સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટ ગુરુવારે હેક થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે, રશિયાના હેકરે વેબસાઈટ હેક કરી લીધી છે. તેના પછી મિનિસ્ટ્રીએ ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને વેબસાઇટની તપાસ કરવા જણાવ્યું છે.
ક્લાઉડ એક્સના સાયબર સિક્યોરિટી નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે, રશિયન હેકરોના ગ્રુપ ફીનિક્સે હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટને નિશાન બનાવી છે. તેના દ્વારા હેકર્સ દેશના તમામ હોસ્પિટલના કર્મચારીઓ અને મુખ્ય તબીબોના ડેટા સુધી પહોંચી ગયા છે.
મંત્રાલયે CERT-In પાસેથી રિપોર્ટ માગ્યો
મંત્રાલયના એક સૂત્રએ ન્યૂઝ એજેન્સીને જણાવ્યું કે, ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) પાસેથી આ અંગેની માહિતી માગી છે. ટીમ તેની તપાસ કરી રહી છે, ટૂંક સમયમાં જ તેનો રિપોર્ટ સોંપી દેશે.
CERT-In ભારત સરકારના ઈલેક્ટ્રોનિક એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના તાબા હેઠળ કામ કરે છે. તે હેકિંગ અને ફિશિંગ જેવા સાયબર સુરક્ષા જોખમોનો સામનો કરવા માટેની નોડલ એજેન્સી છે, જે ભારતીય ઈન્ટરનેટ ડોમેનની સુરક્ષા સંબંધિત સંરક્ષણને મજબૂત બનાવે છે.
CloudSEKના એક અહેવાલ મુજબ, ગ્રુપે જણાવ્યું કે તેણે આ સાયબર હુમલો "ઓઇલ પ્રાઇસ કેપ પર ભારતના એગ્રીમેન્ટ અને રશિયા-યુક્રેન યુદ્ધ પર G20ના પ્રતિબંધોના કારણે કર્યો છે. CloudSEKએ જણાવ્યું કે, આ વેબસાઇટને ટારગેટ કરવા પાછળનો ઉદ્દેશ રશિયન ફેડરેશન વિરુદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધો હતા. ભારતીય અધિકારીઓએ પ્રતિબંધોનું ઉલ્લંઘન ન કરવાનો તેમજ G7 દેશોના નક્કી કરેલા રશિયન તેલના ભાવનું પાલન રહેવાનો નિર્ણય કર્યો છે."
2022થી એક્ટિવ છે ફીનિક્સ
ક્લાઉડસેકે જણાવ્યું હતું કે ફોનિક્સ જાન્યુઆરી 2022 થી સક્રિય છે અને તે ફિશિંગ કૌભાંડો અને યુએસ, જાપાન અને યુકેમાં હોસ્પિટલોને નિશાન બનાવવા માટે જાણીતું છે. અમેરિકી સૈન્યમાં સેવા આપતી આરોગ્ય સંસ્થાની વેબસાઇટ અને સ્પેનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર હુમલા પાછળ પણ આ જ જૂથનો હાથ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.