તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિવસ નિમિત્તે વિશેષ:ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલે; ચોતરફ વિરોધ વચ્ચે દીકરીઓના શિક્ષણ માટે સૌની સામે બાથ ભીડી, શાળાએ જવા નિકળતા તો પથ્થર મારવામાં આવતા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં ફાતિમા શેખ પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા હતા, જેમણે સાવિત્રીબાઈનો સાથ આપીને મહારાષ્ટ્રમાં દીકરીઓ માટે 18 શાળા શરૂ કરાવી

એક શિક્ષક તરીકે કરિયરની શરૂઆત કરી દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકેના સર્વોચ્ચ પદ સુધી પહોંચનારા ભારત રત્ન સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આજે જન્મ દિવસ છે. દેશમાં વર્ષ 1962થી તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક શિક્ષક તરીકે તેમણે શિક્ષણ ક્ષેત્રમાં આપેલુ યોગદાન દેશમાં રોલમોડેલ છે ત્યારે આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરશું કે જેઓ દેશના સૌ પ્રથમ મહિલા શિક્ષિકા બનવાનું ગૌરવ ધરાવતા હતા, સાવિત્રીબાઈ ફુલે દેશમાં મહિલાઓ-દીકરીઓને શિક્ષિત કરવા પાયાના પથ્થર તરીકે કામ કર્યું, શિક્ષણ વ્યવસ્થાને બદલવા અને સમાજ વ્યવસ્થામાં સુધારા માટે અસાધારણ યોગદાન આપ્યું હતું. 19મી સદીમાં મહિલા અધિકારો, શિક્ષણનો અભાવ, અસ્પૃશ્યતા, સતીપ્રથા, બાળ કે વિધવા વિવાહને લગતા અનેક કુરિવાજોથી ઘેરાયેલી સમાજ-વ્યવસ્થા વચ્ચે સાવિત્રીબાઈ ફુલે દેશના સૌ પ્રથમ મહિલા શિક્ષિકા બની એક મિસાલ સ્થાપિત કરી હતી અને શિક્ષણ ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપ્યું હતું.

કોણ હતા સાવિત્રીબાઈ ફુલે
સાવિત્રીબાઈ ફુલેનો 3, જાન્યુઆરી,1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવમાં જન્મ થયો હતો.ફક્ત 9 વર્ષની ઉંમરે જ્યોતિરાવ ફૂલે સાથે તેમના લગ્ન થયા હતા. જ્યારે તેમના લગ્ન થયા હતા ત્યારે સાવિત્રીબાઈ અશિક્ષિત હતા અને તેમના પતિ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા.

સાવિત્રીબાઈનું સપનું હતું કે તેઓ ઉચ્ચ શિક્ષણ હાંસલ કરે. તેમણે જ્યોતિરાવ ફૂલે પાસેથી પ્રાથમિક શિક્ષણ હાંસલ કર્યું હતું. ત્યારબાદ તેમના મિત્રો કેશવ શિવરામ ભાવલકર અને સખારામ યથવંત પરણજપે પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેમને શિક્ષિકા બનવાની પ્રેરણા થઈ હતી.

દીકરીઓને શિક્ષણ આપવાની શરૂઆત કરેલી
શિક્ષણ પ્રાપ્ત કર્યાં બાદ સાવિત્રીબાઈએ ટીચર ટ્રેઈનિંગ પ્રોગ્રામમાં જોડાયા હતા. આ સંસ્થા અહેમદનગરમાં અમેરિકન મિશનરી સિંથિયા ફેરર દ્વારા સંચાલિત હતી, અને ત્યારબાદ પૂણેની "નોર્મલ સ્કૂલ"માં શિક્ષણ મેળવ્યું હતું. શિક્ષણ હાંસલ કરનારા તેઓ પ્રથમ મહિલા હતા. તાલીમ લીધા બાદ એક શિક્ષિકા તરીકે તેમણે પુણેમાં તેમના પતિ જ્યોતિરાવ ફુલેના માર્ગદર્શક સગુણાબાઈ સાથે મળી દીકરીઓને શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી.

પછાત વર્ગો તથા મહિલાઓ માટે કુલ 18 જેટલી શાળાઓ શરૂ કરી
સાવિત્રીબાઈ, જ્યોતિરાવ અને સગુણાબાઈએ સાથે મળી ભીડેવાડામાં તેમની સૌ પ્રથમ શાળાની શરૂઆત કરી હતી. થોડા સમય બાદ પતિ-પત્નીએ મહારાષ્ટ્રમાં દીકરીઓ માટે ત્રણ શાળા શરૂ કરી હતી. સાવિત્રીબાઈએ ફાતિમા શેખ નામની મહિલા સાથે મળી વર્ષ 1849માં એક શાળા શરૂ કરી હતી. ફાતિમા શેખ ભારતમાં પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા હતા.

સાવિત્રીબાઈ ફુલે અને જ્યોતિરાવ ફુલેએ પછાત વર્ગો તથા મહિલાઓ માટે કુલ 18 જેટલી શાળાઓ શરૂ કરી તેને ઉત્તેજન આપ્યું હતું. ફુલે દંપત્તિએ દુષ્કર્મનો ભોગ બનેલી સગર્ભાઓ માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ તરીકે ઓળખાતા કેર સેન્ટર શરું કર્યું હતું, જ્યાં મહિલાઓ તેમના બાળકોનો ઉછેર કરી શકતી હતી.

શાળાએ જવા નિકળતા તો લોકો પથ્થર મારતા
જ્યારે સાવિત્રીબાઈ ફુલે શાળાએ જતા હતા તો લોકો પથ્થર મારતા હતા. તેમની ઉપર ગંદકી ફેકતા હતા. સાવિત્રીબાઈએ દીકરીઓ માટે શાળા શરૂ કરી તો તેને સમાજ અયોગ્ય માનતો હતો. સાવિત્રીબાઈ ફુલે એક કવયિત્રી પણ હતા. તેમને મરાઠીના આદિકવયિત્રી તરીકે ઓળખવામાં આવતા.

ફાતિમા શેખ

(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

ભારતમાં ફાતિમા શેખ પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા હતા. તેમણે અને સાવિત્રીબાઈએ ભારતમાં શિક્ષણ ક્ષેત્ર અમૂલ્ય યોગદાન આપ્યું હતું. દીકરીઓ માટેની પ્રથમ શાળા શરૂ કરવામાં ફાતિમા શેખે સાવિત્રીબાઈને મદદ કરી હતી. સાવિત્રીબાઈની માફક ફાતિમા શેખને પણ સામાજીક મોરચે અનેક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પણ તેમણે અનેક પડકારો વચ્ચે પણ ઘરે ઘરે જઈને પરિવાર તથા માતાપિતાને તેમની દીકરીઓને શાળાએ મોકલવા અને તેમને શિક્ષિત કરવાના અભિયાનને છોડ્યું ન હતું. જે માતાપિતા તેમની દીકરીઓને શાળા મોકલવા ઈચ્છતા ન હતા તેમને તેઓ ઘરે જઈને કલાકો સુધી સમજાવતા.