• Gujarati News
  • National
  • Indian External Affairs Ministry Responds To Trump's Mediation Preparations Seeks Solution Through Dialogue With Neighbors

ભારત-ચીન વિવાદ:ટ્રમ્પની મધ્યસ્થતાની તૈયારી પર ભારતીય વિદેશ મંત્રાલયનો જવાબ-પડોશી સાથે વાતચીતથી ઉકેલ મેળવવા પ્રયત્ન થઈ રહ્યો છે

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર લદ્દાખની છે. અહીંથી ગુરુવારે આર્મી જોજિલા દર્રે તરફ રવાના થઈ.ચીન સાથે વિવાદ વચ્ચે ભારત આ વિસ્તારમાં તેની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે - Divya Bhaskar
આ તસવીર લદ્દાખની છે. અહીંથી ગુરુવારે આર્મી જોજિલા દર્રે તરફ રવાના થઈ.ચીન સાથે વિવાદ વચ્ચે ભારત આ વિસ્તારમાં તેની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે
  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ પર અમેરિકા મધ્યસ્થતા કરવા તૈયાર છે
  • આ અગાઉ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પણ ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની વાત કહી હતી, જેને ભારતે નકારી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે લદ્દાખ અને સિક્કીમમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મધ્યસ્થતા કરવાની તૈયારી દર્શાવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે તૈયારીને લઈ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયે કહ્યું છે કે પડોશી સાથે વિવાદનો શાંતિથી ઉકેલ મેળવવા માટે રાજદ્વારી સ્તર પર પ્રયાસ થઈ રહ્યો છે.

આ અગાઉ ટ્રમ્પે કાશ્મીર અંગે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની વાત કરી હતી, જેને ભારતે નકારી દીધી હતી. ભારતે કહ્યું હતું કે આ ભારતનો આંતરિક મુદ્દો છે.

ભારત ત્રીજા પક્ષકારના હસ્તક્ષેપનો ઈન્કાર કરી ચુક્યું છે
એક દિવસ અગાઉ ચીને કહ્યું હતું કે ભારત સાથે સરહદ પર સ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે બન્ને પક્ષ તણાવને ઓછો કરવા માટે કામ કરી રહ્યા છે, પણ ભારત તેની સંપ્રભૂતા સાથે કોઈ જ બાંધછોડ નહીં કરે. ભારત અને ચીન પાસે અનેક રાજદ્વારી વ્યવસ્થા ઉપલબ્ધ છે. કોઈ પણ સંજોગોમાં પ્રશ્નોનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે  કરી શકાય છે.

ચીન બાદ ભારતે પણ સૈનિકોની સંખ્યા વધારી

લદ્દાખમાં તાજેતરમાં ગાલવન નાલા એરિયા પાસે ચીન અને ભારત વચ્ચે તણાવ વધ્યો હતો. LAC પાસે અનેક સેક્ટરોમાં ચીન આશરે 5 હજાર સૈનિક ગોઠવી ચુક્યુ છે. પડોશી દેશના આ પગલાં બાદ ભારતીય સેનાએ પણ આ વિસ્તારોમાં તેના સૈનિકોની સંખ્યા વધારી છે.

આ મહિને બન્ને દેશના સૈનિકો વચ્ચે ત્રણ વખત વિવિધ જગ્યા પર ટકરાવ થયો છે. ગયા સપ્તાહે બન્ને દેશની સેનાના કમાન્ડર વાતચીત કરી મુદ્દાને ઉકેલવા માટે પ્રયત્ન કરી ચુક્યા છે.

ડોકલામ બાદ સૌથી મોટો ટકરાવ

  • જો ભારત અને ચીનની સેના લદ્દાખમાં સામ-સામે આવી તો 2017માં ડોકલામ વિવાદ બાદ આ સૌથી મોટો વિવાદ હશે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે પેંગોંગ ત્સો સરોવર અને ગાલવાન વેલીમાં સૈનિક વધાર્યા છે. આ બન્ને વિસ્તારમાં ચીને દોઢ હજારથી અઢી હજાર સૈનિક ગોઠવ્યા છે. આ સાથે હંગામી સુવિધા પણ વધારી છે. ચીન લદ્દાખના અનેક વિસ્તારો પર દાવો કરી રહ્યું છે.
  • ભારત-ચીન બોર્ડર પર ડોકલામ વિસ્તારમાં બન્ને દેશ વચ્ચે 2017માં 16 જૂનથી 28 ઓગસ્ટ વચ્ચે ટકરાવ ચાલ્યો હતો. સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી. વર્ષના અંતે બન્ને દેશ સેના પરત બોલાવવા માટે સહમત થયા હતા.
અન્ય સમાચારો પણ છે...