ઉત્તરપ્રદેશની ગાજિયાબાદ પોલીસે વિવાદિત નિવેદન આપવાના મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત આધ્યાત્મિક ગુરુ હોવાનો દાવો કરનાર પુલકિત મિશ્રા ઉર્ફે પુલકિત મહારાજની ધરપકડ કરી છે. કોર્ટે જામીન ફગાવ્યા પછી હાલ પોલીસે પુલકિત મિશ્રાને જેલ ભેગા કર્યા છે. પુલકિત મિશ્રા પર આરોપ છે કે તેમણે કથિત રીતે હિન્દુઓને આતંકી બનાવવા માટે ઉશ્કેર્યા હતા. સાહિબાબાદ પોલીસે પુલકિત મિશ્રાની IPCની કલમ 153A, 505(1)(B), 505(1)(C) અને 295A અંતર્ગત ધરપકડ કરી છે.
પુલકિત મિશ્રાને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગો કરવામાં આવ્યો છે. પોલીસે ઓન ડોક્યુમેન્ટ્સ મિશ્રાની ધરપકડને સાહિબાબાદમાં શાલીમાર ગાર્ડન એક્સટેન્શન સ્થિત ઘરેથી બતાવી છે. ત્રણ દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. તેમાં પુલકિત મિશ્રાએ ભગવો પહેરનારને કહ્યું હતું કે તેઓ હવે આતંકી બની જાય અને ગોળીઓથી જવાબ આપે. એક રીતે પુલકિત મિશ્રાએ હિન્દુઓને આતંકી બનાવવા માટે ઉશ્કેર્યા હતા. SP સિટી નિપુણ અગ્રવાલના નિર્દેશ પર પુલકિતની વિરુદ્ધ સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
જામીન અરજી ફગાવવામાં આવી
કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી પુલકિત મિશ્રાના વકીલે જામીન અરજી મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને જોઈને જામીન અરજીને ફગાવી દીધી હતી. પુલકિત મિશ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
પોતે PM નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરુ હોવાનો દાવો કરતો હતો
પુલકિત મિશ્રાની વર્ષ-2018માં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગાજિયાબાદથી ધરપકડ કરી હતી. તે વખતે તેની પર આરોપ હતો કે તે પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરુ ગણાવતો હતો અને તમામ રાજ્યોમાં ભ્રમણ દરમિયાન વીવીઆઈપી સુવિધા પણ લેતો હતો. તે પોતે દિલ્હીની એક મિનિસ્ટ્રીમાં સિનિયર અધિકારી હોવાનો પણ દાવો કરતો હતો.
પછીથી તેની ધરપકડ કરીને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પુલકિત મિશ્રા ઉર્ફે પુલકિત મહારાજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બાબા રામદેવ સહિત તમામ મંત્રીઓ અને મોટી હસ્તીઓ સાથે ફોટા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.