કોરોના મહામારીએ દેશના જોબ માર્કેટને બહુ ખરાબ રીતે અસર કરી છે. કોરોનાની પહેલી લહેર વચ્ચે 25 માર્ચ, 2020થી દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયું હતું. તેના પગલે લગભગ તમામ ઉદ્યોગો, વેપાર-ધંધા એકાએક ઠપ થઇ ગયા હતા. કેટલાંક અઠવાડિયાંમાં જ દેશભરમાં અંદાજે 10 કરોડ લોકોએ રોજગારી કે નોકરીથી હાથ ધોવા પડ્યા. લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં શ્રમિકોએ વતનમાં પાછા ફરવું પડ્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં વર્કિંગ વિમેન્સ વર્કફોર્સમાંથી બહાર થઇ ગઇ. વિશ્વબેન્કના આંકડા મુજબ 2010માં ભારતના વર્કફોર્સમાં વર્કિંગ વિમેન્સ 26% હતી, જે 2020માં 19% થઇ ગઇ હતી અને કોરોના મહામારીથી સ્થિતિ વધુ બગડતા 2022માં વર્કફોર્સમાં વર્કિંગ વિમેન્સ ઘટીને 9% થઇ ચૂકી છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યાનુસાર ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ વર્કફોર્સમાં પાછી ફરવાની શક્યતા ઓછી છે. તેનાથી વૈશ્વિક અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થઇ શકે છે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશમાં મહિલાઓને ફરી વર્કફોર્સમાં જોડાવાની તકો સાવ ધૂંધળી છે.
બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના એક વિશ્લેષણ મુજબ દેશમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે રોજગારીનો તફાવત 58% છે, જે દૂર કરાય તો 2050 સુધીમાં ભારતનું અર્થતંત્ર અંદાજે એક તૃતીયાંશ વધી શકે છે. આ સ્થિર ડોલર મૂલ્યના સંદર્ભમાં 6 લાખ કરોડ ડોલર (અંદાજે 465.60 લાખ કરોડ રૂપિયા) બરાબર છે. બીજી તરફ કંઇ ન કરાય તો વિશ્વનાં બજારો માટે ભારત હરીફ ઉત્પાદક બનવાનું લક્ષ્ય પાટા પરથી ઉતરવાનું જોખમ છે.
મહિલાઓ 48% પણ GDPમાં યોગદાન 17%
ભારતની કુલ વસતીમાં મહિલાઓ 48% છે પણ દેશના જીડીપીમાં તેમનું યોગદાન માત્ર 17% છે. ચીનમાં મહિલાઓનું જીડીપીમાં યોગદાન 40% સુધી છે. જાતિ અસમાનતા દૂર કરીને વર્કિંગ વિમેન્સની સંખ્યા વધારાય તો 2050 સુધીમાં વૈશ્વિક જીડીપીમાં 20 લાખ કરોડ ડોલર (અંદાજે 1,552 લાખ કરોડ રૂપિયા) જોડવામાં મદદ મળશે.
મહિલાઓ માટે તકો વધારવાનો પડકાર
અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ ભારતનું અર્થતંત્ર વધવાની ઝડપ મહામારી પહેલાં જ ધીમી પડી ગઈ હતી. વર્કફોર્સમાં વર્કિંગ વિમેન્સ ઘટવી ચિંતાજનક છે. બીજી તરફ સરકાર પણ વર્કિંગ વિમેન્સ માટે રોજગારની સ્થિતિ સુધારવા કંઇ ખાસ કરી શકી નથી. ખાસ કરીને ગામડાંમાં મહિલાઓ માટે નોકરીની તકો ખતમ થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.