• Gujarati News
  • National
  • India Coronavirus Outbreak Situation: Kerala Mizoram Haryana Himachal Pradesh COVID Positivity Rate Delhi Mumbai Gurugram

દેશનાં 7 રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ:દિલ્હી-મુંબઈ અને ગુરુગ્રામમાં સૌથી વધારે કેસ વધ્યા, નોઇડામાં એક અઠવાડિયામાં 44 બાળક સંક્રમિત થયાં

એક મહિનો પહેલાલેખક: નીરજ સિંહ

એકવાર ફરી ભારત સહિત દુનિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હી, ગુરુગ્રામ અને મુંબઈમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં દેશમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ ઊભું થયું છે. દિલ્હી સહિત ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, ગુરુગ્રામ જેવાં શહેરોમાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન બાળકો વધારે ઝપટમાં આવી રહ્યાં છે. ગૌતમબુદ્ધનગરના સીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અહીં એક સપ્તાહમાં 44 લોકો સંક્રમિત થયા છે. અને તેમની ઉંમર 16થી 18 વર્ષની છે. આમ, હવે નોઈડામાં સક્રિય દર્દીઓની સંખ્યા 167 થઈ ગઈ છે.

દેશમાં કુલ 743 જિલ્લામાંથી 29 એવા છે, જ્યાં વીકલી પોઝિટિવ રેટ 5% કરતાં વધારે છે, એટલે WHOના મત પ્રમાણે, આ જિલ્લામાં સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. એમાં 23 જિલ્લામાં સ્થિતિ વધારે ખરાબ છે. આ 23 જિલ્લામાં પોઝિટિવ રેટ 10 ટકા કરતાં વધારે છે, જ્યારે 8 જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવ રેટ 20 ટકા છે. પોઝિટિવ રેટનો અર્થ થાય છે કે 100 ટેસ્ટમાંથી કેટલા દર્દી મળી રહ્યા છે.

દેશમાં અત્યારે કેટલા કોરોનાના દર્દીઓ?

  • દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે અને બુધવારે એક હજાર કરતાં વધારે દર્દીઓ મળ્યા હતા. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી રોજના 700-800 કેસ આવી રહ્યા છે.
  • છેલ્લા બે મહિનામાં એવું પહેલીવાર થયું, જેમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓ કરતાં નવા કેસની સંખ્યા વધારે હતી. મંગળવારે 1081 લોકો કોરોનાથી સાજા થયા હતા.
  • દેશમાં અત્યારસુધી 4.30 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 5.21 લાખ લોકોનાં મોત થયાં છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 11 હજાર કરતાં વધારે થઈ ગઈ છે.
  • દિલ્હીમાં પણ ફરી એકવાર કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. અહીં 2 મહિના પછી કોરોનાનો પોઝિટિવ રેટ 2.7% થઈ ગયો છે. આ પહેલાં 5 ફેબ્રુઆરીએ પોઝિટિવ રેટ 2.87 હતા. દિલ્હીમાં અત્યારે રોજના 100થી 200 નવા કેસ આવી રહ્યા છે. બુધવારે દિલ્હીમાં કોરોનાના 299 નવા કેસ નોંધાયા હતા. આ પહેલાં મંગળવારે 202 લોકો પોઝિટિવ નોંધાયા હતા.
  • હરિયાણાના ગુરુગ્રામમાં પણ કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. અહીં બુધવારે કોરોનાના 148 દર્દી નોંધાયા હતા. છેલ્લા 40 દિવસમાં આ સૌથી વધારે છે. અહીં ગયા મહિનાના અંત સુધીમાં સરેરાશ 30 જ કેસ નોંધાતા હતા.
  • દેશનું આર્થિક પાટનગર મુંબઈમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. મુંબઈમાં બુધવારે 73 નવા કેસ નોંધાયા છે. અહીં 17 માર્ચ પછી સૌથી વધારે કેસ નોંધાયા છે. એક્સપર્ટનું કહેવું છે કે ચોથી લહેર માટે આ અલાર્મિંગ પરિસ્થિતિ છે, તેથી એલર્ટ રહેવું ખૂબ જરૂરી છે.

