હવે મુક્તિની મજા:મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફ્યૂ સહિત તમામ કોરોના પ્રતિબંધો હટાવાયા

ભોપાલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે અમલી બનાવેલા તમામ પ્રતિબંધોને તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે હટાવી દીધા છે. પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરતા સરકારે કહ્યું કે કોવિડ 19 મહામારી સંબંધિત તમામ નિયંત્રણો હટાવવામાં આવી રહ્યાં છે.

હવે તમામ સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ ક્ષમતા સાથે યોજી શકાશે. આ સાથે નાઇટ કર્ફ્યૂ ખતમ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે હવે રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં છે. રાજ્યમાં 78 એક્ટિવ કેસ છે.

અમે મહામારીમાં લાદવામાં આવેલાં તમામ નિયંત્રણો દૂર કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે તમામ સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક મેળાવડાઓને પૂર્ણ ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે.

મધ્યપ્રદેશના જુદા જુદા ભાગોમાં મેળા, ઉજવણી, લગ્ન અને અંતિમ સંસ્કાર હવે કોઈ પણ પ્રતિબંધ વિના આયોજિત કરી શકાશે. સીએમ શિવરાજે વધુમાં કહ્યું કે આજે રાત્રે નાઇટ કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે. સિનેમાહોલ, મોલ, સ્વિમિંગ પૂલ, જિમ, યોગ કેન્દ્રો, રેસ્ટોરાં, ક્લબ, શાળા, કોલેજ, હોસ્ટેલ, કોચિંગ ક્લાસ 100% ક્ષમતા સાથે ચાલશે. જોકે, દરેક પ્રવૃત્તિ દરમિયાન કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

હવે શાળાઓ, કોલેજો, હોસ્ટેલ, કોચિંગ ક્લાસ પૂર્ણ ક્ષમતાથી ચાલશે

  • કોરોના મહામારીનાં તમામ નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યાં છે, નાઇટ કર્ફ્યૂ અમલી નહીં.
  • તમામ સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ ક્ષમતા સાથે યોજી શકાશે.
  • સિનેમાહોલ, મોલ, સ્વિમિંગ પૂલ, જિમ, યોગા કેન્દ્રો, રેસ્ટોરાં, ક્લબ વગેરે 100% ક્ષમતા સાથે ખૂલી શકશે.
  • શાળાઓ, કોલેજો, હોસ્ટેલ, કોચિંગ ક્લાસ પૂર્ણ ક્ષમતાથી ચાલશે.
  • મેળા, ઉજવણી, લગ્ન અને અંતિમ સંસ્કાર હવે કોઈ પણ પ્રતિબંધ વિના આયોજિત કરી શકાશે
  • મેળામાં રસીના બંને ડોઝ લેનાર દુકાનદારો જ દુકાન ખોલી શકશે.
  • 18 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના તમામ સ્ટાફને બંને ડોઝ લેવા જરૂરી છે.

દેશભરમાં બંને ડોઝ લેનારાની સંખ્યા સિંગલ ડોઝ લેનારા કરતા વધુ થઈ

કોરોના રસીકરણમાં બુધવારે દેશમાં નવો સિમાચિહ્ન સ્થપાયો હતો. દેશમાં પહેલીવાર કોરોનાની રસીના બન્ને ડોઝ મેળવનારાઓની સંખ્યા સિંગલ ડોઝ લેનારાઓ કરતા વધી ગઈ હતી. દેશમાં બન્ને ડોઝ લેનારની કુલ સંખ્યા 38 કરોડ થઈ છે જ્યારે સિંગલ ડોઝ લેનારાઓની સંખ્યા 37.5 કરોડ થઈ છે.

આ સાથે રસીકરણના મહત્ત્વના તબક્કામાં દેશનો પ્રવેશ થઈ ગયો છે. સંપૂર્ણ રસીકરણ થયું હોય એવા લોકોની સંખ્યામાં હવે સતત વધારો થશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે 100 કરોડને રસીની સિદ્ધિ પ્રાપ્ત કર્યાના એક જ મહિનામાં ભારતે આ મહત્ત્વનો સિમાચિહ્ન આંબી લીધો છે.

દેશમાં અત્યાર સુધી કોરોનાની રસીના 114 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. દેશમાં પુખ્તવયના તમામ લોકોનું રસીકરણ થાય એ માટે કુલ ડોઝની સંખ્યા 188 કરોડ થવી જરૂરી છે. રસીકરણની હાલની ઝડપને જોતા દેશમાં એપ્રિલ 2022 સુધીમાં પુખ્તવયના તમામ લોકોને રસીના બન્ને ડોઝ મળી ગયા હશે.

અન્ય સમાચારો પણ છે...