ચીનની ચાલ:ચીનના ‘જળયુદ્ધ’ વ્યૂહ પર ભારતે પાણી ફેરવ્યું, પૂર્વોત્તરમાં બંધોનું કામ પૂરજોશમાં

ઇટાનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેગન અરુણાચલથી ફક્ત 30 કિ.મી. દૂર સૌથી બંધ બનાવી રહ્યું છે
  • ચીન બંધથી વધુ પાણી છોડીને ભારત-બાંગ્લાદેશમાં કૃત્રિમ પૂર લાવી શકે

બ્રહ્મપુત્ર નદીના પ્રવાહને મનફાવે તેમ વાળવાનું તો ચીન 11 વર્ષથી કરી રહ્યું છે, પરંતુ આ વખતે તેણે મોટી ચાલ ચાલી છે. અરુણાચલ પ્રદેશમાં એલએસીથી ફક્ત 30 કિ.મી. દૂર ચીન મોટો બંધ બનાવી રહ્યું છે. આ ચીનના હાલના સૌથી મોટા થ્રી-જ્યોર્જ ડેમથી પણ થોડો મોટો હશે. તે 181 મીટર ઊંચો અને અઢી કિ.મી. પહોળો હશે. જોકે, તેની લંબાઇ વિશે હાલ કોઇ માહિતી નથી. 60 હજાર મેગા વૉટ વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવાતો આ બંધ મેડોગ સરહદ નજીક બનશે. અહીંથી બ્રહ્મપુત્ર ભારતમાં પ્રવેશે છે.

ચીનની ચાલને જોતા કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્ર પર પ્રસ્તાવિત ત્રણ પરિયોજનાનું કામ ઝડપથી પૂરું કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. આ પરિયોજનાઓ હેઠળ ચાર મોટા બંધ બનાવાશે. એક યોજનાને હાલ કેન્દ્રના અલગ અલગ મંત્રાલયની મંજૂરી મળવાની બાકી છે. સૂત્રોના મતે, આગામી થોડા દિવસમાં પર્યાવરણ સંબંધિત તમામ જરૂરી મંજૂરી પણ મળી જશે કારણ કે, ચીન ‘જળયુદ્ધ’થી નુકસાન પહોંચાડી શકે છે.

મેડોગ પ્રોજેક્ટથી ભારતમાં મોટા ખતરાની આશંકાનું કારણ...
દુનિયાની સૌથી ઊંચાઇએ વહેતી નદી બ્રહ્મપુત્ર પૂર્વોત્તર ભારતના રસ્તે બાંગ્લાદેશમાં થઇ સમુદ્રમાં ભળે છે. આ દરમિયાન તે 8,858 ફૂટ ઊંડી ખીણ પણ બનાવે છે, જે અમેરિકાના ગ્રાન્ડ કેન્યોનથી બમણી ઊંડી છે. ભારત-બાંગ્લાદેશની ચિંતા એ છે કે, ચીન કોઇ પણ સમયે બંધના દરવાજા ખોલીને કૃત્રિમ પૂર લાવી શકે છે. ચીનની ઇરાદા પર શંકાનું કારણ એ પણ છે કે, ત્યાં હાઇડ્રો પાવર સરપ્લસ છે. આમ છતાં, તે અહીં બંધ બનાવી રહ્યું છે.

ચીનની હરકતને કાબૂમાં રાખવા ભારતની ત્રણ પરિયોજના
1. બ્રહ્મપુત્રની સૌથી મોટી સહાયક નદી સુબનસિરી પર ગ્રેવિટી બંધ બનાવાશે
સુબનસિરી જળવિદ્યુત પરિયોજના એટલે આસામ અને અરુણાચલ સરહદે સુબનસિરી નદી પર નિર્માણાધીન ગ્રેવિટી બંધ. સુબનસિરી નદી તિબેટના ઉચ્ચ પ્રદેશથી નીકળીને ભારતમાં પ્રવેશે છે. સુબનસિરી જળવિદ્યુત પરિયોજનાના બે એકમ લગભગ તૈયાર થઇ ગયા છે. આ પરિયોજનામાં કામ કરતા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અહીં આ વર્ષના મધ્ય સુધી રોજ બે હજાર મેગા વૉટ વીજળી પેદા થશે. આ ભારતની સૌથી મોટી જળવિદ્યુત પરિયોજના છે. તેના બંધમાં 1,365 મિલિયન ઘન મીટર જળ ભંડારની ક્ષમતા હશે. આ બંધ 160 મીટર ઊંચો બની રહ્યો છે. તે પૂર રોકવામાં પણ કારગર હશે. હકીકતમાં ગ્રેવિટી બંધનું નિર્માણ કોંક્રિટ કે સિમેન્ટથી કરાય છે.

2. કામેંગમાં 80 કિ.મી. ક્ષેત્રમાં બે બંધ બનશે, રૂ. 8200 કરોડ ખર્ચ કરાશે ​​​​​​​આ જળવિદ્યુત પરિયોજના રૂ. 8,200 કરોડના ખર્ચે અરુણાચલમાં આકાર લેશે. તેમાં 11 હજાર મેગા વૉટ વીજળી પેદા થશે. આ બંધ પશ્ચિમ કામેંગ જિલ્લામાં 80 કિ.મી.માં બની રહ્યો છે. વીજળી પેદા કરવા અહીં 150 મેગા વૉટના ચાર યુનિટ ધરાવતા બે બંધ પણ બની રહ્યા છે.

3. દિબાંગ પરિયોજનાને મંત્રાલયોની મંજૂરીની રાહ, તેનાથી પૂર અટકશે
નિષ્ણાતોની સમિતિએ હાલમાં જ 2,880 મેગા વૉટ પરિયોજનાનો ફાઇનલ ફિઝિબિલિટી રિપોર્ટ જળ સંસાધન મંત્રાલયને સોંપ્યો છે. તેને ઝડપથી મંજૂરી મળી શકે છે. આ પરિયોજના અરુણાચલ અને આસામમાં પૂર નિયંત્રણમાં મદદરૂપ થશે. તે બન્યા પછી પૂરની માહિતી 24 કલાક પહેલા જ મળી જશે.

અન્ય સમાચારો પણ છે...