આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ -કાશ્મીરમાં ભાજપના નેતાને નિશાન બનાવ્યા છે. ગુરુવારે રાત્રે આતંકવાદીઓએ રાજૌરીમાં ભાજપના નેતાના ઘર પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ 3 ગ્રેનેડ ફેંક્યા હતા જે ભાજપના નેતાના ઘરની છત પર વિસ્ફોટ થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલો ખાંડલી વિસ્તારમાં ભાજપના મંડળ અધ્યક્ષ જસબીર સિંહના ઘરે થયો હતો. આ પછી આ વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે.
BSFના કાફલાને પણ નિશાન બનાવ્યો
BJP નેતાના ઘર પર હુમલા પહેલા, ગુરુવારે આતંકીઓએ કુલગામમાં BSFના કાફલા પર હુમલો કર્યો હતો. આ પછી સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા અને બંને તરફથી ફાયરિંગ શરૂ થયું. આ દરમિયાન આતંકવાદીઓના ફાયરિંગને કારણે 2 સુરક્ષા જવાન અને 2 નાગરિકો ઘાયલ થયા હતા. આ હુમલો કાઝીગુંડના માલપોરામાં જમ્મુ-શ્રીનગર હાઇવે પર થયો હતો.
એક વર્ષમાં BJPના 6 નેતાઓ પર આતંકવાદી હુમલા
છેલ્લા કેટલાક સમયથી BJPના નેતાઓ ઘાટીમાં આતંકવાદીઓના નિશાના પર રહ્યા છે. 9 ઓગસ્ટના રોજ આતંકીઓએ અનંતનાગમાં BJPના નેતા ગુલામ રસૂલ ડાર અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી હતી. ગયા વર્ષે 8 જુલાઈએ જમ્મુ -કાશ્મીરના ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરવામાં આવી હતી.
આ પછી 4 ઓગસ્ટના રોજ કુલગામમાં BJPના નેતા આરીફ અહમદ પર હુમલો થયો હતો. ત્યાર બાદ 6 ઓક્ટોબરના રોજ આતંકવાદીઓએ ગાંદરબલમાં BJPના જિલ્લા ઉપાધ્યક્ષ ગુલામ કાદીરની હત્યા કરી હતી. અહીં બડગામમાં પણ BJPના કાર્યકર્તાને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.