આ વખતે શિયાળામાં પૂર્વ લદાખમાં ચીનની કરતૂતો પર નજર રાખવા માટે ભારતીય સૈન્ય સતર્ક છે. પૂર્વ લદાખની લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીક ડેમચોક અને દેપસાંગમાં 50 હજાર સૈનિકો તહેનાત કરાયા છે, જેમના માટે ઠંડીના કઠિન વાતાવરણમાં શસ્ત્રો અને કરિયાણા સહિતનો પુરવઠો પહોંચાડવા ખાસ વ્યવસ્થા કરાઇ છે.
એલએસી પર તહેનાત દરેક સૈનિકના યુનિફોર્મ માટે રૂ. એક લાખનું બજેટ પણ રખાયું છે.ગલવાનમાં મે 2020માં ચીનના હુમલા પછી આ ત્રીજું વર્ષ છે, જ્યારે લદાખમાં ભારતીય સૈન્ય શિયાળામાં ચીનના મનસૂબા નિષ્ફળ બનાવવા કમર કસી છે. ગલવાન ઘટના પછી ભારત-ચીન વચ્ચે 16 બેઠક યોજાઈ ચૂકી છે. આમ છતાં, ચીન પોતાના સૈનિકોને ગલવાન પહેલાની સ્થિતિમાં નથી લાવી રહ્યું.
આશંકા... ચીન સૈનિકોની સંખ્યા વધારી શકે છેઃ જનરલ પાંડે
સૈન્ય વડા જનરલ મનોજ પાંડેએ હાલમાં જ કહ્યું હતું કે, ચીને એલએસી પર સૈનિકો ઘટાડ્યા નથી. તે સંકેત આપે છે કે, ચીન શિયાળામાં હજુ સૈનિકોની સંખ્યા વધારી શકે છે. જોકે, એલએસી પર સ્થિતિ હજુ યોગ્ય છે, પરંતુ ભવિષ્યમાં શું થશે તે કહેવું અઘરું છે.
આપણી તૈયારી... જવાનો માટે થ્રી લેયર વરદી, સ્પેશિયલ ટેન્ટ પણ
12 હજાર ફૂટની ઊંચાઈવાળા પૂર્વ લદાખમાં તહેનાત ભારતીય જવાનો માટે સ્પેશિયલ થ્રી લેયર વરદી તૈયાર કરાવાઈ છે. આઉટપોસ્ટ પર ઠંડીથી બચવા માટે ખાસ થર્મો ટેન્ટ પણ લગાવાયા છે. તેમને ખાસ ડાયટ પણ અપાઇ રહ્યું છે. પેંગોંગ સરોવરથી હોટ સ્પ્રિંગ સુધીના વિસ્તાર સુધી બીઆરઓએ 20 કિ.મી. રસ્તો બનાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.