બિહારના મુંગેરમાં ગંગામાં 7 યુવક ડૂબવાનો રૂંવાડાં ઊભો કરતો વીડિયો સામે આવ્યો છે. એક યુવકે દુર્ગા પ્રતિમા વિર્સજનને ફેસબુક પર લાઈવ કરી હતી. આ દરમિયાન આ આખી ઘટના લાઈવ થઈ ગઈ. વીડિયોમાં જોવા મળે છે કે 7 યુવક ગંગાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, તેમને બચાવવા માટે લોકો બૂમો પાડી રહ્યા છે. કેટલાક લોકો નદીમાં કૂદીને બચાવી પણ રહ્યા છે. જોતજોતાંમાં ત્રણ યુવક નદીમાં ડૂબી જાય છે.
ઘટના ગુરુવારે મુંગેરના કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના દુરમટ્ટા ગંગા ઘાટની છે. દુર્ગા વિસર્જનને બિનદ્વારા દુર્ગા પૂજા સમિતિના એક સભ્યએ લાઈવ કરી હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે લોકો માતા દુર્ગાની પ્રતિમા ટ્રેક્ટર-ટ્રોલીમાં લઈને ઘાટ પહોંચે છે. આ દરમિયાન DJ વાગી રહ્યા છે. માની પ્રતિમા ગંગા નદીમાં લઈને કેટલાક યુવકો પાણીમાં ઊતરે છે. આ દરમિયાન બૂમ-બરાડા સાંભળવા મળે છે.
7 યુવક ઊંડા પાણીમાં ગરકાવ
સાત યુવક ગંગાના ઊંડાણવાળા વિસ્તારમાં દૂર સુધી જતા રહે છે. એ બાદ તેઓ ડૂબવા લાગે છે અને બચવા માટે બૂમો પાડે છે. આજુબાજુના લોકો તેમને બહાર કાઢવાના પ્રયાસ કરે છે. ચારેબાજુ બૂમબરાડા અને રડવાનો અવાજો આવવા લાગે છે. ચાર યુવકને બચાવી લેવામાં આવે છે, પરંતુ ત્રણ નદીમાં ડૂબી જાય છે. ઘણી શોધખોળ બાદ ત્રણેય યુવકના મૃતદેહ મળે છે.
ગામમાં સન્નાટો
કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બિનદ્વારા ગામના અમરજિત કુમાર, ઋષભ રાજ અને મોનુ સિંહ પ્રતિમા વિસર્જન દરમિયાન ગંગા નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા છે. ગંગામાં ડૂબી જતાં ગામના ત્રણ યુવકનાં મોત થતાં ગામમાં ગમગીની જોવા મળી રહી છે.
તમામને વળતર મળશે
સરકારી અધિકારી ખુશબૂ ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રતિમા વિસર્જન દરમિયાન ડૂબેલા ત્રણેય યુવકના પરિવારને સરકારી લાભ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ અંગે જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.