• Gujarati News
  • National
  • In The Lockdown, The Children's Memory Has Deteriorated And Their Appetite Has Also Decreased

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:લૉકડાઉનમાં બાળકોની યાદશક્તિ નબળી પડી, ભૂખ પણ ઘટી ગઈ છે

શ્રીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલો બંધ થતાં કાશ્મીરી બાળકો પર અસર

કાશ્મીર ખીણમાં બાળકો ઘણા સમયથી સ્કૂલે નથી જતાં. કોરોનાકાળમાં ઘરમાં કેદ રહેવાથી તેમજ ટીવી અને સ્માર્ટફોનનો ઉપયોગ વધતા તેમના શારીરિક-માનસિક આરોગ્ય પર ઊંડી અસર પડી છે. શ્રીનગરમાં બાળકોના માનસિક આરોગ્ય અંગે કામ કરતા સીજીડબ્લ્યુસી સેન્ટરમાં રોજ 15 બાળકોનું કાઉન્સેલિંગ થાય છે.

અત્યાર સુધી અહીં બે વર્ષમાં 14 હજાર બાળકો કાઉન્સેલિંગ માટે આવી ચૂક્યાં છે. અહીં પુલવામાથી પોતાના પુત્રને લઈને આવેલા એક શખસે કહ્યું કે મારો પુત્ર આઠમા ધોરણમાં છે. અત્યાર સુધી 80%થી ‌વધુ માર્ક્સ લાવતો હતો, પરંતુ સાત મહિના પહેલાં તેનું વર્તન ઘણું બદલાઈ ગયું.

આખો દિવસ ટીવી જોયા કરતો. બાદમાં તેની ભૂખ પણ ખતમ થઈ ગઈ. જોકે, ડૉક્ટરો સાથે કાઉન્સેલિંગ પછી તેનામાં ઘણો સુધારો થયો. નિષ્ણાતોનું કહેવું છે કે ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કર્યા પછી બાળકો સ્કૂલોથી દૂર થઈ ગયાં છે. અનિશ્ચિતતા, પથ્થરમારો, આતંકી ગતિવિધિ અને બંધના કારણે અહીંના લોકોમાં ઘણી નિરાશા હતી.

કોરોનાએ આ મુશ્કેલીઓ વધારી દીધી. બે વર્ષ પહેલાં અનેક સરવેમાં માલુમ પડ્યું કે કાશ્મીરીની આશરે 45% વસતી ચિંતા, નિરાશા અને અન્ય માનસિક બીમારીઓથી પીડિત છે. આ વર્ષે નહેરુ મેમોરિયલ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા કરાયેલા સરવેમાં પણ ગંભીર ચિંતા ધરાવતા 94.2% દર્દી મળ્યા હતા.લૉકડાઉનથી બાળકોની યાદશક્તિ પર અસર પડી છે.

હોસ્પિટલમાં 13 વર્ષના ઈમરાન બટની યાદશક્તિ ઘટી હોવાથી સારવાર ચાલી રહી છે. તે આખી રાત જાગે છે અને રુએ છે. સીજીડબ્લ્યુસીના મનોવિજ્ઞાની ડૉ. જૈદ વાની કહે છે કે, લૉકડાઉનના કારણે સ્કૂલો બંધ રહેવાથી બાળકોની શારીરિક ગતિવિધિ ઘટી છે.

સીજીડબ્લ્યુના પીડિયાટ્રિક ઓક્યુપેશનલ થેરેપિસ્ટ મોહમ્મદ શાહીને કહે છે કે, અમારી મલ્ટિડિસિપ્લનરી ટીમ લર્નિંગ ડિસઓર્ડર, એકેડેમિક ડિસઓર્ડર, બિહેવિયરલ ડિસ્ટર્બન્સ વગેરેનો સામનો કરી રહેલાં બાળકોની સારવાર કરે છે. આવાં બાળકો માટે અમે મનોચિકિત્સાની સાથે ફિઝિકલ એક્ટિવિટીઝ પણ શરૂ કરાવીએ છીએ.

માતા-પિતા મોબાઈલ અને ઘરના કલેશથી બાળકોને દૂર રાખે
ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ વસીમ રશીદ કારુ કહે છે કે, કોરોના વખતે કૌટુંબિક વિખવાદ વધવાની અસર કાશ્મીરનાં બાળકો પર પણ થઈ છે. તેમનામાં તણાવ વધ્યો છે. અમે માતા-પિતાને સલાહ આપીએ છીએ કે, આવા ઝઘડાથી બાળકોને દૂર રાખો. તેમને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા ના દો. હાલ અમે ટાઈમ, એન્ગર અને સ્ટ્રેસ મેનેજમેન્ટની સાથે સોશિયલ સ્કીલ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...