કોવિડ-19ના સંક્રમણથી બાળકોને ખૂબ વધારે તાવ અને ધ્રુજારી આવી શકે છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના બાળકોના એક્સપર્ટના ડૉ. ધીરેન ગુપ્તાએ આ વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ઓમિક્રોનમાં બાળકોને સ્વાદ-સુંગધ જતા નથી પરંતુ તાવ વધારે આવી શકે છે.
અમુક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે
કોવિડ-19 સંક્રમિત બાળકોની સારવાર કરનાર ડૉ. ગુપ્તાએ જણાવ્યું છે કે, 11થી 17 વર્ષના જે સગીરોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે તેમનામાં તાવ અને ધ્રુજારીના લક્ષણો જોવા મળ્યા છે. 2 વર્ષથી નાના બાળકોમાં પણ આ પ્રમાણેના લક્ષણો જોવા મળ્યા છે. તેમાંથી અમુક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે.
ડૉ. ગુપ્તાએ કહ્યું કે, મેં કોવિડ-19 સંક્રમિત લગભગ 9 બાળકોની સારવાર કરી છે. જેમાંથી એકને વેન્ટિલેશન સપોર્ટની જરૂર પડી છે. બીજા દર્દીઓની જેમ હાઈ ફિવરના કારણે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.
વયસ્કોમાં સંક્રમણની ગંભીરતા ડેલ્ટાની સરખામણીએ ઓછી
તેમણે જણાવ્યું કે, વયસ્કોમાં સંક્રમણની ગંભીરતા કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ઓછી છે. જ્યારે બાળકોમાં એવું નથી. ડૉ. ગુપ્તાએ કહ્યું, મારા અનુભવ પ્રમાણે બે વર્ષથી નાના બાળકો જેઓ હાઈ રિસ્ક ગ્રુપના હોય છે તેમાં સંક્રમણની ગંભીરતા લગભગ ડેલ્ટા વેરિયન્ટ જેટલી જ હોય છે.
અપર રેસ્પિરેટરી ટ્રેક્ટને પ્રભાવિત કરી રહ્યો છે વાયરસ
કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટ વિશે તેમણે કહ્યું કે, આ વખતે અમે જોયું છે કે, વાયરસ મુખ્ય રીતે દર્દીના અપર રેસ્પિરેટરી ટ્રેક્ટને પ્રભાવિત કરે છે. તેથી સંક્રમણ દરમિયાન દર્દીને શરદી, ખાંસી, માથામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. દર્દીને ઘણી વખત ઠંડિવાઈને તાવ પણ આવે છે.
10માંથી 2-3 દર્દીઓમાં ગંધ-સ્વાદ જવાની ફરિયાદ
બીજી લહેર દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના લક્ષણોની સરખામણી કરતાં ડૉ. ગુપ્તાએ જણાવ્યું કે, બીજી લહેર કરતાં ઉંધુ ઓમિક્રોનમાં દર્દીઓમાં સ્વાદ-સુગંધ જતા નથી. 10માંથી માત્ર 2-3 દર્દીઓને સ્વાદ-સુગંધ જવાની ફરિયાદ રહે છે.
વેક્સિનેટેડ લોકોના લક્ષણો સામાન્ય
હેલ્થ એક્સપર્ટે એવું પણ કહ્યું છે કે, વેક્સિનેટેડ અને સ્વસ્થ લોકોમાં ઓમિક્રોનના લક્ષણો તે લોકોની સરખામણીએ સામાન્ય છે જેમણે વેક્સિન નથી લીધી. તેમણે કહ્યું કે, અત્યાર સુધી હું માત્ર ત્રણ દર્દીઓને મળ્યો છું જેમને નિમોનિયા થયો હતો. તેમને સારવાર માટે સ્ટિરોઈડ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.