મહારાષ્ટ્રના પુણેમાં ઘરની બહાર બાંધેલો પાલતુ કૂતરો દીપડાનો શિકાર બન્યો. રાત્રિના સમયે હિંજવાડી આઈટી પાર્ક પાસે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કૂતરો ઘરની બહાર સૂતો હતો ત્યારે અચાનક દીપડો આવ્યો. તેણે ઘરની આસપાસ જોયું કે કોઈ તેને જોઈ રહ્યું તો નથી ને! પછી તે ધીમે ધીમે કૂતરા પાસે આવ્યો અને તેને ઝડપી લીધો. કૂતરા અને દીપડા વચ્ચે લડાઈ થઈ. આ દરમિયાન કૂતરાએ પણ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ દીપડાએ તેને ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો. આ પછી દીપડાએ બાંધેલા કૂતરાને ઢસડ્યો. જેથી બાંધેલા કૂતરાની સાંકળ તૂટી ગઈ અને દીપડો તેને ત્યાંથી લઈ ગયો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પાલતુ કૂતરો હિંજેવાડી આઈટી પાર્ક પાસે નેરે ગામમાં રહેતા સંભાજી જાધવનો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે દીપડાના હુમલા સતત થતા રહે છે. વારંવાર ફરિયાદ કરવા છતાં વનવિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્રણ વર્ષથી વધુ સમયથી નેરે, જામ્બે અને કસરસાઈ ગામોની આસપાસના વિસ્તારોમાં દીપડાના દેખાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જેના કારણે લોકો સલામતી અનુભવતા નથી. ક્યાંય જતા પણ તેમને ડર લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.