હરિયાણાના સોનીપતના ગન્નૌર પ્રદેશના ગામ બજાના ખુર્દમાં નિર્દયી બાપે પોતાની 8 વર્ષીય માસૂમ દીકરીને દોરડેથી બાંધીને ડંડા મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધી. મૃતક બાળકીનો દોષ માત્ર એટલો હતો કે તે મરઘીઓને દાણા નાખવાનું ભૂલી ગઈ અને અન્ય બાળકોની સાથે રમતી રહી.
દીકરીની હત્યા કર્યા બાદ પિતા ફરાર છે, જ્યારે બાળકીની માતાનું અગાઉ મોત થઈ ચૂક્યું છે. પોલીસે હત્યાનો કેસ પડોશીની ફરિયાદ પછી નોંધ્યો છે. લાશને પોસ્ટમોર્ટમ માટે નાગરિક હોસ્પિટલમાં રાખવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગન્નૌરના ગામ બજાના ખુર્દના રહેવાસી જયભગવાને ઘરમાં મરઘીઓ પાળી રાખી છે. શનિવારે તે કોઈ કામથી બહાર ગયો તો જતી વખતે તેણે પોતાની 8 વર્ષની પુત્રી તમન્નાને કહ્યું હતું કે મરઘીઓને દાણા ચણવા માટે નાખી દે. માસૂમ બાળકી પિતાની વાત ભૂલી ગઈ અને પોતાની બહેન અને ભાઈની સાથે રમતી રહી. સાંજે જયભગવાન ઘરે પરત આવ્યો તો એ વાતે ગુસ્સે ભરાયો કે તમન્નાએ મરઘીઓને દાણા નાખ્યા નથી.
ગુસ્સાથી રાક્ષસ બનેલો બાપ ચીસોથી પણ ન પીગળ્યો
જયભગવાને પોતાની પુત્રી તમન્નાને દોરડેથી બાંધી અને તેના પર અત્યંત નિર્દયતાથી ડંડા મારવાનું શરૂ કરી દીધું. પીડાથી બાળકી ચીસો પાડવા લાગી પણ જયભગવાનને દયા ન આવી. આ દરમિયાન બાળકીની ચીસો સાંભળીને પડોશમાં રહેતો કપિલ ત્યાં પહોંચ્યો. તેના પછી જયભગવાન પુત્રીને રૂમમાં બંધ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો. બાળકી બેભાન થઈને પડી ગઈ અને તરફડીને મોતને ભેટી. કપિલે ગમે તેમ રૂમમાં જઈને જોયું તો બાળકીનું મોત થઈ ચૂક્યું હતું.
લાશને હોસ્પિટલ મોકલવામાં આવી
માસૂમની હત્યાની જાણ પછી એએસઆઈ મનજીત કુમાર પોલીસ ટીમ સાથે બજાના ખુર્દમાં ઘટનાસ્થળે પહોંચ્યા. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પડોશી કપિલે પોલીસને કહ્યું હતું કે જયભગવાને નિર્દયતાપૂર્વક તમન્નાને મારપીટ કરીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે બાળકીની લાશને સોનીપતની નાગરિક હોસ્પિટલમાં મોકલાવી છે.
માતાનું થઈ ચૂક્યું છે મોત
તપાસ અધિકારી ખુબડુ ઝાલ પોલીસ સ્ટેશન ઈનચાર્જ એએસઆઈ મનજીત કુમારે કહ્યું હતું કે બજાના ખુર્દના રહેવાસી જયભગવાનની પત્નીનું બે વર્ષ અગાઉ નિધન થઈ ચૂક્યું છે. તે પોતાના ત્રણ બાળકો સાથે ઘરે જ રહેતો હતો. શનિવારે તેની 8 વર્ષીય પુત્રી તમન્ના અને તેના બે ભાઈ બહેન ઘરે હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.