• Gujarati News
  • National
  • 'Indian Stock Market Boom Phase Is Not Over, This Decline Is A Healthy Correction' Ramdev Agarwal

ભાસ્કર ઇન્ટરવ્યુ:‘ભારતીય શેરબજારમાં તેજીનો તબક્કો પૂરો નથી થયો, આ ઘટાડો હેલ્ધી કરેક્શન છે’ - રામદેવ અગ્રવાલ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોતીલાલ ઓસવાલના ચેરમેન રામદેવ અગ્રવાલ - ફાઇલ તસવીર. - Divya Bhaskar
મોતીલાલ ઓસવાલના ચેરમેન રામદેવ અગ્રવાલ - ફાઇલ તસવીર.
  • મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીઝના ચેરમેન રામદેવ અગ્રવાલની સ્પષ્ટ વાત
  • હજાર-બે હજાર પોઈન્ટનું કરેક્શન આવી શકે છે, એવું થયું તો બજાર વધુ સારું થશે
  • આઈટી સેક્ટરમાં ગ્રોથ સ્ટોરી હવે શરૂ થશે, 5થી 10 વર્ષ સુધી આ સેક્ટરમાં તેજી રહેશે
  • ડિજિટલને ઈગ્નોર નહીં કરવું જોઈએ, આગામી સમયમાં આ સૌથી મોટું વેલ્થ ક્રિએટર હશે

સેન્સેક્સ 62 હજારથી ઘટીને 55 હજાર પર આવી ગયો છે. એનો અર્થ એ નથી કે ભારતીય બજારમાં બુલ રન સમાપ્ત ગયું છે. આ એક કરેક્શન છે, જેની દોઢ વર્ષથી રાહ જોવાતી હતી. રોકાણકારોએ ધીમે ધીમે ખરીદી કરવી જોઈએ. જાણીતા ઈન્વેસ્ટર અને મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીઝના ચેરમેન રામદેવ અગ્રવાલે ભાસ્કરના સ્ક્ન્દ વિવેક ધર સાથેની વાતચીતમાં આ વિચારો રજૂ કર્યા છે. તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશ...

પ્રશ્નઃ એક મહિનામાં સેન્સેક્સ 62 હજારથી ઘટીને 55 હજાર થઈ ગયો છે. શું બુલ રન ખતમ થઈ ગયું?
જવાબઃ બુલ રન હજુ ખતમ નથી થયું. બુલ રન વખતે પણ બજારમાં કરેક્શન આવે છે. છેલ્લા કેટલાક સમયથી સારું થઈ રહ્યું હતું. કંપનીઓનાં પરિણામ સારાં હતાં, વિદેશી રોકાણકારો સતત રોકાણ કરતા હતા. બજારમાં નવા 3-4 કરોડ રોકાણકાર આવ્યા હતા. એને કારણે એપ્રિલ 2020થી ઓક્ટોબર 2021 સુધી બજાર સતત ઊંચે જતું રહ્યું અને તેમાં એક હાઈપ ક્રિએટ થયો હતો. હવે એમાં હેલ્ધી કરેક્શન આવ્યું છે, જે બહુ જરૂરી હતું.

પ્રશ્નઃ બજારની વર્તમાન સ્થિતિમાં રોકાણકારોની શું વ્યૂહરચના હોવી જોઈએ?
જવાબઃ રોકાણકારોએ ખરીદી કરવી જોઈએ, પરંતુ એકસાથે નહીં. ઘટાડા વખતે એવી કંપનીના શેર ખરીદવા જોઈએ જેનું વેલ્યુએશન સારું થઈ ગયું છે. અહીંથી બજાર હજાર-બે હજાર પોઈન્ટ વધુ ઘટી શકે છે. ત્યારે રોકાણની હજુ વધુ સારી તક આવશે.

પ્રશ્નઃ હાલ કયા સેક્ટરમાં ખરીદી કરી શકાય?
જવાબઃ દેશના અર્થતંત્રના ગ્રોથ સાથે સંકળાયેલાં સેક્ટર રોકાણ માટે સારાં રહેશે. આઈટી, ડિજિટલ, બેન્કિંગ, ઈન્શ્યોરન્સ અને કેપિટલ ગુડ્સ સેક્ટર રોકાણ માટે સારાં સાબિત થઈ શકે છે.

