• Gujarati News
  • National
  • Increased Negligence In The Country After The Arrival Of Vaccines, 368% Increase In Daily Reported Cases In The Country After February 11

જનતા કર્ફ્યૂનું એક વર્ષ:વેક્સિન આવ્યા બાદ દેશમાં વધી બેદરકારી, 11 ફેબ્રુઆરી બાદ દેશમાં દરરોજ નોંધાઈ રહેલા કેસમાં 5 ગણો વધારો

એક વર્ષ પહેલા
  • દેશમાં વેક્સિન આવ્યા બાદ લોકો વધુ બેદરકાર બની ગયા
  • જો જનતા આવી જ રીતે બેદરકાર બની રહી તો એક વર્ષ પહેલા જેવી સ્થિતિ ફરીથી જોવા મળી શકે છે

આજે 22 માર્ચ છે. આજથી એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશમાં જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ લોકડાઉનની ટ્રાયલ હતી. ટ્રાયલ સફળ રહી હતી અને 25 માર્ચથી કોરોનાના વધતા આંકડાઓ વચ્ચે દેશમાં લોકડાઉન લગાવવાનું શરૂ થયું. કોરોના તેમ છતાં વધતો રહ્યો હતો. એકથી બીજું, બીજાથી ત્રીજું અને ત્રીજાથી ચોથું લોકડાઉન લાગ્યું હતું.

ત્યાર પછી શરૂ થયો અનલોકનો રાઉન્ડ. આ બધાની વચ્ચે કોરોના વધતો ગયો. સપ્ટેમ્બર સુધી આ ગતિ વધતી રહી. જ્યારે ઓક્ટોબર આવ્યો, ત્યારે કહેવામાં આવ્યું- હવે તો હવામાન બદલાવાનું શરૂ થશે તો આ આંકડા હજુ વધશે, પણ ઊલટું થયું. કોરોનાના કેસ ઘટવા લાગ્યા હતા.

આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં વેક્સિન પણ આવી ગઈ હતી. એ પછી શું થયું...આપણે વધુ બેદરકાર બની ગયા. આપણને લાગ્યું કે હવે બધું બરાબર છે, પરંતુ ફરી એકવાર આપણી વિચારથી વિરુદ્ધ કોરોનાએ પલટી મારી છે. આ વર્ષે 11 ફેબ્રુઆરી પછી દેશમાં કોરોનાના કેસ દરરોજ વધવાનું શરૂ થયું, જે ગયા વર્ષે નવેમ્બર બાદથી સતત ઘટી રહ્યા હતા.

11 ફેબ્રુઆરીએ દેશભરમાં ફક્ત 9,353 કેસ નોંધાયા હતા. 20 માર્ચે એની સંખ્યા વધીને 43,815 થઈ ગઈ, એટલે કે 368% કરતાં વધુની છલાંગ. આ દરમિયાન મોતની સંખ્યામાં પણ દરરોજ વધારો થયો છે. મહારાષ્ટ્ર, પંજાબ જ્યારે બીજા પીક તરફ આગળ વધી રહ્યાં છે, ત્યારે મધ્યપ્રદેશ, દિલ્હી સહિત 6 વધુ રાજ્યો છે, જ્યાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. ચાલો, આપણે સમજીએ કે આપણે ક્યાં અને કઈ ગતિએ જઈ રહ્યા છીએ અને એને કેવી રીતે અટકાવી શકીએ છીએ...

વેક્સિન આવ્યા બાદ પણ કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ?
આ વર્ષે 16 જાન્યુઆરીથી વેક્સિન આપવાની શરૂ થઈ હતી. અત્યારસુધીમાં 4.5 કરોડથી વધુ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે, પરંતુ માત્ર 75 લાખ લોકોને જ વેક્સિનના બંને ડોઝ આપી શકાયા છે. વર્ષભરથી કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા તેજ પ્રતાપ તોમર કહે છે, વેક્સિન એ ઇમ્યુનિટી બૂસ્ટર છે, ઉપાય નથી. જ્યાં સુધી 40થી 50 કરોડ લોકોને વેક્સિન આપવામાં નહીં આવે ત્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી નહીં આવે. ત્યાં સુધી આપણે બધાએ સાવચેતી રાખવી પડશે. ત્યારે જ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાશે. જો આપણે આ જ રીતે બેદરકાર બની રહ્યા તો એક વર્ષ પહેલાં જેવી સ્થિતિ ફરીથી જોવા મળી શકે છે.

આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધન એમ પણ કહે છે કે વેક્સિન આવ્યા બાદ લોકોએ તો માસ્ક પહેરવાનું જ બંધ કરી દીધું અથવા માસ્ક યોગ્ય રીતે પહેરવાનું છોડી દીધું. કોરોના સંક્રમણ વધારવાનું આ મોટું કારણ છે.

આ વર્ષે જાન્યુઆરીમાં જ દેશમાં વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ હતી. -ફાઇલ
આ વર્ષે જાન્યુઆરીમાં જ દેશમાં વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ હતી. -ફાઇલ

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં શનિવારે કુલ કેસોમાંથી 77.7% એટલે કે 43,846 નવા કેસ નોંધાયા છે. કેરળમાં કેસ ઘટી રહ્યા છે, પરંતુ અહીં શનિવારે 2 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જો કેરળના કેસોમાં પણ મર્જ કરવામાં આવે તો શનિવારે કુલ કેસોમાં આ છ રાજ્યમાં 83.14% નવા કેસ નોંધાયા છે.

કોરોનાથી થયેલાં 87% મૃત્યુ ફ્ક્ત 6 રાજ્યમાં
જે રાજ્યોમાં શનિવારે સૌથી વધુ કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા, તેમાં 87% ફ્ક્ત 6 રાજ્યમાં છે. એ પૈકી સૌથી વધુ સક્રિય કેસવાળા 8માંથી 5 રાજ્ય છે. આ સિવાય છત્તીસગઢ પણ સૌથી વધુ કોરોનાથી મૃત્યુવાળાં રાજ્યોમાં સામેલ છે. અહીં એક્ટિવ કેસ અન્ય રાજ્યો કરતાં ઓછા છે. શનિવારે અહીં 11 દર્દીનાં મૃત્યુ થયાં હતાં.

પંજાબ નવા કેસમાં કેરળથી આગળ નીકળ્યું, મહારાષ્ટ્ર બાદ બીજું રાજ્ય બન્યું
મહારાષ્ટ્રમાં હવે મહામારીની પ્રથમ લહેર કરતાં પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશના 76.48% એક્ટિવ કેસ આ ત્રણ રાજ્યમાં જ છે. સંક્રમણ વધવાના કેસનું એક કારણ વેક્સિનેશન ઓછું થવું પણ છે. મહારાષ્ટ્ર-પંજાબ હવ ફક્ત 2.06% અને 1.21% વસતિને જ વેક્સિન આપવામાં આવી છે. કેરળ વસતિના 3.44% લોકોને વેક્સિનનો એક ડોઝ આપી ચૂક્યું છે. નવા કેસોના મામલે પંજાબે કેરળને પાછળ છોડી દીધું છે.

મહારાષ્ટ્ર-પંજાબ બીજા પીક તરફ વધી રહ્યાં છે, કેરળમાં નવા કેસ ઝડપથી ઘટી રહ્યા છે
પંજાબ અને મહારાષ્ટ્રમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીંનાં ઘણાં શહેરોમાં બીજું પીક આવવાનું છે. જ્યારે, કેરળમાં કેસ ભલે વધુ છે, પરંતુ રાહતની વાત તે છે કે અહીં સક્રિય કેસ ઝડપથી ઘટતા જાય છે. દેશમાં સરેરાશ ફક્ત 15%થી 20% કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે. 80% -85% દર્દીઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે. જોકે હવે સક્રિય દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયા પહેલાં દેશમાં 2 લાખ એક્ટિવ કેસ હતા, હવે એ વધીને 2.52 લાખથી વધુ થઈ ગયા છે.

ભારત-બ્રાઝિલમાં મૃત્યુ વધુ થઈ રહ્યાં છે, અમેરિકામાં ઘટાડો થયો
દેશમાં 2 ફેબ્રુઆરીથી કોરોનાના નવા કેસો વધવા માંડયા ત્યારથી વિશ્વમાં ભારતનો હિસ્સો ત્રણ ગણો વધી ગયો છે, જ્યારે અમેરિકા અને બ્રાઝિલની ભાગીદારીમાં ઘટાડો થયો છે. અમેરિકામાં મૃત્યુમાં ઘટાડો આવ્યો છે, પરંતુ બ્રાઝિલ અને ભારતમાં લગભગ 89% જેટલાં વધ્યાં છે. દેશમાં હવે એક દિવસનાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. 11 ફેબ્રુઆરીએ આ વર્ષે સૌથી ઓછા 89 મૃત્યુ થયાં હતાં. આ પછી આ આંકડા સતત વધવા લાગ્યા છે. 20 માર્ચે સૌથી વધુ 196 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...