દક્ષિણ ભારત વરસાદથી તરબોળ:બેંગલૂરુમાં IT કર્મચારીઓ જેસીબી અને ટ્રેક્ટરમાં ઓફિસે જઈ રહ્યા છે!

21 દિવસ પહેલા

હવામાન વિભાગે મંગળવારે કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 8 અને 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. કર્ણાટકની રાજધાની બેંગલૂરુમાં જનજીવન થંભી ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને રસ્તાઓ પર હોડીઓ ફરતી થઈ છે. સિલિકોન વેલી કહેવાતા બેંગલૂરુમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. ચારેય બાજુ પાણી ભરાઈ જતાં આઈટી કર્મચારીઓ ટ્રેક્ટર અને જેસીબીમાં બેસીને ઓફિસે જઈ રહ્યા છે.

બેંગલૂરુમાં ભારે વરસાદને કારણે સોમવારે 23 વર્ષની એક યુવતીનું મોત થયું હતું. પાણી ભરાયેલા રસ્તા પર સ્કૂટી લપસી ગયા બાદ તેણે નજીકમાં લગાવેલા ઈલેક્ટ્રિક પોલને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલ પરથી વીજ કરંટ લાગવાથી તેણે જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં સાંજે થયો, જ્યારે યુવતી તેના કામ પરથી પરત ફરી રહી હતી.

50 રૂપિયા આપીને ટ્રેક્ટરમાં જઈ રહેલા IT કર્મચારીઓ

બેંગલૂરુમાં સતત વરસાદને કારણે વીજળી અને પાણીપુરવઠો ઠપ થઈ ગયો છે. બહારના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાય માટે બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસથી ટ્રાફિકજામની સમસ્યા પણ વધી છે. આઈટી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ ટ્રેક્ટર દ્વારા પોતાની ઓફિસે જઈ રહ્યા છે. એક કર્મચારીએ જણાવ્યું હતું કે વરસાદના કારણે અમારા કામ પર અસર પડી છે. અમે 50 રૂપિયા આપીને ટ્રેક્ટરમાં ઓફિસ જઈએ છીએ. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ ખાતરી આપી છે કે તેઓ કર્મચારીઓની સમસ્યા અંગે આઈટી કંપનીઓ સાથે વાત કરશે.

કેરળ: અચાનક પૂરમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા

કેરળની રાજધાની તિરુવનંતપુરમ્ પાસે આવેલા વોટર ફોલમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું હતું. 10 લોકો માનકાયમ વોટર ફોલમાં ફરવા ગયા હતા. આ લોકો એક પથ્થર પર હતા. અચાનક આવેલા પૂરમાં બે લોકો વહી ગયા હતા, જેમાં એક 8 વર્ષનું બાળક પણ હતું. હવામાન વિભાગે તિરુવનંતપુરમ્, કોલ્લમ, પથાનમથિટ્ટા અને ઇડુક્કી જિલ્લામાં મંગળવાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય અલપ્પુઝા, કોયટ્ટમ અને એર્નાકુલમમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તામિલનાડુ: લેન્ડ સ્લાઈડને કારણે ટ્રેન સેવા ખોરવાઈ

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઈડ થવાની ઘટનાઓ બની છે. સોમવારે નીલગિરિમાં ભારે વરસાદને કારણે પરિવહન અને અન્ય આવશ્યક સેવાઓ ઠપ થઈ ગઈ હતી. ભૂસ્ખલનને કારણે કલ્લાર અને હિલગ્રોવ વચ્ચેનો રેલવેટ્રેક કાદવ નીચે દબાઈ ગયો છે. અનેક જગ્યાએ પથ્થરો પણ પડ્યા છે. આને કારણે મેટ્ટુપલયમ અને કુન્નુર વચ્ચેનો ટ્રેનવ્યવહાર ઠપ થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...