પ્રશ્નઃ એફપીઆઈ સતત ભારતીય બજારોમાંથી પૈસા કાઢે છે, આવું ક્યાં સુધી ચાલુ રહેશે?
જવાબઃ ભારતના બજારે દુનિયામાં સૌથી સારો દેખાવ કર્યો છે, પરંતુ હવે એ મોંઘું થઈ ગયું છે. તમામ ઈન્ટરનેશનલ બ્રોકરેજ કંપનીઓએ ભારતીય બજારનું રેટિંગ નેગેટિવ કર્યું હતું. એટલે વિદેશી રોકાણકારો અહીંથી પૈસા કાઢતા હતા. આ કરેક્શન પછી ઝડપથી ભારતીય બજારનું રેટિંગ સુધરશે, જેથી વિદેશી રોકાણકારો પાછા આવવા લાગશે.

પ્રશ્નઃ છેલ્લા દોઢ વર્ષમાં મોટા ભાગની આઈટી કંપનીઓના શેરની કિંમત બમણી થઈ ચૂકી છે. આ સ્થિતિમાં તમે આઈટીને લઈને બુલિશ કેમ છો?
જવાબઃ છેલ્લા દોઢ વર્ષને છોડી દઈએ, તો આઈટી કંપનીઓનો ગ્રોથ અટકી ગયો હતો. હવે દુનિયાભરમાં ડિજિટલ મૂવમેન્ટ શરૂ થઈ રહી છે. એનો ફાયદો ભારતીય આઈટી કંપનીઓને મળશે. આઈટી કંપનીઓ માટે અસલી બિઝનેસ હવે શરૂ થશે. તેમણે છેલ્લા એક વર્ષમાં જે ભરતીઓ કરી છે એ 2023થી પ્રોડક્ટિવિટી બતાવવાનું શરૂ કરશે. આઈટી સેક્ટરે વાય-2 વખતે જેવી તેજી જોઈ હતી એનાથી પણ મોટી તેજી જોવા મળવી જોઈએ. આ તેજી પાંચથી દસ વર્ષ સુધી ચાલશે.

પ્રશ્નઃ હાલમાં જ પેટીએમ, ઝોમેટો, નાયકા જેવા ટેક બેઝ્ડ સ્ટાર્ટઅપ લિસ્ટ થયાં. એમાં રોકાણને લઈને તમારું શું સૂચન છે?
જવાબઃ અમે અમારા વેલ્થ ક્રિયેશન રિપોર્ટમાં એટમ અને બીટ્સ બે શ્રેણીની વાત કરી છે. એટમ પરંપરાગત કંપનીઓ છે, જ્યારે બીટ્સ ડિજિટલ કંપનીઓ છે. ડિજિટલના રૂપમાં બિઝનેસ જગતમાં એક મોટું પરિવર્તન થઈ રહ્યું છે. આપણે એની અવગણના ના કરવી જોઈએ. એ આગામી સમયમાં સૌથી મોટા વેલ્થ ક્રિયેટર બનશે. જોકે અહીં પણ હાઈપથી બચવું જોઈએ. મોટા ભાગનાં સ્ટાર્ટઅપ ઓવર-વેલ્યુ પર લિસ્ટ થયાં છે. એમાં હજુ કરેક્શન આવશે. એ વખતે રોકાણ કરવું જોઈએ.

પ્રશ્નઃ કોઈ શેરનું વેલ્યુએશન માપવા પીઈ રેશિયોનો ઉપયોગ કરાય છે, પરંતુ હાલમાં જ અનેક શેરના પીઈ 900ને પાર થઈ ગયો. તો શું પીઈનું કોઈ મહત્ત્વ રહ્યું છે?
જવાબઃ છ-સાત વર્ષ પહેલાં પણ પીઈમાં ઘણું અંતર જોવા મળતું. હાલમાં આ અંતર વધી ગયું છે, પરંતુ કોઈ શેર મોંઘો છે કે નથી એ જાણવા માટે પીઈ આજે પણ ઉત્તમ ઉપાય છે. જોકે ફક્ત પીઈ જોઈને રોકાણ ના કરવું જોઈએ. આ સાથે ગ્રોથ, આરઓઆઈ, ડિવિડન્ડ વગેરેનું પણ આકલન કરવું જોઈએ.