• Gujarati News
  • National
  • In Uttarakhand, The Driver Suddenly Braked The Train To Save The Cattle, It Cause Some The Control System To Fail In Train And The Train To Run In The Opposite Direction.

ધ રિવર્સ ટ્રેન, 35 કિમી ઊંધી દોડી:ઉત્તરાખંડમાં ઢોરને બચાવવા માટે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી, જેના પગલે ક્રંટ્રોલ સિસ્ટમ ફેલ થઈ જતાં ટ્રેન ઊંધી દિશામાં દોડવા લાગી

8 મહિનો પહેલા
  • અચાનક ટ્રેન રિવર્સ ચાલવા લગાતા તેમાં સવાર યાત્રીઓ પણ અચંબિત થઈ ગયા હતા
  • ડ્રાઈવરે ટ્રેક પર ફરતા ઢોરોને બચાવવા માટે અચાનક બ્રેક મારી હતી
  • ટ્રેનમાં કેટલીક ટેકનિકલ ખામીઓ સર્જાતા રિવર્સ દોડવા લાગી હતી

તમે કોઈ ટ્રેનમાં બેસીને મુસાફરી કરી રહ્યાં છો અને તે પોતાની ગતિએ તેના ગંતવ્ય સ્થાન તરફ દોડી રહી છે અને એકાએક તે ઊંધી દિશામાં તે સ્પીડથી ચાલવા લાગે તો તેમાં બેઠેલા યાત્રિકોની સ્થિતિ શું થઈ શકે. આવું જ કંઈક ઉત્તરાખંડમાં જોવા મળ્યું છે. અહીં એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ છે.

હકીકતમાં, પૂર્ણગિરિ જનશતાબ્દી એક્સપ્રેસ બુધવારે દિલ્હીથી ઉત્તરાખંડના ટનકપુર માટે રવાના થઈ હતી. અચાનક જ થોડાક દૂર ખટિમા પાસે પહોંચીને આ ટ્રેન રિવર્સ દોડવા લાગી હતી. ટ્રેન પૂરઝડપે ટ્રેક પર ચાલી રહી હતી. તેવામાં અચાનક ટ્રેન રિવર્સ ચાલવા લગાતા તેમાં સવાર યાત્રીઓ પણ અચંબિત થઈ ગયા હતા. મુસાફરોને પણ કશુ સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક યાત્રીઓએ તેમના સંબંધીઓને ફોન કરીને આ ઘટના જાણ કરી હતી, તો કેટલાક લોકોએ દરવાજા પાસે આવીને રિવર્સ ચાલતી ટ્રેનની બહાર ઝાંખવાનું શરૂ કરી દીધું હતું.

લોકો થોડાક સમય માટે તો આ ઘટનાને પગલે આવી જ રીતે પરેશાન રહ્યા હતા. પરંતુ 35 કિમી રિવર્સ દોડ્યા પછી ટ્રેન કોઈક રીતે ખટિમા યાર્ડ પાસે અટકી ગઈ હતી. આ અચંબિત કરનારી ઘટનામાં સદનસીબે કોઈ પણ યાત્રીને નુકસાન પહોંચ્યું ન હતું. સ્થાનિકોને આ ઘટનાની જાણ થતા ગણતરીના સમયમાં તેના સમાચાર વહેતા થઈ ગયા હતા. લોકોએ રિવર્સ ચાલતી ટ્રેનનો વીડિયો પણ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. ટ્રેન થંભી ગયા પછી રેલવેએ તમામ મુસાફરોને બસ મારફતે ટનકપુર મોકલ્યા હતા.

રેલવે પણ મૂંઝવણમાં, કેવી રીતે ટ્રેન રિવર્સ દોડવા લાગી?
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડ્રાઈવરે ટ્રેક પર ફરતા ઢોરોને બચાવવા માટે અચાનક બ્રેક મારી હતી. આ પ્રમાણે અચાનક બ્રેક મારી દેતા ટ્રેનમાં કેટલીક ટેકનિકલ ખામીઓ સર્જાઇ ગઈ હતી અને ટ્રેન રિવર્સ દોડવા લાગી હતી. રિવર્સ દોડતી ટ્રેનની પાછળ રહેલા કારણોને જાણવા માટે રેલવે વિભાગે પણ તપાસ હાથ ધરી દીધી છે.

લૉકો-પાઇલટ અને ગાર્ડને સસ્પેન્ડ કરાયા
રેલવેએ લૉકો-પાઇલટ અને ટ્રેનના ગાર્ડને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે. આ બનાવની જાણકારી નોર્થ ઈસ્ટર્ન રેલવેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, " 17/03/2021ના રોજ ખટિમા-ટનકપુર વિભાગ વચ્ચે ઢોરને કારણે આ બનાવ બન્યો હતો. જેમાં ટ્રેન ખટિમા યાર્ડથી કેટલાક અંતર દૂર સલામત રીતે રોકાઈ હતી. ટ્રેનનો એકપણ કોચ પાટા પરથી ખસ્યો ન હતો અને તમામ મુસાફરોને સલામત રીતે ટનકપુર લઈ જવાયા હતા" લૉકો-પાઈલટ અને ગાર્ડને સસ્પેન્ડ કરી દેવાયા છે.

એક અઠવાડિયામાં બીજી મોટી દુર્ઘટના ટળી
ઉત્તરાખંડમાં આ બીજી એવી ઘટના છે, જે મોટી દુર્ઘટનામાં પરિણમી નથી. આ અગાઉ શનિવારે દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. તે ઘટનામાં પણ સદનસીબે કોઈપણ મુસાફરને ઈજા પહોંચી નહોતી. તે સમયે આગમાં ભડકે બળી રહેલા કોચને બ્લેઝિંગ ટ્રેનથી અલગ કરી દેવાયો હતો. તકેદારીના ભાગ રૂપે લેવાયેલા પગલાઓના પરિણામે બોગી પહેલેથી જ ખાલી કરાઈ હતી.