• Gujarati News
  • National
  • India Has Been Pushed To 132nd Position Out Of 191 Countries In The Human Development Index

યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામનો 2021નો રિપોર્ટ જારી:હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 191 દેશમાં ભારત 132મા ક્રમે ધકેલાયું

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી જારી એક રિપોર્ટ પ્રમાણે, 2021ના માનવ વિકાસ સૂચકાંકમાં ભારત દુનિયાના 191 દેશમાં 132માં ક્રમે ધકેલાઈ ગયું છે. ભારતનો હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (એચડીઆઈ) એટલે કે માનવ વિકાસ સૂચકાંકનું મૂલ્ય 0.6333 છે, જે દેશને મધ્યમ માનવ વિકાસ શ્રેણીમાં રાખે છે.

આ આંકડો 2020ના 0.645 મૂલ્યથી ઓછો છે. વર્ષ 2020માં માનવ વિકાસ સૂચકાંકમાં ભારત 189 દેશમાં 131માં ક્રમે હતું. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘વૈશ્વિક વલણોની જેમ ભારતના મામલામાં પણ 2019માં એચડીઆઈ મૂલ્ય 0.645 હતું, જે 2021માં 0.633 સુધી આવી ગયું છે.

આ માટે દેશનું સરેરાશ આયુષ્ય 69.7 વર્ષથી ઘટીને 67.2 થયું તે પણ જવાબદાર ઠેરવી શકાય એમ છે. ભારતમાં સ્કૂલ શિક્ષણના અપેક્ષિત વર્ષ 11.9 વર્ષ અને સ્કૂલ શિક્ષણના સરેરાશ વર્ષ 6.7 વર્ષ છે.’ કોઈ દેશના આરોગ્ય, શિક્ષણ અને સરેરાશ આવક માપવા માટેના માપદંડોની દૃષ્ટિએ માનવ વિકાસમાં સતત બે વર્ષ, 2020 અને 2021માં ઘટાડો નોંધાયો છે, જ્યારે આ પહેલા પાંચ વર્ષ ઘણો વિકાસ થયો હતો.

આ રિપોર્ટ પ્રમાણે, ભારતની આ સ્થિતિ વૈશ્વિક સ્તરે થયેલા ઘટાડા પ્રમાણે જ છે, જે દર્શાવે છે કે, 32 વર્ષમાં પહેલીવાર દુનિયાભરમાં માનવ વિકાસ જાણે અટકી ગયો છે. માનવ વિકાસ સૂચકાંકનો ઘટાડા માટે પણ વૈશ્વિક સરેરાશ આયુષ્ય જવાબદાર છે, જે 2019માં 72.8 વર્ષ હતું, જે 2021માં ઘટીને 71.4 વર્ષ થઈ ગયું છે.

યુએનડીપીના એડમિનિસ્ટ્રેટર અચિમ સ્ટેનરે કહ્યું છે કે, ‘સંકટમાંથી બહાર આવવા માટે દુનિયા મહેનત કરી રહી છે. અનિશ્ચિતતાથી ભરેલી આ દુનિયામાં, સામાન્ય પડકારોનો સામનો કરવા આપણામાં પરસ્પર વૈશ્વિક એકતાની ભાવના વિકસે તે જરૂરી છે. એકબીજા સાથે જોડાયેલા સંકટોને ભારતના વિકાસ પથને એવી જ રીતે પ્રભાવિત કર્યો છે, જેવી રીતે દુનિયાના મોટા ભાગના દેશ પ્રભાવિત થયા છે.’

એચડીઆઈ માનવ વિકાસના ત્રણ મુખ્ય માપદંડના આધારે ગણવામાં આવે છે. તેમાં લાંબુ અને સ્વસ્થ આયુષ્ય, શિક્ષણ સુધી પહોંચ અને એક સભ્ય જીવન સ્તર સામેલ છે. તેની ગણતરી ચાર સંકેત જન્મ સમયે સંભવિત આયુષ્ય, સ્કૂલ શિક્ષણના સરેરાશ વર્ષ, સ્કૂલ શિક્ષણના અપેક્ષિત વર્ષ અને પ્રતિ વ્યક્તિ રાષ્ટ્રીય આવકના માધ્યમથી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...