કેન્દ્ર સરકારે લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અનેક ટાર્ગેટ કિલિંગમાં સંડોવાયેલું છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે TRF પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
ગૃહ મંત્રાલયે TRF કમાન્ડર શેખ સજ્જાદ ગુલ અને લશ્કર કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કર્યો છે. UAPA હેઠળ બંને પર આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ સપ્ટેમ્બર 2022માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, એટલે કે PFI પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ તમામ સામે ટેરર લિંકના પુરાવા મળ્યા હતા.
TRF પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
ગૃહ મંત્રાલયે માહિતી આપી હતી કે TRF આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, આતંકવાદીઓની ભરતી કરવા, આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવા માટે યુવાનોની ભરતી કરે છે. TRF વર્ષ 2019માં અસ્તિત્વમાં આવ્યું. એના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જમ્મુ-કાશ્મીરના યુવાનોને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનો આરોપ છે.
આ સાથે જ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે, હાલ તે પાકિસ્તાનમાં છે. ખુબૈબ લશ્કર-એ-તૈયબાના લોન્ચિંગ કમાન્ડર તરીકે કામ કરી રહ્યો છે, તેના પાકિસ્તાનની એજન્સીઓ સાથે પણ સંબંધ છે.
TRF શું છે: લશ્કર-એ-તૈયબાનું ઉપનામ
હેતુ: એ જણાવવાનો કે ઘાટીમાં આતંક હજુ ખતમ થયો નથી
TRF એ સૌથી વધુ ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો
સુરક્ષા દળોનું માનવું છે કે અસ્તિત્વમાં આવ્યા બાદ આ આતંકવાદી સંગઠને સૌથી વધુ ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે. તેણે સૌથી વધું સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને પોતાના નિશાન બનાવ્યા છે. બીજી તરફ ભાજપના કાર્યકરો, સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોની પણ હત્યા કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓની સતત હત્યા કેમ થઈ રહી છે?
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, ટાર્ગેટ કિલિંગ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની પાકિસ્તાનની નવી યોજના છે. એવું માનવામાં આવે છે કે તેનો હેતુ કલમ 370 હટાવ્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટેની યોજનાઓ પર પાણી ફેરવવાનો છે. કલમ 370 હટાવ્યા બાદ ખાસ કરીને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે, પરંતુ આતંકવાદીઓએ સરકાર કે પોલીસમાં કામ કરતા કાશ્મીરી પંડિતો, સ્થળાંતર કામદારો અને સ્થાનિક મુસ્લિમોને પણ સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા છે, તેઓ તેમને ભારતની નજીકના માની રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.