂલના શિક્ષકે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે રિસ્ટ બેન્ડ પહેરવાની પ્રથા હોવાનો ખુલાસો કર્યો છે. આ પાછળથી હિંસાનું જ કારણ બને છે. તિરુનેલવેલી જિલ્લા પોલીસ અનુસાર આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.
કેસ-1ઃ પલ્લક્કડ પોથુક્કુડી સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા
તિરુનેલવેલીના અંબાસમુદ્રમમાં પલ્લક્કડ પોથુક્કુડી સરકારી સ્કૂલમાં ગયા સપ્તાહે જાતીય સંઘર્ષમાં 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું. પોલીસના મતે ઓબીસી જાતિના વિદ્યાર્થી સેલ્વા સૂર્યાનો દલિત વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. તેણે પણ રિસ્ટ બેન્ડ પહેર્યો હતો.
કેસ-2ઃ કુડ્ડાલોરની સરકારી સ્કૂલ
થોડા દિવસ પહેલાં જ કુડ્ડાલોર શહેર નજીક વેલ્લૈકરાય વી. કટ્ટુપલાયમમાં સરકારી સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે જાતીય હિંસા થઈ હતી. અહીં પણ હિંસા કરનારા વિદ્યાર્થીઓએ બે જુદી જુદી જાતિના રિસ્ટ બેન્ડ પહેર્યા હતા. સ્કૂલ પ્રિન્સિપાલે કહ્યું કે, અમે વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ સંઘર્ષમાં સામેલ ન થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.