• Gujarati News
  • National
  • In The Middle Of The Third Wave Of India Corona, Know When The Peak Will Come And When This Epidemic Will Stop

ભારત કોરોનાની ત્રીજી લહેરના મધ્યમાં:આગામી 10 દિવસમાં ખૂબ વધશે કેસ, પીક પર આવ્યા પછી કેસમાં સતત ઘટાડો જોવા મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાનો ડર હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઝડપથી ફેલાતા કોવિડ-19 અને એના નવા સ્વરૂપે ઓમિક્રોને ફરી એક વાર લોકોને ઘરમાં રહેવા માટે મજબૂર કર્યા છે. વિવિધ રાજ્યોની સરકારે પણ પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી છે. બીજી લહેરની ભયાનક યાદોની વચ્ચે આવેલી આ મહામારીની ત્રીજી લહેર વિશે હવે નિષ્ણાતોનું માનવું છે કે ભારત કોરોનાની ત્રીજી લહેરના મઘ્યમાં આવી ગયું છે. આગામી સપ્તાહોમાં કોરોનાના કેસમાં હજી ઉછાળો આવશે, પરંતુ ઓમિક્રોનને કારણે આવેલી ત્રીજી લહેરમાં થોડા જ સમયમાં ઝડપથી ઘટાડો પણ આવશે. દક્ષિણ આફ્રિકામાં પણ આ જ પદ્ધતિથી ઓમિક્રોનની શરૂઆત થઈ હતી.

દેશમાં જેમ જેમ ટેસ્ટ વધશે તેમ તેમ કેસની સંખ્યા વધશે
ત્રીજી લહેર વિશે હેલ્થ એક્સપર્ટ અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ સચિવ ડોક્ટર રવિ મલિકે જણાવ્યું હતું કે દેશમાં હાલ સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને આગામી હજી થોડા સમય સુધી એ ફેલાશે. અમેરિકામાં ભારત કરતાં વધારે લોકો વેક્સિનેટેડ હોવા છતાં ત્યાં પણ ઈન્ફેક્શન ઘણી ઝડપથી ફેલાયું છે, તેથી ભારતમાં પણ જેમ જેમ ટેસ્ટ વધારવામાં આવશે તેમ તેમ નવા કેસની સંખ્યા પણ વધતી જશે, કારણ કે હાલ મોટા ભાગના લોકોમાં બહુ સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યાં છે. ઘણા બધા લોકો સામાન્ય લક્ષણોને કારણે ટેસ્ટ નથી કરાવતા અને ઘરમાં સારવાર કરી રહ્યા છે અને તેઓ ક્વોરન્ટીન નથી. તેમ છતાં જો ભારતમાં કેસ એક લાખથી વધારે આવી રહ્યા છે, એનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં ચોક્કસથી કેસની સંખ્યા વધશે.

ડૉ. રવિ મલિકે જણાવ્યું હતું કે આપણે ત્રીજી લહેરના મધ્યમાં પહોંચી ગયા છીએ. આગામી બે સપ્તાહ પછી ખબર પડશે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. જો સંક્રમણની આ જ સ્પીડ રહેશે તો આપણે ફેબ્રુઆરીમાં ત્રીજી લહેરની પીક પર પહોંચી જઈશું. બે સપ્તાહ પછી ઓમિક્રોનનો વેરિયન્ટ ના બદલાય તો એ આપણા માટે રાહતના સમાચાર રહેશે અને ત્યાર પછી ધીમે ધીમે કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળશે એવું લાગે છે.

ઓમિક્રોન વેરિયન્ટ યથાવત્ રહે અને ડેલ્ટા સાથે ભળીને નવો વેરિયન્ટ ના બને તો મહામારીનો અંત ઝડપથી આવી શકે છે.
ઓમિક્રોન વેરિયન્ટ યથાવત્ રહે અને ડેલ્ટા સાથે ભળીને નવો વેરિયન્ટ ના બને તો મહામારીનો અંત ઝડપથી આવી શકે છે.

મહામારીથી રાહત ક્યારે મળશે?
આ વિશે ડૉ. રવિ મલિકે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ત્રણથી ચાર લહેર પછી આ મહામારી પૂરી થઈ જવી જોઈએ, પરંતુ આ મહામારી અપ્રત્યક્ષ છે અને કોરોના એનાં સ્વરૂપ સતત બદલતો રહે છે, તેથી આ વિશે કોઈ ભવિષ્યવાણી કરવી યોગ્ય નથી, પરંતુ એક શક્યતા એવી પણ છે કે વેક્સિન અને હર્ડ ઈમ્યુનિટીને કારણે લોકોની રોગ પ્રતિકારશક્તિ વધી રહી છે. એને પરિણામે હવે કોરોનાના નવા વેરિયન્ટ હળવા થઈ રહ્યા છે, તેથી શક્ય છે કે આગામી સમયમાં આ મહામારીનો આટલો કહેર ના રહે.

આવનારા 10 દિવસમાં ખૂબ વધશે કોરોનાના કેસ
બીએલકે હોસ્પિટલમાં રેસ્પિરેટરી બીમારીના એચઓડી ડૉ. સંદીપ નાયરે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આગામી 8-9 દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થવાનો છે. દિલ્હી અને મુંબઈમાં નોંધાયેલા કેસની સંખ્યા 4થી 5 ગણી વધારે છે. વધતા કેસોની સંખ્યાને જોતાં કોરોના જાન્યુઆરીના અંત સુધીમાં પીક પર જવાની શક્યતા છે. એવી શક્યતા છે કે કોરોનાની લહેર પીક પર આવ્યા પછી દક્ષિણ આફ્રિકાની જેમ અહીં પણ નવા કેસની સંખ્યામાં ઘટાડો આવી શકે છે. દક્ષિણ આફ્રિકામાં સંક્રમિતોની સંખ્યા અચાનક વધ્યા પછી તેમાં એકદમથી ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવું ખૂબ જરૂરી
ડૉ. નાયરે ચેતવ્યા છે કે કોરોનાના આ સંકટમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ડેલ્ટા, ઓમિક્રોન અથવા કોરોનાના કોઈપણ વેરિયન્ટ સામે એલર્ટ રહેવું ખૂબ જરૂરી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા, માસ્ક પહેરવું અને વેક્સિનેટ થવા જેવી વાતોનો સમાવેશ થાય છે. અત્યારસુધી એવી કોઈ સારવાર નથી, જે બીમારીની સામે 100 ટકા સુરક્ષા આપે, તેથી તકેદારી રાખવાથી જ બીમારીથી બચી શકાય છે.

તેમણે કહ્યું હતું કે દેશમાં વેક્સિનેશનનું પ્રમાણ વધી રહ્યું છે. 15થી 18 વર્ષનાં બાળકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં બૂસ્ટર ડોઝ આપવા વિશે પણ ચર્ચા થઈ રહી છે. ભારત અત્યારે યોગ્ય દિશામાં છે. વેક્સિન બીમારીનાં ગંભીર સ્વરૂપને રોકી શકે છે. આપણે પોલિયો અને ઓરી-અછબડાં જેવી બીમારીઓને આ રીતે વેક્સિનથી જ હરાવી છે. હાલ કોરોના સામે વેક્સિનેશન ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...