• Gujarati News
  • National
  • In Uttarakhand The River Became A Lake From The Debris Of The Mountain, Threatening The Villages

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઉત્તરાખંડમાં નદીમાં પહાડના કાટમાળથી તળાવ બની ગયું, ગામડાંઓને ખતરો

દેહરાદૂનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંવારી ગામમાં તળાવના પાણી માટે રસ્તો કરવામાં આવી રહ્યો છે

ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં કપકોટ ક્ષેત્રના કુંવારી ગામ નજીક પિંડરની સહાયક નદી શંભુ નદીમાં પહાડ પરથી કાટમાળ આવતાં તળાવ બની ગયું છે, જેના પગલે વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે. સ્થળે વિજ્ઞાનીઓની ટીમની સાથોસાથ વહીવટી અધિકારીઓ પણ હાજર છે. ટીમે જણાવ્યું કે 3 દિવસ પહેલાં બનેલા તળાવમાં હજારો ક્યૂસેક પાણી ભરાઇ ગયું છે.

નીચાણવાળા વિસ્તારોનાં ગામો માટે જોખમ ન સર્જાય તે હેતુથી તળાવના પાણી માટે રસ્તો કરાઇ રહ્યો છે. તંત્રના જણાવ્યાનુસાર અગાઉ પણ આ નદી પર ભૂસ્ખલનને કારણે તળાવ બનતા આવ્યાં છે. સમયસર તળાવના પાણી માટે રસ્તો કરી દેવાય છે. કુંવારી ગામના લોકોને તળાવથી કોઇ પણ પ્રકારનું જોખમ નથી. જ્યાં તળાવ બન્યું છે ત્યાંથી ગામ 4 કિ.મી. દૂર ઊંચાઇ પર વસેલું છે.

શંભુ નદી પિંડરને મળીને નારાયણ બગડ તરફ વળે છે. જિલ્લા કલેક્ટર પારિતોષ વર્માએ જણાવ્યું કે કુંવારી ગામના 18 પરિવાર વિસ્થાપિત થશે. તેમને વળતરની રકમ પણ આપી દેવાઇ છે પણ પરિવાર સ્થળાંતર નથી કરી રહ્યા. 2018માં કુંવારીમાં ભૂસ્ખલન બાદ ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરની ટીમે ગામનું નિરીક્ષણ કર્યું. ટીમે તેના રિપોર્ટમાં ભૂસ્ખલનનું કારણ ભૂગર્ભમાં હલચલ જણાવ્યું હતું.

રિપોર્ટમાં જણાવાયું હતું કે પ્રદેશનો મોટો હિસ્સો સેડીમેન્ટરી અને પ્લૂટોનિક ભેખડોનો બનેલો છે. કુંવારી નજીકથી કપકોટ ફોર્મેશન અને હત્થસિલા ફોર્મેશન પસાર થાય છે, જે પરસ્પર ટકરાવાથી ટેક્ટોનિક ઝોન બની રહ્યો છે અને તે કારણથી પહાડ પરથી કમોસમી ભૂસ્ખલન થઇ રહ્યું છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે ગામને નજીકથી વહેતા વરસાદી નાળાથી પણ જોખમ છે.

હાલ કુંવારી ગામના ભૂસ્ખલનનું આ જોખમ ક્ષેત્રથી વધુ ચમોલી જિલ્લાના વિસ્તારો માટે ઊભું થઇ રહ્યું છે. તળાવમાંથી સમયસર પાણીનો નિકાલ નહીં કરાય તો હોનારતના કિસ્સામાં થરાલી, નારાયણબગડ વિસ્તારો જોખમી રહેશે. જિલ્લા અધિકારી વિનીતકુમારે જણાવ્યું કે શંભુ નદીમાં બનેલું તળાવ સંપૂર્ણપણે બંધ નથી થયું. અત્યાર સુધીમાં તળાવમાં 6,500 ક્યૂસેક પાણી ભેગું થયું છે. તળાવ ખોલવાનું કામ શરૂ કરી દેવાયું છે અને 2-3 દિવસમાં પૂરું ખોલી દેવાશે.

અપર હિમાલય ક્ષેત્રમાં તળાવ બનવાથી મોટી આફત સર્જાઇ ચૂકી છે
ઉત્તરાખંડના અપર હિમાલય ક્ષેત્રમાં નદીઓમાં તળાવ બનવાથી અગાઉ પણ મોટી આફતો આવી ચૂકી છે. 2013માં કેદારનાથનું પૂર આ કારણથી જ આવ્યું હતું. કેદારનાથથી 4 કિ.મી. ઉપર ચિરોબાડી તળાવનું પાણી આભ ફાટતાં ઓવરફ્લો થયું હતું અને તેના કારણે ભારે તારાજી સર્જાઇ હતી. 2020માં ઉત્તરાખંડના ચમોલીના જ રૈણી ગામમાં પણ તળાવ પર હિમપ્રપાતથી નીચાણવાળા વિસ્તારોમાં મોટી તબાહી સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...