તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Interview Slots For Visas Will Be Provided From Today; Only 72 Hours Old Negative Report Has To Be Shown

સ્ટુડન્ટને રસી સર્ટી વિના US પ્રવેશ:વિઝા માટે આજથી ઇન્ટરવ્યૂ સ્લોટ અપાશે; માત્ર 72 કલાક જૂનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
ફાઇલ તસવીર
  • અમેરિકામાં 1 ઓગસ્ટથી અભ્યાસક્રમ શરૂ, વિદ્યાર્થી 30 દિવસ પહેલા જઈ શકશે
  • વિદ્યાર્થી સાથે અમેરિકા જવા ઇચ્છુક પેરેન્ટ્સને ‘ટુરિસ્ટ’ ગણીને મંજૂરીનહીં મળે
  • ગુજરાતમાંથી દર વર્ષે લગભગ 20 હજાર વિદ્યાર્થી યુએસ જાય છે

હાલ ભારતના પ્રવાસે આવેલું અમેરિકન પ્રતિનિધિમંડળ જુલાઈ, ઓગસ્ટ સુધી વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવાસની મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન દૂતાવાસના એક ઉચ્ચ અધિકારીએ આ દાવો કર્યો હતો. અમેરિકન દૂતાવાસમાં કોન્સ્યુલર અફેર્સના મિનિસ્ટર કાઉન્સેલર ડોન હેફિને પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, અમેરિકા ઈચ્છતા વિદ્યાર્થીઓએ કોરોના રસી લીધાનું પ્રમાણપત્ર બતાવવું નહીં પડે. તેઓ ફક્ત 72 કલાક જૂનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવીને અમેરિકામાં પ્રવેશ કરી શકશે.

માતા-પિતા તણાવમાં અને ચિંતિત છે
ભારતથી ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક અનેક વિદ્યાર્થીઓ ચિંતિત છે કારણ કે, અગાઉ મહામારીના કારણે વિઝા એપોઈન્ટમેન્ટ પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે સોમવારથી જ તમામ વિદ્યાર્થીઓને વિઝા ઈન્ટરવ્યૂ માટે સ્લોટ ફાળવવાનું શરૂ કરી દેવાશે. અમને માલુમ પડ્યું છે કે, અમેરિકા જવા ઈચ્છતા અનેક વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા પણ તણાવમાં છે, ચિંતિત છે. તેથી અમે વિઝા માટે અરજી કરનારા વધુને વધુ વિદ્યાર્થીઓને જુલાઈ, ઓગસ્ટ સુધી અમેરિકામાં પ્રવેશ આપવા પ્રયત્નશીલ છીએ. આ વિદ્યાર્થીઓને કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ અપાવવો તે જ અમેરિકન દૂતાવાસની પ્રાથમિકતા છે.

ભારતીય વિદ્યાર્થી 30 દિવસ પહેલા અમેરિકા જઈ શકે
ભારતમાં મહામારીના કારણે મે મહિનામાં જ અમેરિકાએ નવા પ્રવાસ પ્રતિબંધો જાહેર કર્યા હતા, જેથી ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં જઈ શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતાઓ સર્જાઈ હતી. આ મુદ્દે સવાલ કરતા હેફિને કહ્યું કે, અમેરિકામાં શૈક્ષણિક અભ્યાસક્રમ પહેલી ઓગસ્ટ કે તે પછી શરૂ થઈ શકે છે. એટલે ભારતીય વિદ્યાર્થીઓ તેના 30 દિવસ પહેલા અમેરિકા જઈ શકે છે. વિદ્યાર્થીઓનો મામલો અપવાદરૂપ છે. વિદ્યાર્થીઓને અમારું સૂચન છે કે, તેઓ પોતાની યુનિવર્સિટી સાથે વાતચીત કરીને પ્રવાસની રૂપરેખા નક્કી કરે. ભારતીય વિદ્યાર્થીઓના મામલાને ધ નેશનલ ઈન્ટરેસ્ટ એક્સેપ્શન્સ (એનઆઈઈ)માં મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત અમેરિકાના હિતમાં હોય તેવા લોકોને ત્યાં પ્રવેશવાની મંજૂરી અપાય છે.

