ભારતે મેડિકલ ડિપ્લોમસી થકી એક તીરથી બે નિશાન સાધવાનો નીતિવિષયક નિર્ણય લીધો છે. ભારત હવે મેડિકલ સાધનો માટે ચીન પર નિર્ભરતા ઘટાડવા તેનો બહુ મોટો હિસ્સો જાપાનથી આયાત કરશે. તેના કારણે ચીનની કંપનીઓને કરોડો ડૉલરનું નુકસાન થશે.
બીજી તરફ, ભારતના વિશ્વસનિય સાથી દેશ જાપાનની કંપનીઓને ભારતીય બજારમાં આવવાની તક મળશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, આ નિર્ણયથી દેશની હોસ્પિટલોને અત્યાધુનિક મેડિકલ સાધનો મળશે, જેનો લાભ સામાન્ય નાગરિકોને પણ મળશે કારણ કે, ચીનના સાધનો કિફાયતી તો છે પણ જાપાની સાધનોના ઉચ્ચ માપદંડો સામે તે ટકી શકે એમ નથી.
કોરોના મહામારી પછી ભારતમાં ચીની મેડિકલ સાધનોની આયાત 57% વધી છે. મેડિકલ ટેક્નોલોજી એસોસિયેશન ઓફ ઈન્ડિયાના મતે, મેડિકલ સાધનોની અગ્રણી શ્રેણીમાં 2020-21માં ચીનથી આયાત 327 મિલિયન ડૉલર (રૂ. 2,681 કરોડ) હતી, જે વધીને 515 મિલિયન ડૉલરે (રૂ. 4,223 કરોડ) પહોંચી ગઇ. જાપાને ભારતની જરૂરિયાતો પૂરી કરવા સંમતિ દર્શાવી દીધી છે. જી-20 દરમિયાન ક્વાડ દેશોની એક અલગ બેઠકમાં આ મુદ્દે નિર્ણાયક વાતચીત થઈ હતી, જેના ભાગરૂપે આ વ્યૂહનીતિ ઘડાઇ છે.
ચીનથી દર વર્ષે રૂ. 7,380 કરોડના સાધનો આયાત
મેડિકલ ટેક્નોલોજીના નિષ્ણાતોના મતે, અત્યાધુનિક મેડિકલ સાધનો માટે ભારત, અમેરિકા અને યુ.કે. સહિતના દેશોએ ચીન, જાપાન, સિંગાપોર પર નિર્ભર રહેવું પડે છે. દુનિયામાં સૌથી વધુ સાધનોની નિકાસ ચીન કરે છે, પરંતુ અત્યાધુનિક સાધનોનું ઉત્પાદન અને નિકાસ જાપાન કરે છે. હાલ ભારત જાપાન પાસેથી દર વર્ષે 131 મિલિયન ડૉલર (રૂ. 1,066 કરોડ)ના ઉપકરણો આયાત કરે છે, જ્યારે ચીનથી 900 મિલિયન ડૉલર (રૂ. 7,380 કરોડ)ના આવા જ સાધનો આવે છે. એટલે કે સાત ગણા વધારે. ભારતનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં ચીનથી મેડિકલ સાધનોની આયાત 130 મિલિયન ડૉલર અને જાપાનથી 900 મિલિયન ડૉલર કરવાનું છે.
ચીન વેપારને હથિયાર બનાવે છે, આર્થિક ફટકો જરૂરી
રાયસીના ડાયલોગ વખતે ચીન વિરુદ્ધનો અવાજ બુલંદ થયો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે કહ્યું હતું કે, ચીન વેપારને હથિયાર બનાવી રહ્યું છે. તેના પર અંકુશ મૂકવા આર્થિક ફટકો જરૂરી છે. એ બેઠક પછી ભારતીય અધિકારીઓએ જાપાન પાસેથી ક્રિટિકલ સપ્લાય ચેઇન મજબૂત કરવાના મુદ્દે જાપાની અધિકારીઓ સાથે એક અલગ બેઠક કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.