દેશના કયા જિલ્લામાં કોરોના પોઝિટિવ રેટ 5% કરતાં વધારે

  • સૌથી પહેલા પોઝિટિવ રેટ શું એ જાણવું ખૂબ જરૂરી છે. જો તમારી સોસાયટીમાં 100 લોકોના ટેસ્ટ કરવામાં આવે અને તેમાંથી 20 લોકો પોઝિટિવ નોંધાય તો એનો અર્થ થયો કે પોઝિટિવ રેટ 20% છે.
  • સામાન્ય રીતે પોઝિટિવ રેટ 4થી 5 ટકા સુધી હોય તો એ સામાન્ય ગણવામાં આવે છ, પરંતુ WHO કહે છે કે જો એ 5% કરતાં વધી જાય તો સ્થિતિ નિયંત્રણ બહાર છે એવું કહી શકાય.
  • ભારતમાં અત્યારે સાપ્તાહિક પોઝિટિવ રેટ 0.24% છે. જોકે દેશનાં 7 રાજ્યના 29 જિલ્લામાં સાપ્તાહિત એટલે કે 5થી 11 એપ્રિલ દરમિયાન પોઝિટિવ રેટ 5%થી વધારે છે. આ 7 રાજ્યમાં કેરળ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, હરિયાણા, મણિપુર અને ઓડિશા છે.
  • કેરળના 14 જિલ્લા એવા છે, જ્યાં પોઝિટિવ રેટ 10%થી વધારે છે. જ્યારે 5 જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવ રેટ 15% કરતાં વધારે છે. આ સિવાય 2 જિલ્લા એવા છે, જ્યાં 20% કરતાં પણ વધારે છે.
  • મિઝોરમના 10 જિલ્લામાં પોઝિટિવ રેટ 5%થી વધારે છે. 7 જિલ્લામાં 10% અને 5 જિલ્લામાં એ 20% છે.
  • અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં 100% એટલે કે દરેક લોકો કોરોના સંક્રમિત છે. જ્યારે હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પિતિમાં કોરોના પોઝિટિવ રેટ 12.50% છે.
  • હરિયાણાના ગુરુગ્રામમાં સૌથી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. અહીં સાપ્તાહિક પોઝિટિવ રેટ વધીને 5.81% થઈ ગયો છે.
  • મણિપુરના તેંગનોઉપલ જિલ્લામાં સાપ્તાહિક પોઝિટિવ રેટ 5.41% છે. ઓડિશાના ખોર્ધા જિલ્લામાં એ 8.68% છે.

કેન્દ્રએ કયાં રાજ્યોને કોરોનાથી એલર્ટ કર્યા?

  • કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે કોરોના હજી ખતમ નથી થયો. લોકોએ સુરક્ષા જાળવવી જરૂરી છે.
  • દેશનાં ઘણાં રાજ્યોમાં કેસ વધતાં મંગળવારે માંડવિયાએ દેશના ટોપ એક્સપર્ટ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન માંડવિયાએ કોરોનાથી એલર્ટ રહેવાના આદેશ આપ્યા હતા.
  • માંડવિયાએ કહ્યું હતું કે કોવિડ-19ની સ્થિતિ નિયંત્રણમાં છે. સરકાર સતત એના પર નજર રાખી રહી છે અને રાજ્યોને જરૂરી સલાહ આપી રહી છે.
  • આ પહેલાં સ્વાસ્થય મંત્રાલયે ચીન અને અમેરિકામાં વધતા કોવિડ કેસમાં પાંચ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમની સરકારને ચિઠ્ઠી લખી છે. રાજ્યોમાં એલર્ટ વધારવા અને સંક્રમણનો દર વધવાનાં કારણોની ગંભીરતાથી તપાસ કરવા કહ્યું છે.
  • સ્વાસ્થ્ય સચિવે કહ્યું હતું કે આ રાજ્યોમાં ડેઈલી પોઝિટિવ રેટ વધી રહ્યો છે, એટલે કે રોજ નવા કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ગુરુવારે રિપોર્ટમાં 15 બાળક સહિત 44 લોકો સંક્રમિત
ગૌતમબુદ્ધનગરમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારે સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટમાં 44 નવા કેસ નોંધાયા છે. એમાં 15 બાળકો સામેલ છે. 5 દિવસમાં 40થી વધારે બાળકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. 20થી વધારે બાળકોની સારવાર હોમ આઈસોલેશનમાં ચાલી રહી છે.

દુનિયાના કયા દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે

  • અત્યારે સાઉથ કોરિયા, જર્મની, ફ્રાન્સ, વિયેતનામ, ઈટાલી, ચીન અને અમેરિકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ લહેરના વેરિયન્ટને સ્ટેલ્થ ઓમિક્રોન કહેવામાં આવે છે.
  • સાઉથ કોરિયામાં અત્યારે સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં અહીં રોજ સરેરાશ 2 લાખ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે રોજ 300 લોકોનાં મોત કોરોનાને કારણે થઈ રહ્યાં છે.
  • જર્મનીમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહીં રોજ સરેરાશ 1.5 લાખ કેસ નોંધાઈ રહ્યા છે. અહીં 76 ટકા કોરોનાના કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે.
  • ચીનના શાંઘાઈમાં બુધવારે કોરોનાના 1189 નવા કેસ આવ્યા છે, જ્યારે 25,141 એવા સંક્રમિતોની ઓળખ થઈ છે જેમનામાં કોઈ લક્ષણો દેખાયાં નથી. આમ, શાંઘાઈમાં કોરોનાના દર્દીઓ 26 હજાર થઈ ગયા છે. શાંઘાઈમાં સખત લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...