વેક્સિન મૈત્રી અભિયાન અંતર્ગત ભારતે પાડોશી દેશ અફઘાનિસ્તાન અને કેરેબિયન દેશ બારબાડોસ અને ડોમિનિકાને પણ કોરોના વેક્સિનનો પહેલો જથ્થો મોકલ્યો છે. એર ઇન્ડિયાના સ્પેશ્યલ પ્લેનમાં એસ્ટ્રાજેનેકા વેક્સિનના પાંચ લાખ ડોઝ મુંબઇથી દિલ્હી અને ત્યારબાદ કાબુલ મોકલવામા આવ્યા હતા. કેરેબિયન દેશ બારબાડોસ અને ડોમિનિકામાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિશિલ્ડ વેક્સિનના એક-એક લાખના ડોઝ મોકલવામા આવ્યા છે.
વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
રસીનો જથ્થો અફઘાનિસ્તાન પહોંચ્યો ત્યારે વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વિટ કર્યું, ‘આપણે હંમેશા મિત્રો સાથે ઉભા છીએ. માનવીય સહાયતા તરીકે આ વેક્સિનને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુંબઇથી કાબુલ પહોંચાડવામાં આવી. ’ વેક્સિન મળયા બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ મહેલ (પેલેસ) એ ટ્વિટ કરીને કહ્યું- રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ભારત દ્વારા સમય પર સહાયતા કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે.
આ ટ્વિટમાં જણાવવામા આવ્યું કે પહેલા તબક્કામાં આ રસી સુરક્ષાદળો, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ અને વાયરસ વિરુદ્ધ લડાઇમાં સૌથી આગળ રહેનારા અન્ય લોકોને આપવામા આવશે. ભારત તરફથી મોકલવામા આવેલા રસીના જથ્થાને અફઘાનિસ્તાના કાર્યકારી લોક સ્વાસ્થ્ય મંત્રી વાહીદ મજરોહે કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસના પ્રભારી રઘુરામ એસ પાસેથી ગ્રહણ કર્યો હતો.
બારબાડોસને 1 લાખ ડોઝ મોકલાયા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે હેશટેગ ‘વેક્સિન મૈત્રી જારી છે’ સાથે ટ્વિટ કરીને કહ્યું કે- ભારત દ્વારા નિર્મિત કોવિડ વેક્સિનનો જથ્થો બારબાડોસ અને રાષ્ટ્રમંડલ દેશ ડોમિનિકાને મોકલવામા આવ્યો. કેરેબિયન દેશ બારબાડોસને કોરોના વેક્સિનના એક લાખ ડોઝ મોકલવામા આવ્યા છે.
રસી મળ્યા બાદ બારબાડોસના વડાપ્રધાન મિઆ મોટલીએ ભારત સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત એક પત્રમાં લખ્યું કે - મને વિશ્વાસ છે કે તમે સારી રીતે સુરક્ષિત છો. મારી સરકાર અને અમારા દેશના લોકો તરફથી હું તમારી સરકાર અને ભારતના નાગરિકોનો આભાર વ્યક્ત કરવા માગું છું. વેક્સિન આપવા માટે તમારો આભાર.
પોપ સિંગર રિહાનાની જન્મભૂમિ બારબાડોસ છે
કેરેબિયન દેશ બારબાડોસ પોપ સિંગર રિહાનાની જન્મભૂમિ છે. તે અહીં જ ઉછરી છે. રિહાના એ જ ગાયિકા છે, જે છેલ્લા અમુક દિવસોથી ખેડૂત આંદોલન અંગે ટ્વિટ કરીને ચર્ચામાં આવી હતી. ત્યારબાદ રિહાનાને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અમુક મીડિયા રિપોર્ટ્સમાં રિહાનાએ પૈસા લઇને ઉશ્કેરણીજનક ટ્વિટ કર્યું હોવાનું કહેવામા આવ્યું હતું જેથી ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરી શકાય.
આ દેશોમાં ભારતે વેક્સિન મોકલાવી છે
આ પહેલા ભારતે નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ્સ, સેશલ્સ, મ્યાંમાર, અને મોરિશ્યસમાં કોરોના વેક્સિન મોકલાવી છે. તે સિવાય સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ અને મોરક્કો સહિત ઘણા અન્ય દેશોમા પણ કોરોના વેક્સિન મોકલવામા આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.