ઉત્તરપ્રદેશના કન્નોજમાં ભાજપના નેતા એકબીજા જોડે બાખડ્યા હતા. બુધવારે જન વિશ્વાસ યાત્રા દરમિયાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, એમાં મંચ પર બેસવા માટે અનુશાસન પ્રિય ભાજપ પાર્ટીના નેતાઓએ ખુલ્લેઆમ મારપીટ કરી હતી. ધારાસભ્ય અને જિલ્લા-ઉપાધ્યક્ષના સમર્થકો વચ્ચે મારપીટ થઈ હતી.
જોતજોતાંમાં વાત એટલી આગળ વધી ગઈ કે લાતો અને મુક્કા વડે બંને પક્ષ વચ્ચે મારપીટ થવા લાગી. લાકડીઓ પણ ઊછળી હતી. 1 કલાકના હોબાળા પછી કોઈક રીતે મામલો શાંત થયો. ભાજપ જિલ્લા-ઉપાધ્યક્ષ અને તેમના સમર્થકોએ ધારાસભ્ય અર્ચના પાંડેના સમર્થકો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મંચ પર બેસવા માટે થયો હોબાળો
છિબરામઉ વિધાનસભા ક્ષેત્રના ઉધરનપુર ગામથી બુધવારે ભાજપની જન વિશ્વાસ યાત્રા શરૂ થઈ હતી. હજારોની સંખ્યામાં બાઈક અને કારના કાફલા સાથે યાત્રા કાઢવમાં આવી હતી. યાત્રા મુખ્ય માર્ગથી શરૂ થઈ પૂર્વી બાયપાસ સ્થિત નેહરુ મહાવિદ્યાલય પહોંચી હતી. ત્યાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન મંચ પર બેસવા માટે ભાજપ જિલ્લા-ઉપાધ્યક્ષ સાથે કેટલાક કાર્યકર્તાઓનો વિવાદ થયો. મામલો વધતાં બંને પક્ષે મારામારી થઈ હતી.
ભાજપ-ઉપાધ્યક્ષે કહ્યું- જીવથી મારી નાખવાની ધમકી મળી
ભાજપ જિલ્લા-ઉપાધ્યક્ષ વિપિન દ્વિવેદીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય અર્ચના પાંડેના મામા બૃજેશ સંજય ચતુર્વેદીએ અમારી પાર્ટીના કાર્યકર્તા શિવમ ચતુર્વેદી, તુશાંત શુક્લા, જિલ્લા મંત્રી ખેડૂત મોરચા સાથે મારપીટ કરી હતી. જ્યારે અમે મંચ પર ચઢવાનો પ્રયત્ન કર્યો તો ધારાસભ્યના મામાના પુત્ર રવિ ચતુર્વેદીએ મને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.
પાર્ટીના નેતા સાથે વાત કરીશ
વિપિન દ્વિવેદીએ કહ્યું હતું, જિલ્લાધ્યક્ષ સાથે વાત થઈ હતી કે મંચ પર જિલ્લા-ઉપાધ્યક્ષને બેસવાનું છે. તેમણે જબસદસ્તીથી મંચ પર જતા રોકવાનો પ્રયત્ન કર્યો. તેમણે પરિવારના લોકોને મંચ પર ચઢાવીને મારા પર લાકડીઓ વડે પ્રહાર કર્યા. જીવથી મારી નાખવાની ધમકી આપી. હવે હું પાર્ટી હાઇકમાન્ડ સાથે આ મુદ્દે વાત કરીશ. ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.