તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંગાળમાં તાવનો કહેર:જલપાઈગુડીમાં ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારીનો આતંક, લગભગ 150 બાળકો હોસ્પિટલમાં દાખલ

કોલકાતા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ચાર દિવસથી રોજના 40-50 બાળકોને દાખલ કરવામાં આવી રહ્યાં છે
  • આ રોગ મુખ્યત્વે 1થી 3 વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સતત બાળકો બીમાર થઈ રહ્યાં છે. જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલના બાળરોગ વોર્ડમાં છેલ્લા ચાર દિવસથી રોજના 40-50 બાળકોને દાખલ કરવામાં આવી રહ્યાં છે. વોર્ડમાં લગભગ 150 બાળકો દાખલ છે. બાળકોને તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોની સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. બીમારીને લઈને જિલ્લાના લોકોમાં ભારે ડર છે.

બાળકોમાં જોવા મળ્યા તાવ અને પેટ ખરાબ થવાના લક્ષણ
બાળકોને તાવ, પેટ ખરાબ થવું સહિતના વિવિધ લક્ષણોની સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસમાં આવા તાવના કારણે લગભગ 150થી વધુ બાળકોને જલપાઈગુડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલના બાળરોગ વોર્ડમાં શરૂઆતમાં સરેરાશ 50-60 બાળકોને દાખલ કરાવવામાં આવ્યા હતા. જોકે 4-5 દિવસમાં આ સંખ્યા ઘણી વધી ગઈ છે. તેને લઈને પ્રશાસનિક અધિકારી ચિંતિંત છે.

એકથી લઈને ચાર વર્ષ સુધીના બાળકોને દાખલ કરવામાં આવ્યા છે
સ્વાસ્થ્ય વિભાગે એક નિવેદનમાં કહ્યું કે વોર્ડમાં 120-140 દર્દીઓ દાખલ છે. દર્દીઓની ઉંમર એકથી ચાર વર્ષની વચ્ચે છે. આ પૈકીના મોટાભાગનાને તાવ અને શરદી છે. જોકે મોટાભાગના દર્દીઓનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ છે. માત્ર એક બાળક જ કોવિડ પોઝિટિવ છે. તેને એસએનસીયુમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યું છે. મેલેરિયા અને ડેન્ગ્યુની તપાસ કરવામાં આવી છે. જોકે ડોક્ટરે બાળકોમાં અચાનક તાવ અને પેટની બીમારીઓની સાથે-સાથે ઈન્ફ્લૂએન્ઝા વાઈરસના સંક્રમણ માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવ્યું છે. સુચરિતા સરકાર નામની મહિલાના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે છેલ્લા બે દિવસથી પુત્રને 104-105 તાવ છે. દવા લીધા પછી બે કલાક સુધી તાવ ઉતર્યો નહોતો. મજબૂરીમાં તેમણે હોસ્પિટલમાં આવવું પડ્યું.

બાળકોનો કોરોના ટેસ્ટ છે નેગેટિવ
હોસ્પિટલના અધિક્ષક રાહુલ ભૌમિકે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ તમામ બાળકોનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ રોગ મુખ્યત્વે 1થી 3 વર્ષના બાળકોમાં થઈ રહ્યો છે. મામલાને લઈને જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ પહેલા જ સ્વાસ્થ્ય ભવન સાથે વાત કરી ચુક્યું છે. જરૂરિયાત પડવા પર લોહી અને મળના નમૂનાને તપાસ માટે મોકલવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગ એ શોધવાની કોશિશ કરી રહ્યું છે કે કયા વિસ્તારોમાંથી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. તેમણે બાળકોને તાવ આવવા પર કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર તેમને હોસ્પિટલમાં લાવવાની સલાહ આપી છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાથી પહેલેથી જ ડરનો માહોલ છે. પહેલા કેટલાક ડોકટર્સે કહ્યું હતું કે સંક્રમણની ત્રીજી લહેરમાં મોટા પ્રમાણમાં બાળકો સંક્રમિત થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...