ઘઉંની ‘ઘરબંધી’:ભારતે ઘઉંની નિકાસ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી/પાણીપત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે કંપનીઓને 13 મે સુધી લેટર ઓફ ક્રેડિટ મળી છે તે નિકાસ કરી શકશે
  • લોકોનો પ્રશ્ન | ઘઉંની સીઝન પત્યા પછી પ્રતિબંધ શું કામનો?

કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર રોક લગાવી દીધી છે. તેના મુખ્ય બે કારણ છે. પહેલું- ઘઉંની સરકારી ખરીદી ઘટી છે. બીજું- હવામાનના મારથી ઘઉંના પાક પર અસર પડી છે, જેના કારણે ઉત્પાદન ઘટ્યું છે. આ સ્થિતિમાં દેશ સામે એ આશંકા છે કે ક્યાંક આગામી સમયમાં ઘઉંના ભંડાર ખાલી ના થઈ જાય. સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, જે કંપનીઓને 13 મે સુધી લેટર ઓફ ક્રેડિટ (એલઓસી) મળી ચૂકી છે, તેઓ નિકાસ કરી શકશે.

જોકે, સરકારે એ નથી જણાવ્યું કે કેટલી કંપનીઓને 13 મે સુધી એલઓસી મળી છે. સરકારી જાહેરનામામાં એ પણ કહેવાયું છે કે, અનેક કારણોથી દુનિયામાં ઘઉંની કિંમતો વધી છે. તેનાથી ભારત સહિત પાડોશી દેશોની ખાદ્ય સુરક્ષા જોખમાઈ છે. તેને ધ્યાનમાં રાખીને નિકાસ પર રોકનો નિર્ણય લેવાયો છે.

ગયા મહિનાની 15મી તારીખે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, 2022-23માં ઘઉંની નિકાસ 100 લાખ ટન પાર કરી દેશે. પરંતુ હવે સરકારના વલણનો કેટલાક ખેડૂત સંગઠનોએ વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, આ નિર્ણયથી ઘઉંના ભાવ ઘટશે, જેથી તેમને નુકસાન થશે. જોકે, અમુક સંગઠનો કહે છે કે, તેનાથી સામાન્ય લોકોને ઘઉં યોગ્ય કિંમતે મળશે. એટલે નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય યોગ્ય છે.

આર્થિક નિષ્ણાત અંશુમાન તિવારીએ કહ્યું છે કે, સરકારે કિંમતો કાબુમાં રાખવા ઘઉંની નિકાસ પર રોક લગાવી છે, પરંતુ કેટલીક કંપનીઓને લેટર ઓફ ક્રેડિટ અપાઈ છે તે પણ સરકારે જાહેર કરવું જોઈએ. તેથી પસંદગીની કંપનીઓ જ નિકાસ કરશે તેવી કોઈના મનમાં શંકા ના રહે. તેની યાદી સરકાર પાસે હોય જ છે. હકીકતમાં લેટર ઓફ ક્રેડિટના મતે, નિકાસકારે પોતાનું વચન પૂરું કરવાનું હોય છે. જો તે નિકાસ ના કરી શકે, તો તેણે આયાતકારને 100% વળતર આપવું પડે છે.

નિકાસ ના રોકી હોત તો સરકારી યોજનાઓ માટે ઘઉં બચ્યા ના હોત અને ભાવ વધ્યા હોત

  • સરકાર પહેલા કહેતી હતી કે, આ વખતે નિકાસનો રેકોર્ડ બનશે, હવે રોક લગાવી. આવું કેમ?

સરકારે ઘઉં ખરીદીનું લક્ષ્ય 444 લાખ મેટ્રિક ટન રાખ્યું હતું. પછી ઘટાડીને 195 લાખ મેટ્રિક ટન કર્યું. હવે તે પણ પૂરું થવાની શક્યતા નથી કારણ કે, સરકારી મંડીઓમાં હવે ઘઉં નહીં બરાબર આવે છે. બીજી તરફ, વેપારીઓએ નિકાસ માટે ઘઉંનો સ્ટોક રાખ્યો છે. હવે જો આ ઘઉં નિકાસ નહીં થઈ શકે, તો તે ભારતમાં જ રહેશે અને એટલે ભાવ વધવાની શક્યતા પણ ઓછી છે.

