દિલ્હીથી દુબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનનું મંગળવારે પાકિસ્તાનના કરાચીમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ફ્લાઈટમાં હાજર તમામ પેસેન્જર સેફ છે. સ્પાઈસજેટના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સ્પાઈસજેટ B737ની ફ્લાઈટ નંબર SG-11 દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું. આ દરમિયાન વિમાનના ઈન્ડિકેટરમાં કોઈ ખામી હોવાનો ખ્યાલ આવ્યો. એ બાદ ફ્લાઈટને કરાચી ડાઇવર્ટ કરવામાં આવી. સ્પાઈસજેટના જણાવ્યા મુજબ આ ઈમર્જન્સી લેન્ડિંગ ન હતું.
ફ્યૂલ લીકનો પણ દાવો
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DCGA)ના જણાવ્યા મુજબ, એરક્રાફ્ટના ફ્યૂલ-ટેન્કથી લીકેજની પણ આશંકા છે. NDTVએ DGCAના અહેવાલથી કહ્યું- ફ્લાઈટ દરમિયાન ક્રૂએ અનુભવ્યું કે એરક્રાફ્ટની ફ્યૂલ-ટેન્કનું લેવલ અચાનક જ ઘટી રહ્યું છે.
બીજા શબ્દોમાં કહીએ તો કોકપિટમાં લાગેલા ઈન્ડિકેટર પર જોવા મળ્યું કે ફ્યૂલ નોર્મલથી ઘણું ઝડપથી ઘટી રહ્યું છે. આ કારણે જ પાયલોટને કરાચીમાં લેન્ડિંગ કરાવવું પડ્યું. એને ઈમર્જન્સીની જગ્યાએ પ્રિકૉશનરી લેન્ડિંગ (સાવધાની દાખવીને કરવામાં આવતું લેન્ડિંગ) કહેવું વધુ યોગ્ય રહેશે.
બીજી ફ્લાઈટ મોકલવામાં આવશે
સ્પાઈસજેટના જણાવ્યા મુજબ, વિમાનમાં કોઈપણ ખરાબીની પહેલાં જાણકારી ન હતી. યાત્રિકોને રિફ્રેશમેન્ટ આપવામાં આવી રહ્યું હતું. દિલ્હીથી એક એરક્રાફ્ટ કરાચી મોકલવામાં આવશે, જેનાથી પેસેન્જર્સ દુબઈ જશે. બે સપ્તાહમાં સ્પાઈસજેટની કોઈ ફ્લાઈટના ઈમર્જન્સી લેન્ડિંગની આ ચોથી ઘટના છે.
દિલ્હી-જબલપુર ફ્લાઈટમાં ધુમાડો ફેલાયો હતો
આ પહેલાં શનિવારે (2 જુલાઈ)એ દિલ્હીથી જબલપુર જતા સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર SG-2962નું દિલ્હીમાં લેન્ડિંગ કરાયું હતું. દિલ્હી-જબલપુર ફ્લાઈટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો, ત્યારે પ્લેન 5 હજાર ફટની ઊંચાઈએ હતું. આ ફ્લાઈટે દિલ્હી એરપોર્ટ પર સવારે 6:15 વાગ્યે ઉડાન ભરી હતી, થોડી મિનિટ બાદ એરક્રાફ્ટમાં ધુમાડો જોવા મળ્યો હતો.
પટનામાં પણ થઈ હતી આ પ્રકારની ઘટના
19 જૂને પટનામાં પણ સ્પાઈસજેટના પ્લેનના લેફ્ટ વિંગમાં ટેકઓફ સમયે તણખા જોવા મળ્યા હતા. એ બાદ પટનામાં તેનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. પ્રાથમિક તપાસમાં બર્ડ હિટનો મામલો સામે આવ્યો હતો. વિમાનમાં 185 યાત્રિક સવાર હતા.
19 જૂને જ દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનમાં ટેક્નિકલ ખામીને કારણે દિલ્હીમાં લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ વિમાનમાં 165 યાત્રિક સવાર હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.