મહારાષ્ટ્રના યવતમાલના ફૂલસાવંગીમાં રહેતા શેખ ઈસ્માઈલ ઉર્ફે મુન્નાએ 2 વર્ષની સખત મહેનત પછી એક હેલિકોપ્ટર તૈયાર કર્યું હતું. તેણે આ હેલિકોપ્ટરને નામ પણ મુન્ના હેલિકોપ્ટર જ આપ્યું હતું. આ હેલિકોપ્ટર આખું બની ગયા પછી શેખ ઈસ્માઈલને સંપૂર્ણ વિશ્વાસ હતો કે એ ચોક્કસથી ઊડશે. બુધવારે મુન્નો આખા ગામ સામે એને ઉડાડવાનો હતો, પરંતુ મંગળવારે રાતે 2.30 વાગે ટેસ્ટિંગ દરમિયાન એનો એક પંખો તૂટીને મુન્નાના માથામાં વાગ્યો હતો. એને કારણે મુન્નાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
8મું પાસ મુન્નાની ઉંમર માત્ર 24 વર્ષ જ હતી અને એ વ્યવસાયે મિકેનિક હતો. એ દિવસે ગેરેજમાં વેલ્ડિંગનું કામ કરતો હતો અને રાતે પોતાનું સપનું પૂરું કરવા હેલિકોપ્ટર બનાવવાના કામમાં જોડાઈ જતો હતો. મુન્નો ઈચ્છતો હતો કે દરેક ઘરના પાર્કિંગમાં કારની જગ્યાએ હેલિકોપ્ટર ઊભું રહે. તેની આવડત અને તેના પરિવાર વિશે દુનિયા જાણી શકે એ પહેલાં જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પાયલોટ બનવાનું સપનું હતું
ઘરના લોકોએ જણાવ્યું હતું કે મુન્નો બારીમાં ફિટ કરવાનું કૂલર પણ જાતે જ બનાવતો હતો. તે પાયલોટ બનવા માગતો હતો, પરંતુ ઘરની સ્થિતિ નબળી હોવાને કારણે તેનું આ સપનું પૂરું ના થઈ શક્યું, તેથી તેણે એક દિવસ અચાનક હેલિકોપ્ટર બનાવવાનો નિર્ણય કર્યો અને પોતાનું સપનું પૂરું કરવા માટે મહેનત કરવા લાગ્યો.
હેલિકોપ્ટરને જોવા માટે બેંગલુરુથી આવવાની હતી એક ટીમ
મુન્નાના કાકા સિરાઝુદ્દીને જણાવ્યું હતું કે બહુ ભણેલો-ગણેલો ના હોવા છતાં મુન્નાની વિચારસરણી ઊંચી હતી. તેના હાથમાં એક આવડત હતી. આખા ગામમાં લોકો તેને રેંચો કહીને બોલાવતા હતા. તેણે બનાવેલું હેલિકોપ્ટર જોવા બેંગલુરુથી એક ટીમ પણ આવવાની હતી, તેથી જ મુન્નાએ એક દિવસ પહેલાં ટ્રાયલનો પ્રયત્ન કર્યો હતો.
30 લાખ રૂપિયામાં 6 સીટવાળું હેલિકોપ્ટર બનાવવાનો હતો
મુન્નો છેલ્લાં 2 વર્ષથી 1 સીટવાળું હેલિકોપ્ટર બનાવતો હતો અને તેનું સપનું 6 સીટર હેલિકોપ્ટર બનાવવાનું હતું. તે એની કિંમત રૂ. 30 લાખ રાખવા માગતો હતો, પરંતુ મુન્નાનું સપનું પૂરું થાય એ પહેલાં જ તેણે દુનિયા છોડી દીધી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.