  • આ નિર્ણયનું બીજું કોઈ કારણ?

સરકારી ખરીદીનો મે મહિનાનો શરૂઆતનો સ્ટોક સાત વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ગયા વર્ષથી 57% ઓછો છે. વર્ષમાં જુદી જુદી સરકારી યોજનાઓ થકી 434.92 લાખ મેટ્રિક ટન ઘઉંની વહેંચણી કરાય છે. ...અનુસંધાન પાના નં. 7

હાલ વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાને સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. જો તેને એપ્રિલ 2023 સુધી લંબાવાશે, તો ગોદામ ખાલી થઈ શકે છે. આ સ્થિતિમાં ઘઉં આયાત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે.

  • સરકારી ખરીદીમાં ઘટાડો કેમ થયો?

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવ 60% વધ્યા છે. લોટના ભાવ પણ 40% સુધી વધી ચૂક્યા છે. એટલે વેપારીઓએ મંડીઓ બહાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી વધુ કિંમતે ઘઉં ખરીદ્યા છે, જેથી તેમણે મંડીની ફી ચૂકવવી ના પડે. સરકારનું અનુમાન છે કે, 40 લાખ મેટ્રિક ટન ઘઉં મંડીઓમાં નથી આવ્યા, જે કદાચ સ્ટોક કરાયા છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધુ સ્ટોક થયા છે કારણ કે, અહીંથી કંડલા પોર્ટ નજીક છે, જ્યાંથી ઘઉંની નિકાસ થાય છે.

  • નિકાસ પર રોક ના લગાવીએ તો શું થાય?

2006-07 જેવી સ્થિતિ સર્જાય. ત્યારે આપણે ઘઉં આયાત કરવા પડ્યા હતા અને તે પણ દોઢ ગણી વધુ કિંમતે. રોક ના લગાવી હોત, તો ભારતમાં ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 3000 સુધી ઉછળી શકે એમ હતા, જે હાલ રૂ. 2300 નજીક છે. આ કિંમત પણ ટેકાના ભાવથી રૂ. 200 વધુ છે. તમે વિચારો કે, હાલ દેશમાં ઘઉંની અછત નથી, છતાં ભાવ વધ્યા છે. જો અછત સર્જાઈ હોત, તો શું સ્થિતિ હોત!

  • આ નિર્ણયથી મોંઘવારી ઘટશે?

લોટના ભાવ નહીં વધે તેની પૂરેપૂરી આશા છે. ભાવ ઘટશે કે નહીં, તે બજારની દિશા પર નિર્ભર છે. આમ પણ ઘઉંનો જે સ્ટોક કરાયો છે, તે મોડો વહેલો બજારમાં ઉતારવો જ પડશે. એટલે ભાવ ઘટી શકે છે.

ઘઉંના ભાવથી ખેડૂતો ખુશ, પણ મોંઘવારીથી પરેશાન
ભાલના ખેડૂત વિજય ડાભીએ ભાસ્કરને જણાવ્યું કે, આ વર્ષે ખેડૂતોને रूરૂ. 2250થી લઇને 3,000 સુધી પ્રતિ ક્વિન્ટલ ભાવ મળ્યા છે. હજુ પણ અમારી પાસે વેપારીઓ ઘઉં માંગે છે. જોકે આવતા વર્ષે અમે ઉત્પાદનના મૂડમાં નથી. કારણ કે પેટ્રોલ, ડીઝલ અને તેના પગલે અન્ય ખર્ચ વધતા ખેતી પોષાય તેમ નથી. સરકારે માત્ર ઘઉંનાં ભાવ ઘટાડીને નહીં પરંતુ પેટ્રોલ ડીઝલ સહિત અન્ય ભાવ ઘટાડીને મોંઘવારી ઓછી કરવી જોઇએ.

લોકોએ 3500થી 4400માં ઘઉં ભર્યા અને હવે ભરાયા
ઘઉંનાં ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 3500-4400 છે. આ અંગે અમદાવાદનાં વિપુલભાઇ કહે કે, ગત વર્ષે રૂ. 2,800ના ભાવે ખરીદ્યા. હવે 3,500 ચૂકવ્યા. વહેલો પ્રતિબંધ લગાવ્યો હોત તો આવું ના થાત.

અન્ય સમાચારો પણ છે...