તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Indian Navy To Get Six More Submarines, Ready To Meet Challenge From China, Defense Ministry Approves

હિંદ મહાસાગરમાં નૌકાદળની તાકાત વધશે:ભારતીય નૌકાદળને મળશે વધુ છ સબમરીન, ચીન તરફથી મળતા પડકારનો સામનો કરવાની તૈયારી, રક્ષા મંત્રાલયની મંજૂરી

8 દિવસ પહેલા
સંધ્યાયકની વિદાય: 40 વર્ષ સુધી નૌકાદળમાં ફરજ બજાવતા આઇએનએસ સંધ્યાયક 4 જૂને સેવામુક્ત.
  • 'પ્રોજેક્ટ 75 ભારત' અંતર્ગત 43 હજાર કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવશે, 6800 કરોડની અન્ય ખરીદી પણ કરવામાં આવશે
  • ભારતીય નૌકાદળ પાસે હાલમાં 15 સબમરીન છે, જ્યારે ચીનની પાસે 50થી વધુ સબમરીન છે

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌસેના માટે છ પરંપરાગત સબમરીન બનાવવાની મંજૂરી આપી છે. એની કિંમત આશરે 43,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દેશમાં આ સબમરીન બનાવવા માટેના પ્રસ્તાવની વિનંતી ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. શુક્રવારે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એમાં, "પ્રોજેક્ટ-75 ઈન્ડિયા" હેઠળ છ સબમરીનના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવાની મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયે આશરે 6,800 કરોડ રૂપિયાનાં હથિયાર અને સાધનસામગ્રીની ખરીદી સંબંધિત પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી. અન્ય એક મહત્ત્વના નિર્ણયમાં ડીએસીએ સશસ્ત્ર દળોને તાત્કાલિક ખરીદી માટેની સમયમર્યાદા 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. ડીએસી ખરીદી સંબંધિત નિર્ણય લેનારી મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા છે. આ નિર્ણય હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

નૌકાદળ પાસે હાલમાં 15 સબમરીન છે
ભારતીય નૌકાદળ પાસે હાલમાં 15 સબમરીન છે. એના કાફલામાં તેની પાસે બે પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત અને આઈએનએસ ચક્ર પણ છે. નેવી 24 નવી સબમરીન મેળવવાની યોજના ધરાવે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીની જહાજોની વધતી ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની સબમરીન કામગીરી અને નૌકાદળના કાફલામાં સુધારો કરવો એ ભારતીય નૌકાદળની પ્રથમ પ્રાથમિકતા રહી છે.

નૌકાદળ માટે દેશમાં નવી સબમરીન બનાવવામાં આવશે
આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નૌકાદળ માટે છ સબમરીન બનાવવામાં આવશે. "પ્રોજેક્ટ-75 ઈન્ડિયા" હેઠળ, બે ભારતીય કંપનીઓ વિદેશી ઉત્પાદકના સહયોગથી કામ કરી શકે છે. પ્રોજેક્ટ માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મઝગાંવ ડોક્સ લિમિટેડ (એમડીએલ) અને ખાનગી કંપની લાર્સન એન્ડ ટુબ્રોને આપવામાં આવે તેવી સંભાવના છે. એક મહિનાનો સમય લાગશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. નૌકાદળનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં 12 વર્ષનો સમય લાગશે.

ચીનની પાસે 50થી વધુ સબમરીન
વૈશ્વિક નૌકાદળ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ચીનના નૌકાદળ પાસે હાલમાં 50 થી વધુ સબમરીન અને લગભગ 350 જહાજો છે. આવનારાં 8-10 વર્ષમાં જહાજો અને સબમરીનની કુલ સંખ્યા 500ને પાર થઈ જવાનો અંદાજ છે. ભારતીય નૌકાદળ વ્યૂહાત્મક ભાગીદારીના મોડલ હેઠળ 57 લડાકુ વિમાનો, 111 હેલિકોપ્ટર અને 123 મલ્ટી-રોલ હેલિકોપ્ટર ખરીદવાની પણ તૈયારીમાં છે.