એક સીરિંજથી 40 બાળકોને વેક્સિનેશન:MPમાં નર્સિંગ વિદ્યાર્થીને કોરોનાની વેક્સિન આપવા સ્કૂલ મોકલ્યો હતો, કહ્યું-મને એક જ સીરિંજ આપી હતી

21 દિવસ પહેલા

મધ્યપ્રદેશના સાગરમાં કોરોના વેક્સિનેશનમાં સ્વાસ્થ્ય વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. સ્વાસ્થ્ય વિભાગના ઓફિસરે બુધવારે જૈન પબ્લિક સ્કૂલમાં બાળકોને વેક્સિન આપવા માટે એક નર્સિંગના વિદ્યાર્થીને એકલાને મોકલી દીધો હતો. તેણે એક જ સીરિંજથી 40 બાળકોને વેક્સિન આપી હતી. વાલીઓએ હોબાળો કરતાં નર્સિંગના વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ઓફિસરે મને માત્ર એક જ સીરિંજ આપીને કહ્યું હતું કે, આનાથી જ બધા બાળકોને વેક્સિન આપવાની છે.

નર્સિંગ સ્ટૂડન્ટની બેદરકારી સામે વાલીઓનો હોબાળો
જૈન પબ્લિક સ્કૂલમાં વેક્સિનેશન કેમ્પ માટે સ્વાસ્થ્ય વિભાગે તેમના કર્મચારીના બદલે નર્સિંગ વિદ્યાર્થીને મોકલી દીધો હતો. નર્સિંગ થર્ડ યરના વિદ્યાર્થી જીતેન્દ્રએ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. તેણે એક પછી એક એમ 40 વિદ્યાર્થીઓને વેક્સિન આપી હતી.

દિનેશ નામદેવ તેમની 9માં ધોરણમાં ભણતી દિકરીને વેક્સિન અપાવવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે, દરેક વિદ્યાર્થીને એક જ સીરિંજથી વેક્સિન આપવામાં આવી રહી છે. તેમણે વિરોધ કર્યો તો જીતેન્દ્રએ જણાવ્યું કે, તેને એક જ સીરિંજ આપવામાં આવી છે. આ વિશે દિનેશે વિરોધ કર્યો હતો. ત્યારપછી તેમની સાથે અન્ય વાલીઓએ પણ ભેગા થઈને હોબાળો કર્યો હતો.

સ્ટાફની અછતના કારણે બેજવાબદાર વર્તન
બુધવારે સાગરના 52 સેન્ટર પર વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા. દરેક કેમ્પમાં વેક્સિનેશન કેમ્પમાં 2 સભ્યો હોય છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે, સ્ટાફ ઓછો હોવાથી 40 સેન્ટર પર ખાનગી કોલેજના નર્સિંગ સ્ટાફને વેક્સિનેશનની જવાબદારી આપવામાં આવી હતી. માત્ર 12 કેન્દ્રો પર જ વિભાગના સ્ટાફે વેક્સિનેશન કર્યું હતું.

એકજ સીરિંજથી બધા બાળકોને વેક્સિન આપતા વાલીઓએ હોબાળો કર્યો
એકજ સીરિંજથી બધા બાળકોને વેક્સિન આપતા વાલીઓએ હોબાળો કર્યો

FIR નોંધાઈ, સ્વાસ્થ્ય વિભાગે બાળકોના બ્લડ સેમ્પલ મંગાવ્યા
સ્વાસ્થ્ય વિભાગે જિતેન્દ્ર અઙિરવાર સામે FIR નોંધાવી છે અને જિલ્લા વેક્સિનેશન અધિકારી એસઆર રોશન સામે વિભાગને તપાસ કરવા માટે પ્રશાસનને પત્ર લખ્યો છે. CMHO ડૉ. ડીકે ગોસ્વામીનું કહેવું છે કે, ત્રણ ટીમને બાળકોના ઘરે મોકલીને બ્લડ સેમ્પલ મંગાવવામાં આવ્યા છે. તેની જિલ્લા હોસ્પિટલની પેથોલોજી લેબમાં તપાસ કરાવવામાં આવશે.

ઓફિસરનો ખુલાસો- બધાની સીરિંજ આપી હતી, વિદ્યાર્થીએ ગુમ કરી દીધી
જિલ્લા વેક્સિનેશન અધિકારી ડૉ. એસઆર રોશનનું કહેવું છે કે, ટીમને જેટલી વેક્સિન આપી હતી તે જ પ્રમાણે સીરિંજ પણ આપી હતી. વિદ્યાર્થીએ તે ગુમ કરી દીધી હોય તેવી શક્યતા છે. જો એવું થયું પણ હોય તો તેણે ફોન કરીને જાણ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...