ઇન્ટરવ્યૂ માટે અરજન્ટ એપોઇન્મેન્ટ લેવાની જરૂર નથી
અમારી યોજના છે કે, પહેલી જુલાઈથી સતત બે મહિના માટે અમે અરજી કરી હોય તેવા વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ શરૂ કરીએ. મહામારીની સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે એટલા જ અરજદારોના ઈન્ટરવ્યૂ કરવાની તૈયારી કરીશું, જેટલાને અમે જે તે સ્થળે સુરક્ષિત રાખી શકીએ. ઈન્ટરવ્યૂ માટે વિદ્યાર્થીઓએ અરજન્ટ એપોઈન્ટમેન્ટ લેવાની પણ જરૂર નહીં રહે. 14 જૂને અમે વિદ્યાર્થીઓને જુલાઈ-ઓગસ્ટની એપોઈન્ટમેન્ટ લેવાનું શરૂ કરીશું. આ નિર્ણયથી અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે જવા ઈચ્છતા હજારો ભારતીય વિદ્યાર્થીઓનો માર્ગ મોકળો થઈ ગયો છે.

યુએસની સંસ્થાઓ રસી મુદ્દે જુદા નિયમો જાહેર કરવા સ્વતંત્ર
કોરોના રસી મુદ્દે સર્જાયેલી આશંકાઓ મુદ્દે એક ટોચના અધિકારીએ કહ્યું કે, અમેરિકામાં પ્રવેશવા માટે વિદ્યાર્થીઓએ વેક્સિન સર્ટિફિકેટ રજૂ નહીં કરવું પડે. જોકે, અમેરિકાની કોઈ યુનિવર્સિટી કે સંસ્થા પોતાની રીતે એવો નિયમ કરી શકે છે કારણ કે, અમેરિકન એજ્યુકેશન સિસ્ટમ ફેડરલ ગવર્મેન્ટથી બિલકુલ સ્વતંત્ર રીતે ચાલે છે. આ‌વા કોઈ પણ મુદ્દે વિદ્યાર્થીઓ પોતાની યુનિવર્સિટી સાથે વાતચીત કરી શકે છે. આ વિદ્યાર્થીઓ સાથે અમેરિકા જવા ઈચ્છતા માતાપિતાને ટુરિસ્ટ ગણવામાં આવશે. નોંધનીય છે કે, ભારતમાં કોરોના મહામારી વકરતા 4 મેએ અમેરિકન પ્રમુખ જો બાઈડેને ચોક્કસ નોન-ઈમિગ્રન્ટને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હાલ અમેરિકામાં 4500થી વધુ એક્રેડિટેડ યુનિવર્સિટીઓ સ્વતંત્ર રીતે ચાલે છે. તેથી આ તમામ યુનિવર્સિટીઓની તેના વિદ્યાર્થીઓ અને ટીચિંગ સ્ટાફ માટે જુદી જુદી પોલિસી હોઈ શકે છે.

એફ અને એમ-વિઝા હોલ્ડર્સને પણ લાભ અપાયો
દૂતાવાસના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ભારતથી અમેરિકા જવા ઈચ્છતા એફ અને એમ-વિઝા હોલ્ડર્સ પણ એક નવા પ્રોગ્રામ હેઠળ 30 દિવસમાં અમેરિકા જઈ શકશે. આ પ્રોગ્રામ 1 ઓગસ્ટ કે તે પછી શરૂ થશે. તેનો અર્થ એ છે કે, કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ 2 જુલાઈ પહેલા કાયદેસર અમેરિકા જઈ શકશે. તેઓને પણ નેશનલ ઈન્ટરેસ્ટ એક્સેપ્શનનો લાભ અપાશે.