સરકારે લેખિતમાં કહ્યું...:છેલ્લાં 5 વર્ષમાં બેન્કોએ કુલ 10 લાખ કરોડની લોન માંડવાળ કરી

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ગાળામાં કુલ વિલફુલ ડિફોલ્ટર્સ 10,306
  • 7,110 કરોડના બાકી લેણાં સાથે મેહુલ ચોક્સી મોખરે

બેન્કોએ છેલ્લાં પાંચ નાણાવર્ષમાં કુલ 10 લાખ કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી હોવાનું રાજ્યકક્ષાના નાણામંત્રી ભાગવત કરાડે મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું. માંડવાળ કરાયેલી લોનની કુલ રકમ 2020-21માં 2,02,781 કરોડ રૂપિયા હતી, જ્યારે 2021-22માં 1,57,096 કરોડ રૂપિયાની લોન માંડવાળ કરાઇ હતી.

2019-20માં 2,34,170 કરોડ જ્યારે 2018-19માં પાંચ વર્ષમાં સૌથી વધુ 2,36,265 કરોડ રૂપિયાની અને 2017-18માં 1,61,328 કરોડ રૂપિયાની લોન માંડવાળ કરાઇ. આમ, 2017-18થી 2021-22 સુધીનાં પાંચ વર્ષમાં કુલ 9,91,640 કરોડ રૂપિયાની લોન માંડવાળ થઇ.

આ ચાર વર્ષ દરમિયાન વિલફુલ ડિફોલ્ટર્સ એટલે કે લોન ચૂકવવા સક્ષમ હોય પણ ઇરાદાપૂર્વક ન ચૂકવતા હોય તેવા ડિફોલ્ટર્સની કુલ સંખ્યા 10,306 રહી. સૌથી વધુ 2,840 વિલફુલ ડિફોલ્ટર્સ 2020-21માં નોંધાયા જ્યારે 2021-22માં વિલફુલ ડિફોલ્ટર્સ 2,700 હતા. માર્ચ, 2019ના અંતે વિલફુલ ડિફોલ્ટર્સ 2,207 હતા, જે 2019-20માં વધીને 2,469 થયા.

ટોચના 25 વિલફુલ ડિફોલ્ટર્સમાં ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સ લિ. 7,110 કરોડ રૂ.ની બાકી લોન સાથે મોખરે છે. એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ (5,879 કરોડ), કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિ. (4,107 કરોડ), આરઇઆઇ એગ્રો લિ. (3,984 કરોડ), એબીજી શિપયાર્ડ (3,708 કરોડ), ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ લિ. (3,108 કરોડ), વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી (2,671 કરોડ), રોટોમેક ગ્લોબલ પ્રા. લિ. (2,481 કરોડ), કોસ્ટલ પ્રોજેક્ટ્સ લિ. (2,311 કરોડ) અને કુડોસ કેમી (2,082 કરોડ) પણ ટોચના ડિફોલ્ટર્સમાં સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...