• Gujarati News
  • National
  • Indonesia's Initiative With The World's Largest Muslim Population Of 210 Million Reduces The Volume Of Loudspeakers In The Country's 70,000 Mosques

ભાસ્કર વિશેષ:દુનિયામાં સૌથી વધુ 21 કરોડ મુસ્લિમ વસતી ધરાવતા ઈન્ડોનેશિયાની પહેલ, દેશની 70 હજાર મસ્જિદોમાં લાઉડસ્પીકરોનો અવાજ ઘટાડાયો

જાકાર્તા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો ડિપ્રેશનની ફરિયાદ કરતા હતા એટલે ઈન્ડોનેશિયાની મસ્જિદ પરિષદે નિર્ણય લીધો

દુનિયામાં સૌથી વધુ 21 કરોડ મુસ્લિમ વસતી ધરાવતા ઈન્ડોનેશિયામાં અઝાનના લાઉડસ્પીકરોનો અવાજ ઘટાડાયો છે. તેના મોટા અવાજથી પરેશાન લોકોને રાહત આપવા માટે ઈન્ડોનેશિયા મસ્જિદ પરિષદે આ પહેલ કરી છે.

પરિષદના અધ્યક્ષ યુસુફ કાલ્લા કહે છે કે, દેશમાં 7.5 લાખથી વધુ મસ્જિદોમાં મોટા ભાગની મસ્જિદોની સાઉન્ડ સિસ્ટમ સારી હાલતમાં નથી એટલે અઝાનનો અવાજ ખૂબ વધી જાય છે. એટલે પરિષદે સાત હજાર ટેક્નિશિયનોને રિપેરિંગનું કામ સોંપ્યું અને આશરે 70 હજાર મસ્જિદોના લાઉડસ્પીકરોનો અવાજ ઘટાડ્યો. આ કામ માટે એક સમિતિ પણ બનાવાઈ હતી.

અઝાનનો મોટો અવાજ ઈસ્લામિક પરંપરા છે, જેથી તેનો અવાજ દૂર દૂર સુધી જાય. આ અંગે જાકાર્તાની અલ ઈકવાન મસ્જિદના ચેરમેન અહમદ તૌફિક કહે છે કે, લાઉડસ્પીકરોનો અવાજ ઘટાડવો સ્વૈચ્છિક નિર્ણય છે. અમે સામાજિક સૌહાર્દ જાળવી રાખવા માંગીએ છીએ.

હિદાતુલ્લા યુનિવર્સિટીના અલી કહે છે કે, અનેક લોકો લાઉડસ્પીકરોના મોટા અવાજને ખોટી રીતે ધાર્મિક જરૂરિયાત સમજે છે. મસ્જિદ પરિષદની પહેલ પછી હજારો મસ્જિદોના લાઉડસ્પીકરોનો અવાજ ઘટી ગયો છે. મસ્જિદની આસપાસ રહેતા લોકોને પણ હવે ફરિયાદ નથી.

ઈન્ડોનેશિયામાં છેલ્લા ઘણા સમયથી લાઉડસ્પીકરોના મોટા અવાજનો વિરોધ થતો હતો. ઓનલાઈન ફરિયાદો પણ વધી હતી. લોકોનું કહેવું હતું કે લાઉડસ્પીકરોના મોટા અવાજથી તેમના માનસિક આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે. તેના કારણે ડિપ્રેશન, ચીડિયાપણું અને અનિદ્રા જેવી બીમારીઓ પણ વધી હતી.

જોકે, ધાર્મિક રીતે આ સંવેદનશીલ મુદ્દો હોવાથી લોકો ફરિયાદ કરવાથી બચતા હતા. ઈશનિંદા કાયદાનો ડર પણ હતો: દેશમાં ઈશનિંદા કાયદા હેઠળ કડક સજાની જોગવાઈ છે. અઝાનના મોટા અવાજનો વિરોધ કરવા બદલ 4 બાળકોની માતાને દોઢ વર્ષની જેલની સજા કરાઈ હતી.

જર્મનીના કોલોનમાં પણ લાઉડસ્પીકર પરથી અઝાનનો વિરોધ
જર્મનીમાં પણ લાઉડસ્પીકરોથી અઝાનનો વિરોધ થઈ રહ્યો છે. અહીંનાં સૌથી મોટાં શહેરોમાં સામેલ કોલોનના મેયરે શુક્રવારે મસ્જિદમાં લાઉડસ્પીકરથી અઝાનના પ્રસારણની મંજૂરી આપી હતી. તેમના આ પગલાંનો એએફડી પાર્ટીએ સખત વિરોધ કર્યો.પક્ષના પ્રવક્તા મેથિયસ બુશગ્સનું કહેવું છે કે જર્મનીનું ઈસ્લામિકરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પગલાંથી એવું લાગે છે કે આ દેશ ખ્રિસ્તી નહીં, ઈસ્લામિક છે. નોંધનીય છે કે, કોલોનમાં 1.2 લાખ મુસ્લિમ વસતી છે, જે શહેરની કુલ વસતીના 12% છે.

અન્ય સમાચારો પણ છે...