વેક્સિન ટ્રેકર:ફાઈઝરની વેક્સિનને મંજૂરી આપતા પહેલા ભારત સ્થાનિક પરીક્ષણ માટે આદેશ આપી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફાઈઝરની કોરોના વેક્સિનને અત્યાર સુધીમાં અમેરિકા, બ્રિટન સહિત આશરે 5 કરતા વધારે દેશમાં ઈમર્જન્સી મંજૂરી મળી ચુકી છે. અનેક દેશોમાં હેલ્થવર્કર્સ તથા હાઈ-ગ્રુપને વેક્સિનેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પણ ભારતમાં આ વેક્સિનના ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી સરળતાથી નહીં મળે તેવુ લાગે છે.ઈમર્જન્સી મંજૂરીની ભલામણ કરનારી ડ્રગ રેગ્યુલેટરની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તેને ભારતમાં ટ્રાયલ્સ કરવા કહી શકે છે.

મિંટના એક અહેવાલ પ્રમાણે ફાઈઝરે જે ટ્રાયલ ડેટા રજૂ કર્યા છે તેમાં ભારતીય એથનિસિટી સાથે સંકળાયેલ વોલન્ટીયર્સ પરના ટ્રાયલ પૂરતા નથી. વેક્સિનની નિયમનકારી મજૂરી સાથે જોડાયેલા એક સંશોધકે કહ્યું કે તમારે કોઈ પણ વેક્સિન માટે સ્થાનિક વસ્તી પર થયેલા ટ્રાયલ્સને લગતો ડેટા રજૂ કરવો જોઈએ. જો ફાઈઝરે ગ્લોબલ ટ્રાયલમાં ભારતીય વસ્તી પર થયેલા ટ્રાયલ્સનો ડેટા રજૂ કર્યો હોત તો તેને ક્લિનિકલ ટ્રાયલ્સની અનિવાર્યતામાંથી મુક્તિ આપી શકાય તેમ હતી. પણ લાગે છે કે તેનો આ ડેટા પૂરતો નથી. ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવાની સંભાવના અત્યારે ઓછી જણાય છે.

આ અગાઉ દેશના ટોચના વૈજ્ઞાનિક અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રોફેસર ડો.ગગનદીપ કંગે પણ આ અંગે શક્યતા વ્યક્ત કરી હતી કે ભારતની ડ્રગ રેગ્યુલેટર ઈમર્જન્સી મંજૂરી માટે અરજી કરવાના સંજોગોમાં વિદેશી વેક્સિનને ભારતમાં ટ્રાયલ્સ માટે કહી શકે છે. એવું પણ બની શકે છે કે આ ટ્રાયલ્સ 100 ભારતીય પર કરવાનું કહેવામાં આવે. આ તમામ બાબત વિશ્વભરમાં કરવામાં આવેલા ટ્રાયલ્સના ડેટા પર નક્કી થાય છે.

સ્થાનિકસ્તરે ટ્રાયલ્સની શું જરૂર છે?

  • ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા વીજી સોમાની અને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જો ફાઈઝરની વેક્સિનને મંજૂરી આપશે તો તે આપણે ત્યાં તદ્દન નવી જ ટેકનોલોજી હશે. હકીકતમાં ફાઈઝરની વેક્સિન મેસેંજર-RNA અથવા mRNA ટેકનોલોજીથી બનેલી છે, જેના ટ્રાયલ્સ ભારતમાં થયા નથી. આ સંજોગોમાં ફક્ત ગ્લોબલ ટ્રાયલ ડેટાના આધાર પર ઈમર્જન્સી મંજૂરી આપવી તે જોખમી બની શકે છે.
  • ફાઈઝરના ગ્લોબલ ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલમાં 37,000 વોલેન્ટીયર્સનો સમાવેશ થયો હતો. આ પૈકી ફક્ત 4.3 ટકા લોકો એશિયાઈ મૂળના હતા. આ વેક્સિનની અસરકારકતા ભલે 95 ટકા રહી હોય, પણ એશિયાઈ મૂળના લોકો પર તેની અસરકારકતાનો દર 74.4 ટકા હતો. કોરોના વેક્સિન માટે 50 ટકાને કટ-ઓફ માનવામાં આવે છે, આ સંજોગોમાં 74.4 ટકા પણ સારા આંકડા માની શકાય છે. પણ તેનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે સેમ્પલની સાઈઝ પૂરતા પ્રમાણમાં નથી.

