ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભૂસ્ખલનની 59% ઘટના કેરળમાં, ગેરકાયદે ખનનથી મુશ્કેલી વધી

તિરુવનંતપુરમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત 6 વર્ષમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં 374નાં મોત

કેરળમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ છે. કેરળ દેશની ફક્ત 1.18% જમીન ધરાવે છે પણ ભૂસ્ખલનની કુલ ઘટનાઓમાંથી 59.2% ઘટનાઓ અહીં જ બની છે. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશમાં 2015થી લઈને 2022 સુધી 3782 ભૂસ્ખલનની ઘટના બની હતી જેમાંથી 2239 એકમાત્ર કેરળમાં બની હતી.

કેરળ ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ એડિમિનિસ્ટ્રેશનના આપત્તિ જોખમ સલાહકાર એસ.શ્રીકુમારે કહ્યું કે 1961થી 2016 સુધી એટલે કે 55 વર્ષમાં ફક્ત 295 લોકોએ ભૂસ્ખલનમાં જીવ ગુમાવ્યા હતા. જોકે તેના પછીનાં 6 વર્ષમાં ભૂસ્ખલનમાં 374 લોકોએ જીવ ગુમાવ્યા. હવામાન નિષ્ણાતો અનુસાર સરકારે સંવેદનશીલ ક્ષેત્રોમાં ભૂસ્ખલનની ઘટનાઓથી બચવા માટે અત્યાર સુધી મેપિંગ જ નથી કરાવ્યું.

જમીન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિષ્ણાત ડૉ. કે.જી.થારા માને છે કે રાજ્યના સ્થાનિક એકમોને જલદી જ મેપિંગનું કામ સોંપવું જોઈએ. મેપિંગથી એવા વિસ્તારોની માહિતી મળી જશે જ્યાં ભૂસ્ખલન વધુ થવાની આશંકા છે. તેમાં પણ વૉર્ડ સ્તરે મેપિંગ થવું જોઇએ જેથી નાનામાં નાના સ્તરે પણ ખતરાથી વાકેફ થઈ શકાય. નિષ્ણાતો કહે છે કે કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (કેએસડીએમએ)માં મોટા ફેરફારની જરૂર છે.

તેનું પુનર્ગઠન કરવું જોઈએ. ચાલુ વર્ષે એપ્રિલમાં એક આરટીઆઈનો જવાબ આપતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રાજ્યની નોડલ એજન્સીએ જણાવ્યું કે તેમની પાસે ગત ભૂસ્ખલન સંબંધિત સંપૂર્ણ માહિતી નથી. ચાલકુડીમાં રિવર રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા એસ.પી. રવિએ કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની નોડલ એજન્સી પાસે જાણકારીનો અભાવ એ તરફ ઈશારો કરે છે કે રાજ્યમાં આ સ્થિતિને લઇને મહદઅંશે બેદરકારી દાખવાઈ છે.

એવામાં કેએસડીએમએના નિષ્ણાતોમાં ફેરફાર કરવાની જરૂર છે. કેરળમાં 2018ના પૂર પછી ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ હતી. ઓગસ્ટમાં ભારે વરસાદને કારણે દુર્ઘટના થતી રહે છે પણ તે ઉપરાંત આભ ફાટવાની ઘટનાઓએ ભૂસ્ખલનમાં વધારો કર્યો છે. ઈડુક્કી, પઠાનમથિટ્ટા, કોટ્ટાયમ, વાયનાડ, ત્રિશૂર, કન્નૂર અને કોઝિકોડ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે.

અવૈજ્ઞાનિક રીતે બાંધકામથી ભૂસ્ખલનમાં વધારો
નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ સ્ટડીઝના પૂર્વ વિજ્ઞાની ડૉ. કે.વી.થોમસે કહ્યું કે અનેક જિલ્લામાં પથ્થરોના ખોદકામ અને અવૈજ્ઞાનિક રીતે બાંધકામને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. થોમસે કહ્યું કે ભૂસ્ખલનવાળા મહત્તમ વિસ્તારોમાં રબરનાં વૃક્ષો છે. જ્યારે માટીનું ધોવાણ થાય છે તો આ વૃક્ષો તેને રોકવામાં સક્ષમ સાબિત થતાં નથી એટલા માટે જરૂરી છે કે ભૂસ્ખલનવાળી જગ્યા પર માટીને ખસકતી રોકવા માટે રબરની જગ્યાએ ફળનાં મોટાં વૃક્ષો કે પછી શાકભાજીવાળા છોડ વધુમાં વધુ રોપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...