તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Kanpur, The Father Of A Gangrape Victim Was Hit By A Truck As He Was Getting Out Of A Police Jeep. The Son Of The Perpetrator Was Arrested.

ષડયંત્ર!:કાનપુરમાં ગેંગરેપ પીડિતાના પિતાને પોલીસની જીપમાંથી ઊતરતાંવેંત જ ટ્રકે અડફેટે લીધા, દુષ્કર્મ આચરનાર થાણેદારના પુત્રની ધરપકડ કરાઈ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થાણેદારના મોટા પુત્રએ પીડિતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
  • પોલીસની જીપમાંથી ઊતર્યા પછી તરત જ ટ્રકે પીડિતાના પિતાને કચડ્યા
  • ગામના લોકોએ અકસ્માતને પગલે આનુપુર ચોકડી પાસે ચક્કાજામ લગાવી દીધો
  • પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી

ઉત્તરપ્રદેશમાં કાનપુરના એક ગામમાં ગેંગરેપનો શિકાર થયેલી યુવતીના પિતાને ટ્રકે અડફેટે લીધા છે. પીડિતાના પિતાને ટ્રકે તેની અને પોલીસની આંખોના સામે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં તેના પિતાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને ઘાટમપુર CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ડોકટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા છે. ત્યાર પછી પીડિતા તેના પિતાના મૃતદેહને લઈને પોલીસ જિલ્લા મુખ્યાલયે પહોંચી ગઈ હતી. બીજી તરફ કિશોરીના ગામના લોકોએ આ ઘટનાને પગલે આનુપુર ટર્ન પર કાનપુર-સાગર હાઈવે પર ચક્કાજામ કરી દીધો છે. પોલીસે ગેંગરેપના મુખ્ય આરોપી થાણેદારના પુત્રની ધરપકડ કરી છે.

થાણેદારના મોટા પુત્રએ પીડિતાના પરિવારને ધમકાવ્યા
ઉત્તરપ્રદેશના સજેતી વિસ્તારમાં રહેતી કિશોરી પર થાણેદારના છોકરાએ તેના મિત્ર ગોલુ યાદવ સાથે મળીને સોમવારે રાત્રે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ ઘટનાની જાણ તેના ઘરવાળાઓને કરી હતી. જેથી મંગળવારના રોજ તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા જઈ રહ્યા હતા, એ દરમિયાન થાણેદારના મોટા પુત્રએ તેમને ઘેરી લીધા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પ્રકારની ધાક-ધમકીઓ મળવા છતાં પણ પીડિતા જેમ-તેમ કરીને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચી ગઈ હતી. પોલીસે પણ આ ઘટનાને ગોળ-ગોળ ફેરવીને યુવતી સાથે પૂછપરછ કરી અને ત્યાર પછી સાંજના 6 વાગે તેની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો હતો.

પોલીસ દુષ્કર્મ પીડિતાનો મેડિકલ ચેક-અપ કરાવવા માટે રાતે 12 વાગે તેને લઈને કાશીરામ સંયુક્ત જિલ્લા ચિકિત્સાલયે પહોંચી હતી. આ મેડિકલ ચેકઅપ કરાવવા માટે પીડિતાના પિતા પણ તેની સાથે ગયા હતા. ત્યાં મોડી રાતે 2 વાગે ફરિયાદના આધારે કિશોરીનો મેડિકલ ચેકઅપ કરાયો અને ત્યાર પછી હોસ્પિટલથી પોલીસ કિશોરી અને તેના પિતાને લઈને સજેતીના પોલીસ સ્ટેશને પહોંચી હતી.

ટ્રકે અટફેટે લેતાં પીડિતાના પિતાનું મોત
ગામવાળાઓએ આરોપ લગાવ્યો હતો કે બુધવારે વહેલી સવારમાં સી.ઓ. અને ઇન્સ્પેક્ટર ઘાટમપુરના સજેતી સ્ટેશને પહોંચી ગયા હતા. તેમણે બન્નેને પોતાની ગાડીમાં બેસાડી દીધા અને ઘાટમપુર તરફ રવાના થઈ ગયા હતા. પોલીસ તેમને લઈને કોટવાલી જવાની હતી, પરંતુ એને બદલે તેઓ આ બન્નેને ઘાટમપુર CHC લઈ ગયા હતા, જેના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યાં નથી. આ પ્રકારના પોલીસના વલણ પર સ્થાનિકોએ પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા, કારણ કે પોલીસે જ્યારે મુગલ રોડ પર આવેલા આરોગ્ય કેન્દ્રની સામે પોતાની જીપને ઊભી રાખી હતી, તેના ગણતરીના સમયમાં જ પૂરઝડપે આવતી એક ટ્રકે પીડિતાના પિતાને અડફેટે લઈને કચડી નાખ્યા હતા, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

પીડિતાના પરિવારને વારંવાર ધમકાવામાં આવતા
થાણેદારના મોટા પુત્રએ ગેંગરેપનો શિકાર બનેલી કિશોરીના પિતાના મૃત્યુની ખબર સાંભળતાં જ તેના ગામના લોકો વિરોધપ્રદર્શન કરવા માટે હાઈવે પર આવી પહોંચ્યા હતા. ગામના લોકોએ કાનપુર-સાગર હાઈવે નજીક આવેલા આનુપુર ચોકડી પાસે ચક્કાજામ લગાવી દીધો હતો. ગામના લોકોએ તો CO અને SO ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. લોકોએ જણાવ્યું હતું કે તેઓ મળીને પીડિતાના પિતાને વારંવાર ધમકાવતા હતા અને ટ્રકની સામે પણ તેમણે જ મળીને ધક્કો મારી દીધો હશે એ વાતની આશંકા પણ જતાવી હતી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
બુધવારે આ દુષ્કર્મ કેસ પર ગામના SP બ્રજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, દુષ્કર્મ આચરનાર થાણેદારના પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે ગેંગરેપમાં સંકળાયેલો બીજો આરોપી હાલ ફરાર છે, પરંતુ પોલીસે તેને પકડવા માટે પણ તજવીજ હાથ ધરી દીધી છે અને ટૂંક સમયમાં તેને પણ પકડી પાડવામાં આવશે એની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...