શુ આ અગાઉ વિદેશી વેક્સિનને મંજૂરી આપવામાં આવી ન હતી?

  • સરકારી સંગઠન સાથે જોડાયેલ એક વેક્સિનોલોજિસ્ટનું કહેવું છે કે ફાઈઝરને સ્થાનિક સ્તર પર ક્લિનિકલ ટ્રાયલ્સ વગર જ ઈમર્જન્સી મંજૂરી આપવી અભૂતપૂર્વ હશે. અત્યાર સુધીમાં ભારતમાં જે પણ વેક્સિન તૈયાર થઈ છે અથવા આયાત કરવામાં આવી છે તેના માટે સ્થાનક ક્લિનિકલ ટ્રાયલ્સ ફરજીયાત હતો. તેની પાછળનું એક મોટુ કારણ ભારતની વિવિધતાપૂર્ણ ડેમોગ્રાફી અને સામાજીક-આર્થિક વિવિધતા છે. તેની વેક્સિનની સલામતી તથા અસરકારકતા પર ઘણી અસર થાય છે.
  • સેનફોર્ડ બ્રેન્સટીનની ઈન્ડિયા હેલ્થકેર એનાલિસ્ટ નિત્યા બાલાકૃષ્ણને એક અહેવાલમાં કહ્યું હતું કે સેમ્પલનું કદ પૂરતુ નથી. ક્લિનિકલ ટ્રાયલ્સની છૂટ આપવા અંગે વિચારણા કરવાની મજબૂરી અમે સમજી શકીએ છીએ, પણ હેલ્થ વોલેન્ટીયર્સને ડોઝ આપતા પહેલા સાવધાની સાથે નિર્ણય કરવો જરૂરી બને છે. ટ્રાયલની છૂટ આપવા માટે પર્યાપ્ત આધાર પણ નથી.

અન્ય વેક્સિનની શુ સ્થિતિ છે?

  • વર્તમાન સમયમાં ફાઈઝર સાથે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) અને ભારત બાયોટેકે પણ પોતાની વેક્સિન માટે ઈમર્જન્સી મંજૂરી મેળવવા અરજી કરી છે. SIIએ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની તૈયાર કરવામાં આવેલી કોવીશીલ્ડ વેક્સિન માટે મંજૂરી માંગી છે, તેનો ત્રીજા તબક્કાનો ટ્રાયલ્સ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. એવી જ રીતે ભારત બાયોટેકની પહેલી સ્વદેશી કોરોના વેક્સિનૃ-કોવેક્સિનનો ત્રીજા તબક્કાનો ટ્રાયલ્સ ચાલી રહ્યો છે.

ભારતીયો માટે ફાઈઝરની વેક્સિન સસ્તી હશે

  • ફાઈઝરે કહ્યું છે કે તેની વેક્સિન BNT162b2 ની કિંમત એટલી નક્કી કરવામાં આવશે કે જેથી લોકોને ખૂબ જ ઓછી અથવા નહીવત પ્રમાણમાં ખર્ચ કરવો પડે. તેમા તે ભારત સરકાર સાથે કામ કરવા તૈયાર છે. અમેરિકામાં કંપનીએ પોતાની વેક્સિનના એક ડોઝની કિંમત 19.50 (રૂપિયા 1,440) નક્કી કરી છે. પણ ભારતમાં આ કિંમત ઓછી હોઈ શકે છે.